ગુજરાત સહિત અન્યો રાજ્યોમાં મકરસંક્રાતિનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે ગુજરાતમાં પતંગ ચગાવવાનું વધારે મહત્વ છે. આખો દિવસ લોકો ખુબ જ મોજ મસ્તી કરે છે. આ દિવસે ગુજરાતમાં દરેક માણસ પોતાની અગાસી પર હોય છે. બાળકો તથા પુરૂષો જ નહિ મહિલાઓ પણ પગંત ચગાવે છે.
મકરસંક્રાંતિને ગુજરાતમાં ઉત્તરાયણ કહેવાય છે. ઉત્તરાયણ એટલે તે દિવસથી સૂર્ય ઉત્તરની તરફ રાયણ કરે છે. તેથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસથી દિવસ લાંબો થાય છે એટલે કે દરરોજ થોડોક થોડોક વધે છે. આ દિવસે ગુજરાતની અંદર દાન આપવાનું પણ વધારે મહત્વ છે. તેથી લોકો દાન પણ કરે છે.
આ દિવસે ગુજરાતના યુવાનોની મજા તો કંઈ અલગ જ હોય છે. દરેક યુવાન પોતાની અગાસી પર પોતાના મિત્રો અથવા પોતાના પરિવારજનો સાથે મળીને ખુબ ઉત્સાહપૂર્વક આ તહેવાર ઉજવે છે. યુવાનોમાં તો જાણે પતંગ ચગાવવાની હરીફાઈ થતી હોય તેવું લાગે છે. યુવાનો એકબીજાનો પતંગ કાપ્યા બાદ ખુબ જ જોરથી બુમો પાડે છે અને ઘણી જગ્યાએ તો નગારા અને ઢોલ લઈ આવે છે જેથી કરીને બુમો પાડવાની જ્ગ્યાએ ઢોલ-નગારા વગાડે છે. બાળકોની પણ મજા અલગ હોય છે અને વયોવૃધ્ધની પણ. ટુંકમાં આ દિવસ બધાને માટે મજાનો હોય છે.
મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાની સાથે સાથે લોકો તલપાપડી, બોર, શેરડી વગેરેની મજા માણે છે. આ દિવસે ગુજરાતમાં ઉંધિયાની પણ બોલબાલા રહે છે. આખો દિવસ ખુશીથી પસાર કર્યા બાદ રાત્રે પણ લોકો ખુશી ઉજવે છે. રાત્રે આકાશમાં પતંગની સાથે તુક્કલ ચગાવે છે.