અમદાવાદના પોલીસ સ્ટેડીયમ ખાતેના વિશાળ મેદાનમાં પ્રવાસન મંત્રી જયનારાયણભાઇ વ્યાસે આજે ઉત્સાહપૂર્વકના વાતાવરણમાં ‘ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવલ-2009'' નો રંગબેરંગી વાતાવરણમાં શુભારંભ કર્યો હતો. આ સ્પર્ધામાં 30 દેશના 82 સ્પર્ધકોએ તથા ભારતના સાત રાજયોમાંથી આવેલા 117 સ્પર્ધકો સાથે આશરે કુલ 200થી વધુ પતંગબાજોએ પોતાની પતંગકલાને અદ્ભૂત રીતે પ્રસ્તુત કરી હતી. રંગબેરંગી અને અવનવા પતંગોથી દર્શકોમાં અનેરો ઉત્સાહ જણાતો હતો. મંત્રીશ્રીએ ક્રાફટ બજારને પણ ખુલ્લું મૂકયું હતું.
પ્રવાસન મંત્રી જયનારાયણભાઇ વ્યાસે આ પતંગ સ્પર્ધકોને આવકારી ગુજરાતના અનેરા ઉત્સવમાં પ્રતિવર્ષ પધારવા સ્પર્ધકોને નિમંત્રણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગુજરાતનો પતંગોત્સવ પ્રવાસન ક્ષેત્રે એક આંતરરાષ્ટ્રીયકક્ષાએ માન્યતા પ્રાપ્ત કરી રહ્યો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 40 ટકા વધુ પતંગબાજો પધાર્યા છે. પતંગોત્સવના માધ્યમથી ગુજરાતની પ્રગતિને વિશ્વફલક ઉપર મૂકવાનો પ્રયાસ વધુ એક વાર આકાર લઇ રહ્યો છે. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના ચેરમેન કમલેશભાઇ પટેલે પતંગ, સૂર્ય અને સ્વર્ણિમ ગુજરાત આધારિત થીમ પેવેલીયનને તથા ફૂડ કોર્ટને ખુલ્લું મૂકયું હતું. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પધારેલા દેશ-વિદેશના સ્પર્ધકોમાં પણ અનેરો ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો અને દર વર્ષ પુનઃ પધારવાની ઇચ્છા તેઓ પ્રદર્શિત કરતા હતા.
નેધરલેન્ડથી પધારેલા રોબર્ટે જણાવ્યું હતું કે, અહીંનું વાતાવરણ - પવન ખૂબજ સરસ છે. અમારે વધુને વધુ સમય પતંગ ઉડાડવા છે. ઇઝરાયેલથી પધારેલા રાલ્ફ રેસ્નીકે પોતાની આ ત્રીજી મુલાકાત વિશે જણાવ્યું હતું કે, ‘‘મને દરેક વખતે ગુજરાત વધુને વધુ સારું લાગે છે. અહીંના લોકોને હું પ્રેમ કરું છું ગુજરાતમાં બધા આનંદિત છે તેથી અમે પણ આનંદ અનુભવીએ છીએ અહીંનું ફૂડ પણ સરસ છે.''
|