શિવજીના બાર જ્યોર્તિલિંગોમાંથી એક છે મહાકાળ મંદિર. આ દુનિયાનું એકમાત્ર દક્ષિણમુખી શિવલિંગ છે. તંત્રની દ્રષ્ટિએ આને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. ઐતિહાસિક દસ્તાવેજો મુજબ શ્રી મહાકાળની સ્તુતિ મહાભારત કાળના વેદવ્યાસથી લઈને કાળિદાસ, બાણભટ્ટ અને રાજા ભોજ વગેરેએ કરી છે.
પ્રાચીન શ્રી મહાકાળ મંદિરનું પુનનિર્માણ 11મી શતાબ્દીમાં થયું હતું. તેના લગભગ 140 વર્ષ પછી દિલ્લીમાં સુલ્તાન ઈલ્તુતમિશે ઉજ્જૈન પર આક્રમણ કરી શ્રી મહાકાળ મંદિરને નુકશાન પહોંચાડ્યું હતુ. વર્તમાન મંદિર મરાઠા કાળનું માનવામાં આવે છે. તેનો જીર્ણોદ્ધાર આજ થી લગભગ 250 વર્ષ પહેલા સિંધિયા રાજ ઘરાનાના દીવાન બાબા રામચંદ્ર શિણવીએ કરાવ્યો હતો.
દૂષણ નામના દૈત્યના અત્યાચારથી જ્યારે ઉજ્જૈનના રહેવાસીઓ ત્રાસી થઈ ગયા, ત્યારે તેમણે પોતાની રક્ષા કરવા માટે શિવની આરાધના કરી. આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ જ્યોતિના રુપમાં પ્રગટ થયા. દૈત્યનો સંહાર કર્યો અને ભક્તોના આગ્રહથી લિંગના સ્વરૂપમાં ઉજ્જૈયિનીમાં પ્રતિષ્ઠિત થઈ ગયા. - શિવપુરાણમાં વર્ણવામાં આવેલી કથા અનુસાર.
મહાકાળ શિવલિંગ દુનિયાનું એકમાત્ર શિવલિંગ છે, જ્યાં ભસ્મ આરતી કરવામા આવે છે. આ આરતી ખૂબ જ અલૌકિક હોય છે. વહેલી સવારે 4 થી 6 વાગ્યા સુધી વૈદિક મંત્રો, સ્તોત્ર પાઠ, વાદ્ય-યંત્રો, શંખ, ડમરુ અને ઘંટારવની સાથે ભસ્મ આરતી કરવામાં આવે છે. બમ-બમ ભોલેના જયઘોષની સાથે આ આરતી તમારી અંત:ચેતના ને જાગૃત કરે છે. આ આરતીમાં ભાગ લેવા માટે સામાન્ય હોય કે ખાસ, દરેક વ્યક્તિ આતુર રહે છે.
ભસ્મ આરતીના સમયે પૂજા-અર્ચના માટે સાધારણ વસ્ત્ર પહેરીને ગર્ભગૃહમાં જવાની અનુમતિ નથી. પુરુષોએ રેશમી ધોતી અને સ્ત્રીઓએ સાડી પહેર્યા પછી જ ગર્ભગૃહમાં જવા દેવામાં આવે છે. મુખ્ય આરતીમાં ફક્ત પુરુષ જોડાય છે. આ સમયે અહીં સ્ત્રીઓનો પ્રવેશ નિષેધ છે. ગર્ભગૃહની બહાર બનેલા નંદી હોલમાં દર્શનાર્થી આ ભસ્મ આરતીનો અલૌકિક આનંદ લઈ શકે છે.
પહેલા અહીં મડદાંની ચિતાભસ્મથી ભોલેનાથનો શ્રૃંગાર કરવામાં આવતો હતો, પણ એકવાર ચિતાની તાજી ભભૂત ન મળવાથી મહાકાળના પૂજારીએ પોતાના જીવતાં પુત્રને અગ્નિને હવાલે કરી દીધો હતો. અને બાળકની ચિતાની ભંભૂતથી ભૂતભાવનનો શ્રૃંગાર કર્યો હતો. ત્યારથી અહીં મડદાંની ભભૂતની જગ્યાએ ગાયના છાણના છાણાંઓમાંથી બનેલી ભભૂતથી શિવજીનો શ્રૃંગાર કરવામાં આવે છે. - દંત કથા.
|