અંબા માતાના મુખ્ય મંદિર પાસે મોટો ચોક આવેલો છે, જેને આરસપહાણના પથ્થરથી જડવામાં આવેલો છે. આ ચોક 'ચાચર ચોક' ના નામે ઓળખાય છે. કહેવાય છે કે શ્રીકૃષ્ણના પત્ની રૂક્ષ્મણિ પણ માઁ અંબાની મોટી ભક્ત હતી. ગબ્બર માતાજીનું મૂળ સ્થાનક મનાય છે. વર્ષો પહેલાં પાટવીકુંવર જશરાજે અહીં પર્વતની ટોચે માતાજીની સ્થાપના કરી હતી. જે આજે ગબ્બર તરીકે વિશ્વમાં ખ્યાતિ પામ્યો છે. આ ગબ્બર મુખ્ય મંદિરથી ચાર કિલોમીટર દૂર આવેલો છે. અહીં ચઢવા માટેના પગથિયા પ્રદક્ષિણા કરતાં છે . આ ગંબ્બરની અંદર માઁની ગુફાનું દ્રાર હોવાનું મનાય છે. અહીં આવેલા પીપળા ગામ નજીકના વિચડ ગામમાંથી ભક્તોને હજુ પણ હિંડોળાનો અવાજ આવવાનું મનાય છે. એવી માન્યતા છે કે ગબ્બર પર અંબાજીના સ્થાનક પર દીવો પ્રગટાવવાથી મંદિરમાં તે આપોઆપ જ દેખાય છે. મંદિરમાં અને ગબ્બરગૃહમાં આરતી એક જ સમયે થાય છે. ભાદરવાની પૂનમે અહીં ભક્તોનો મેળો જામે છે. અહીં ગુજરાત ઉપરાંત મહરાષ્ટ્ર, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી ભક્તજનો આવે છે.
અંબાજીના દર્શને પગપાળા જનારાંઓ પણ ધણા છે. એવું કહેવાય છે કે પગે ચાલીને માતાજીના દર્શને જનારાંઓની વિનંતી માતાજી જરૂર સાંભળે છે. આ પગપાળા સંધની શરૂઆત કેવી રીતે થઈ તેની કોઈ ચોક્કસ માહિતી નથી. એક માન્યતા પ્રમાણે જ્યારે આજથી 175 વર્ષ પહેલાં જ્યારે અમદાવાદમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારે અમદાવાદના જૈન સમુદાયના અગ્રણી હઠીસિંહનું હૃદય કરુણાથી વ્યથિત થઈ ગયું, તેમને માઁ અંબાને અરજ કરી અને માત્ર અઢાર દિવસમાં જ પ્લેગનો પંજો સમેટાઈ ગયો અને આથી હઠીસિહએ માતાનો આભાર માનવા અંબાજીએ પગપાળા નીકળી પડ્યાં, અને તે દિવસ ભાદરવી પૂનમનો હતો. બસ ત્યારથી ભક્તો અહીં આવીને ધજા ચઢાવે છે. ભક્તજનો પોતાની રક્ષા માટે હાથમાં લાલ રંગનો ડડો રાખે છે જેથી આને લાલડંડાવાળો સંધ કહે છે. આજે અનેક સંધો પૂનમના દિવસે બોલો માડી અંબે, જય જય અંબેના જયઘોષ સાથે ગુજરાતમાં ગામે ગામેથી લોકો પગપાળા માતાના દર્શને જાય છે. સંધમાં જનારા લોકોનું એક ઓળખકાર્ડ હોય છે. જે ભોજન સમયે બતાવવું પડે છે. અમુક કલરની ચુંદડી પણ બાંધવામાં આવે છે જેને માટે અગાઉથી પૈસા આપીને નોંધણી કરાવવી પડે છે. પહેલા આ પગયાત્રા અતિન કઠિન મનાતી હતી. પરંતુ આજે અનેક દાતાઓ આ ભાવિકોને ચા-પાણી, ભોજન, દવા, ગરમ પાણી, આરામ કરવા પથારી વગેરે સગવડો પૂરી પાડે છે. જેથી યાત્રા સરળ બની છે. આ રીતે ભક્તો હસતાં-રમતાં માતાજીના દરબારમાં પહોંચી જાય છે.
અંબાજી કેવી રીતે જવું - હવાઇ માર્ગે - સૌથી નજીકનું હવાઇ મથક અંબાજીથી લગભગ 179 કિ.મી દૂર અમદાવાદ છે. રેલ માર્ગ - અમદાવાદ થી પાલનપુર 144 કિ.મી રેલ માર્ગે જઇ શકાય અને પાલનપુર થી અંબાજી ફકત બસ માર્ગેજ જઇ શકાય છે તેનું અંતર 60 કિ.મી છે. બસ માર્ગ - અંબાજી થી અમદાવાદ બસ માર્ગ સતત ધબકતો રહે છે.
(વિડીયો અને ફોટોગ્રાફ - અમદાવાદના પત્રકાર ધર્મેન્દ્ર વ્યાસના સહકારથી)
|