મુખ પૃષ્ઠ  રમત  ક્રિકેટ  લેખ
 
આઠમો વર્લ્ડકપ
ભાવિનકુમાર નકુમ
એકવીસમી સદીના પહેલા અને કુલ મળીને આઠમા વિશ્વકપનું દક્ષિણ આફ્રિકા, કેન્યા અને ઝીમ્બાબ્વેના સંયુક્ત યજમાનપદે આયોજન કરવામાં આવ્યું.
કેનેડા, હોલેન્ડ, નામિબીયા અને સ્કોટલેન્ડ સહીત આ વિશ્વકપમાં પહેલીવાર 14 ટીમોએ ભાગ લીધો.

1999ના વિશ્વકપમાં સુપરસીક્સ રાઉન્ડમાં રહી ગયેલી ખામીઓનું પુનરાવર્તન ન થાય તે માટે સુપરસિક્સ રાઉન્ડની પોઈન્ટ સિસ્ટમને સુધારવામાં આવી. જો કે કેટલીક ટીમોના ઝીમ્બાબ્વે અને કેન્યામાં રમવાના વિરોધને લઈને વિશ્વકપ શરૂ થયા પહેલા જ તેના પર અનિશ્વિતતાના વાદળો છવાઈ ગયા હતા.

આખરે દક્ષિણ આફ્રિકા-વેસ્ટ ઈન્ડિઝની મેચ સાથે પહેલીવાર આફ્રિકા ખંડમાં યોજાઈ રહેલા વિશ્વકપની શરૂઆત થઈ. પેહલી જ મેચમાં ગૃહ ટીમ દક્ષિણ આફ્રિકાનો કેરેબીયન ટીમ સામે પરાજય, કેનેડાનો બાંગ્લાદેશ સામે વિજય, કેન્યાએ શ્રીલંકાને આપેલી હાર અને તેનો સેમિફાઈનલ પ્રવેશ જેવા મોટા અપસેટો આફ્રિકન સફારીમાં જોવા મળ્યા.

સેમિફાઈનલ મેચોમાં ભારતે કેન્યાને આસાનીથી પરાજય આપીને 20 વર્ષ પછી પહેલીવાર વિશ્વકપ ફાઈનલ પ્રવેશ કર્યો. ઓસ્ટ્રેલીયાએ બીજી સેમિફાઈનલમાં 1996ના વિશ્વકપ ફાઈનલના પરાજયનો બદલો વાળતા શ્રીલંકાને સરળતાથી રહેંસી નાંખીને સતત ત્રીજી વખત વિશ્વકપ ફાઈનલમાં પ્રવેશ કર્યો.

ક્રિકેટ સમીક્ષકોના મતે પહેલીવાર કોઈ વિશ્વકપની ફાઈનલ મેચમાં નબળા નિયમો કે નબળી પોઈન્ટ સિસ્ટમને આધારે નહીં પરંતુ પ્રદર્શનને આધારે સમગ્ર વિશ્વકપમાં સાતત્યભર્યો દેખાવ કરનાર ટીમો પ્રવેશી હતી.

સેમિફાઈનલ સુધીમાં સતત આઠ મેચો જીતનાર ટીમ ઈન્ડિયાએ લીગ મેચોમાં એક માત્ર ઓસ્ટ્રેલીયા સામે પરાજય મેળવ્યો હતો. જ્યારે સેમિફાઈનલ સુધી અજેય રહેનાર ઓસ્ટ્રેલીયાએ તેના વિજયની પરંપરા આગળ વધારવાની હતી.

જ્હોનીસબર્ગ ખાતે ફાઈનલમાં ભારતે ટોસ જીતીને ઓસ્ટ્રેલીયાને પહેલી બેટીંગમાં ઉતાર્યુ. જો કે ભારતનો આ નિર્ણય તેના માટે ઘાતક પૂરવાર થયો. ઓસ્ટ્રેલીયાએ ગીલક્રિસ્ટના 57, હેડનના 37, માર્ટીનના 88 અને કેપ્ટન પોંટીંન્ગના 140 રનની મદદથી 50 ઓવરમાં 2 વિકેટના ભોગે 359 રનનો તોતિંગ સ્કોર કર્યો. પોંટીંન્ગ અને માર્ટીને ત્રીજી વિકેટ માટે 234 રનની અણનમ ભાગીદારી નોંધાવીને ઓસ્ટ્રેલીયાના વિજયનો પાયો નાંખ્યો.

સ્ટાર બેટ્સમેનોની હાજરી છતાય ભારત માટે શરૂઆતથી આ સ્કોરને હાંસલ કરવો અશક્ય જણાઈ રહ્યું હતું. ભારતે તેની ઈનીંગના પાંચમા બોલે જ સચિનની વિકેટ ગુમાવી દિધી. 59 રન સુધી ભારત ત્રણ વિકેટ ગુમાવીને પરાજયના ઓછાયામાં આવી ગયું હતું.

વિરેન્દ્ર સહેવાગના 82 અને રાહુલ દ્વવિડના 47 રનને બાદ કરતા બધા જ બેટ્સમેનોએ સરળતાથી ઓસ્ટ્રેલીયન બોલરો સામે શરણાગતિ સ્વીકારી લેતા ઓસ્ટ્રેલીયાએ 125 રનના વિશાળ અંતરથી વિજય મેળવીને સતત બીજી વખત વિશ્વકપ જીત્યો.

સમગ્ર ટુર્નામેન્ટમાં કુલ 673 રન કરનાર સચિન અને ત્રણ સદી સાથે ટીમને છેક ફાઈનલ સુધી પહોંચાડનાર ગાંગુલી ફાઈનલમાં ભારતને વિજય ન અપાવી શક્યા.
ઘણું બધુ
સાતમો વર્લ્ડકપ
છઠ્ઠો વર્લ્ડકપ (વિલ્‍સ)
પાંચમો વર્લ્ડકપ
ચોથો વર્લ્ડકપ (રીલાયન્‍સ કપ)
ત્રીજો વર્લ્ડકપ
દ્વ‍િતીય વર્લ્ડકપ