કાનપુર. ભારતે દ.આફ્રિકાને ત્રીજી ટેસ્ટમાં 8 વિકેટે હરાવીને હિસાબ વાળી લીધો અને શ્રેણીમાં બરોબરી કરી હતી. અમદાવાદમાં ભારતીય બેટસમેનોનો સફાયો થયો હતો તો કાનપુરમાં દક્ષિણ આફ્રિકન બેટિંગ લાઇનઅપ હરભજન અને સેહવાગની ઘાતક સ્પિન સામે વેરવિખેર થઇ ગઇ હતી. સૌરવ ગાંગુલી મેન ઓફ ધ મેચ, હરભજનસિંહ મેન ઓફ ધ સીરીઝ જાહેર થયા હતા.
દ. આફ્રિકાનો બીજો દાવ માત્ર 121 રનમાં સમેટાઇ જતાં ભારતને વિજય માટે 62 રનનો આસાન લક્ષ્યાંક મળ્યો હતો જેને યજમાન ટીમે બે વિકેટના ભોગે 64 રન બનાવીને પ્રાપ્ત કરી લીધો હતો. ભારતે વિજય મેળવ્યો ત્યારે દ્રવિડ 18 રને તથા ગાંગુલી 13 રને રમી રહ્યા હતા.
પ્રથમ દાવમાં 87 રનની શાનદાર ઇનિંગ્સ રમનાર ગાંગુલીને "મેન ઓફ ધ મેચ" જાહેર કરવામાં આવ્યો હતો. શ્રેણીમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કરનાર હરભજનને "મેન ઓફ ધ સિરીઝ" જાહેર કરાયો હતો. અગાઉ દક્ષિણ આફ્રિકાના પ્રથમ દાવના રનના જવાબમાં ભારતે તેની પ્રથમ ઇનિંગ્સમાં 325 રન બનાવીને 60 રનની મહત્ત્વપૂર્ણ સરસાઇ મેળવી હતી.
ભારતના આ વિજયનો પૂરો યશ બોલર્સના ફાળે જાય છે જેમણે તૂટી રહેલી ગ્રીન પાર્કની પિચ પર દક્ષિણ આફ્રિકાના બીજા દાવને ચાર કલાક જેટલી રમતમાં 55.5 ઓવરમાં સમેટી નાખ્યો હતો.
એક સમયે દ.આફ્રિકા ટીમનો સ્કોર બે વિકેટે 65 હતો પરંતુ સેહવાગ અને હરભજને ટૂંકા ગાળામાં ઝડપેલી વિકેટોના કારણે તેણે વધુ 56 રનના ઉમેરામાં બાકીની આઠ વિકેટ ગુમાવી દીધી હતી. છેલ્લી છ વિકેટ ત્રીજા તબક્કામાં માત્ર 21 રનના ગાળામાં પડી હતી.
બન્ને ટીમ આ મુજબ હતી.. ભારત - મહેન્દ્રસિંહ ધોની(કેપ્ટન), વાસિમ જાફર, વિરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ, યુવરાજ સિંહ, હરભજન સિંહ, પિયુસ ચાવલા, એસ શ્રીસંથ, ઇશાંત શર્મા.
દક્ષિણ આફ્રિકા - ગ્રીમ સ્મિથ (કેપ્ટન), નીઇલ મેકકેંઝી, હાસિમ અમલા, જેકોસ કાલીસ, આસવેલ પ્રિંસ, એબી ડે વિલીયર્સ, માર્ક બોચર, મોર્ન મોર્કેલ, પોલ હરિસ, ડેલે સ્ટેઇન, મેખ્યા એનટીની.
|