આઇસીસી વર્લ્ડ ટ્વેન્ટી-20ની શરૂઆત આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ ક્રિકેટ ટીમો તૈયારીમાં લાગી ગઇ છે. વર્તમાન ચેમ્પિયન ભારત ઉપરાંત મોટાભાગની ટીમો ઇંગ્લેન્ડ પહોંચી ચૂકી છે. ઇંગ્લેન્ડની ટીમ ઘરઆંગણે ટ્વેન્ટી વિશ્વકપમાં સારો દેખાવ કરવા ઉત્સુક બની છે. અલબત્ત હજુસુધી ટ્વેન્ટી ક્રિકેટમાં ઇંગ્લેન્ડનો દેખાવ કોઇ નોંધપાત્ર રહ્યો નથી.
પ્રથમ ટ્વેન્ટી વિશ્વકપમાં પણ ઇંગ્લેન્ડની ટીમનો દેખાવ સામાન્ય રહ્યો હતો પરંતુ આ વખતે તે પરિસ્થિતિનો સંપૂર્ણ લાભ લેવા માટે તૈયાર છે. ઘરઆંગણે તેને ફાયદો થશે તેવો દાવો ઇંગ્લેન્ડના કોચ એન્ડી ફલાવરે કર્યો છે. ઇંગ્લેન્ડ પોતાની પ્રથમ મેચ નેધરલેન્ડ સામે લોડ્સ પર રમશે. ઇંગ્લેન્ડની મેચ સાથે જ ટ્વેન્ટી વિશ્વકપની શરૂઆત થશે. ઇંગ્લેન્ડની ટીમમાં પણ અનેક સ્ટાર ખેલાડીઓ રહેલા છે.
વર્ષ 2005માં પ્રથમ મેચમાં જ 100 રનથી ઓસ્ટ્રેલિયાને હાર આપ્યા બાદથી ઇંગ્લેન્ડે હજુસુધી કુલ 15 ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચો રમી છે જે પૈકી છ મેચોમાં તેની જીત થઇ છે અને 9 મેચોમાં હાર થઇ છે. માત્ર બે ખેલાડીઓ જ કેવિન પીટરસન અને કેપ્ટન પૌલ કોલિંગવુડ અનુભવી ખેલાડી છે. બાકીના તમામ ખેલાડીઓ ટ્વેન્ટી વિશ્વકપમાં અનુભવ વગર મેદાનમાં ઉતરી રહ્યા છે.
અલબત્ત ઇંગ્લેન્ડે તમામ કુશળ આક્રમક ખેલાડીઓની પસંદગી આ વખતે કરી છે. જેમાં રવિ બોપારા, સ્ટુઅર્ટ બ્રોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માસ્કેરહેન્સ, ઓઆઇસ શાહ, ગ્રેહામ નેપિયર જેવા ખેલાડી છે. જે ટ્વેન્ટી મેચમાં પાસા બદલી દેવાની ક્ષમતા ધરાવે છે.
ઇંગ્લેન્ડની ટીમ ઃ પૌલ કોલિંગવુડ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, રવિ બોપારા, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ ફોસ્ટર, રોબર્ટ કી, માસ્કરહેન્સ, મોર્ગન, ગ્રાહમ નેપિયર, કેવિન પીટરસન, અદીલ રશીદ, ઓઆઇસ શાહ, રેયાન સાઇડબોટમ, ગ્રેહામ સ્વાન, લુક રાઇટ.
|