દક્ષિણ આફ્રિકા ખાતે આગામી માસે યોજાનારી આઈસીસી ચેમ્પીયન્સ ટ્રોફી માટે આજે ટીમ ઈન્ડીયાની જાહેર કરેલી 30 સંભવિતોની યાદીમાં રાહુલ દ્રવિડનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બીસીસીઆઈના રાષ્ટ્રીય પસંદગીકારોની સોમવારે મળેલી બેઠકમાં શોર્ટ પીચ બોલ સામે ભારતીય બેટ્સમેનોની 20-20 વિશ્વકપ મેચોમાં છતી થયેલી અણઆવડત અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.
સુરેશ રૈના, રોહિત શર્મા, ગૌતમ ગંભીર અને યુસુફ પઠાણ 20-20 વિશ્વકપમાં બાઉન્સર બોલનો સામનો કરવામાં મુશ્કેલી અનુભવતા હતા. જેને લઈને આઈપીએલ-2ની રનર્સઅપ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વતી શાનદાર પ્રદર્શન કરનાર દ્રવિડનો સમાવેશ સંભવિતોમાં કરવામાં આવ્યો છે.
દ્રવિડ ઉપરાંત નવોદિત અજીન્કયા રહાને, ભુવનેશ્વર કુમારસિંઘ અને વિધ્ધમાન સહાને પણ સંભવિતોમાં સામેલ કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દ્રવિડ તેની છેલ્લી વન-ડે ઓકટોબર 2007માં નાગપુર ખાતે ઓસ્ટ્રેલીયા વિરુદ્ધ રમ્યો હતો. તેણે 39.49ની એવરેજ અને 71.22ની સ્ટ્રાઈક રેટથી 10000થી વધુ રન બનાવ્યા છે.
10000 રન બનાવનાર ભારતનો તે ત્રીજો ખેલાડી છે. આઈપીએલ-ની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પહોંચાડવામાં દ્રવિડની ચાવીરૂપ ભૂમિકા હતી. તેણે 115.85ની સ્ટ્રાઈકરેટથી 271 રન સ્પર્ધામાં બનાવ્યાં હતા.
|