તાજેતરમાં આઇસીસીએ વર્લ્ડ ટોપ ટેન બેટ્સમેનની યાદી પ્રસિદ્ધ કરી છે, જેમાં ભારતના ધુરંધર ડાબોડી ફટકાબાજ યુવરાજ વેસ્ટઇન્ડિઝ શ્રેણી બાદ પોતાની કારકિર્દીના સર્વોચ્ચ એટલે કે બીજા સ્થાને બીરાજમાન થયા છે. યુવરાજસિંહ ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોની બાદ બીજા સ્થાન પર છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે રેન્કિંગના પહેલા તેમજ બીજા સ્થાનની ખુરશી પર ભારતીય ખેલાડીઓ બીરાજમાન છે.હાલમાં જ સમાપ્ત થયેલ વેસ્ટઈંડિઝ સાથેની ચાર મેચોની વન ડે શ્રેણીમાં 2-1થી વિજય મેળવ્યા બાદ પણ ભારતીય ક્રિકેટ ટીમ શ્રેષ્ઠ દસ વન ડે ક્રિકેટ ટીમમાં બીજુ સ્થાન ન મેળવી શકી અને યથાવત ત્રીજા સ્થાને જ બની રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટીમને આ લિસ્ટમાં બીજા સ્થાને પહોંચવા માટે વેસ્ટ ઇન્ડિઝ સામેની વન ડે શ્રેણીની તમામ મેચો ભારતે જીતવી અનિવાર્ય હતી. જોકે ભારતે ચાર માંથી 2 માં જીત મેળવી તેમજ 1માં હાર અને એક મેચ વરસાદના કારણે રદ થઈ હતી. યુવરાજે આ શ્રેણીમાં અનુક્રમે 131, 35 અને 2 રન ફટકાર્યા હતા. જોકે વરસાદને કારણે સેન્ટ લ્યુસિયા ખાતેની મેચ પડતી મુકવામાં આવી હતી. |