ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે તા. છઠ્ઠીથી નાગપુરમાં શરૂ થતી બે ટેસ્ટની શ્રેણીમાં અમ્પાયરીંગ પ્રયોગ 'રેફરલ સિસ્ટમ' નો ઉપયોગ કરવામાં આવશે નહીં. બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, જે શ્રેણીમાં રેફરલ સિસ્ટમનો ઉપયોગ થયો છે તેમાં વિવાદ થયો છે તેથી તેના પર વિશ્વવ્યાપી વિવાદ ચાલી રહ્યો છે.
રેફરલ પ્રણાલીના નિયમમાં બેટીંગ કે બોલિંગ કરતી ટીમ અમ્પાયરના નિર્ણયને પડકારી શકે છે. આ પછી થર્ડ અમ્પાયર દ્વારા ટીવી રિપ્લેથી આખરી નિર્ણય લેવામાં આવે છે. બન્ને ટીમને હવે ત્રણ ત્રણ વખત આવી તક મળે છે.
ભારત-શ્રીલંકામાં તાજેતરમાં રમાયેલ ટેસ્ટ શ્રેણીમાં પણ રેફરલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. જો કે, આ શ્રેણીની સમાપ્તિ બાદ લંકન સુકાની સંગાકારાએ તેની ટીમની હાર માટે આ સિસ્ટમ લાગુ ન કરાઈ તે પ્રમુખ કારણ જણાવ્યું હતું.
બીજી તરફ આઈસીસી રેફરલ પ્રણાલીની તરફેણ કરી રહ્યું છે. હજુ સુધી આઈસીસીએ આ નિયમ ફરજિયાત નથી બનાવ્યો. બન્ને ટીમની સમજૂતિથી આ નિયમ શ્રેણી પહેલા નક્કી કરવામાં આવે છે.