શુ ભારત મેલર્બન ટેસ્ટ જીતીને 64 વર્ષનો ઈતિહાસ બદલશે ?
શનિ, 31 ડિસેમ્બર 2011( 11:00 IST )
P.R
સોમવારથી મેલર્બન ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થનાર ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં દુનિયાનાં તમામ ક્રિકેટનાં રસિયાઓની મીત મંડાયેલી છે. ભારત-ઓસ્ટ્રેલિયાનો આ પ્રવાસ અનેક દ્રષ્ટીએ યાદગાર અને મહત્વનો બની રહેશે.
કેમકે ભારતનાં ત્રણ મહાન ખેલાડી સચિન, લક્ષ્મણ અને દ્રવિડ માટે કદાચ આ છેલ્લો ઓસ્ટ્રેલિયા પ્રવાસ હશે. ભારતીય ટીમ હવે પછીનો આગામી ઓસ્ટ્રલિયા પ્રવાસ ત્રણ વર્ષ બાદ કરશે ત્યારે કદાચ આ ત્રણેય ખેલાડી નિવૃતી લઈ ચૂક્યા હશે.
તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી લોકો સચિનની 100મી સદીની રાહ જોઈ રહ્યા છે જેથી સચિન પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સદી નોંધાવી આ શ્રેણીને યાદગાર બનાવવાનો પ્રયાસ કરશે. સચિને ઓસ્ટ્રેલિયાની ધરતી પર 16 ટેસ્ટમાં 1522 રન નોંધાવ્યા છે જેમાં 6 સદી અને 5 અર્ધસદીનો સમાવેશ થાય છે.
ભાગ્યનાં ધણી કેપ્ટન ધોનીની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયા ટુરમાં ભારતીય ટીમ પાસે કંગારુઓની ધરતી પર 64 વર્ષનો ઈતિહાસ બદલવાની સાથે કંગારુ ટીમ સામે વિજય હેટ્રીક બનાવાવવની સુવર્ણ તક છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1947-48માં ક્રિકેટ સબંધની શરૂઆત થઈ હતી.
ઘર આંગણે રમાયેલી 5 ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતે 4-0થી જીત મેળવી હતી. જો કે અત્યાર સુધીમાં ભારત ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક પણ ટેસ્ટ સિરીઝ જીત્યુ નથી. કેપ્ટન ધોનીની આગેવાની હેઠળ ભારતે ઘર આંગણે ઓસ્ટ્રેલિયાને 2008-09માં 2-0થી અને 2010-11માં 2-0થી હરાવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, જો ભારત ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ જીતશે તો 64 વર્ષમાં કંગારુઓની ધરતી પર ભારત પહેલી વખત ટેસ્ટ શ્રેણી જીતશે. તેમજ સિરીઝ જીતીને ભારત ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ વિજયની હેટ્રિક પણ નોંધાવશે.