અંતિમ ટેસ્ટમાં પોંટિંગ કલાર્કની સદી, ભારતીય બોલરો નિષ્ફળ
મંગળ, 24 જાન્યુઆરી 2012( 12:02 IST )
P.R
અંતિમ ટેસ્ટ જીતીને ઇજ્જત બચાવવા અને વ્હાઇટવોશથી બચવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે સહેવાગની આગેવાનીમાં પોઝિટીવ રમત બતાવી હતી. અને કુશળતાભર્યા બોલિંગ ચેન્જને લીધે લંચ સુધીમાં ભારતે ઓસીની ત્રણ વિકેટ ખેરવવામાં સફળતા મેળવી હતી. પણ લંચ બાદ પોન્ટિંગ અને ક્લાર્કે બાજી સંભાળતાં ઓસ્ટ્રેલિયાએ ટી બ્રેક બાદ ત્રણ વિકેટ ગુમાવી 274 રન બનાવી લીધા છે. જ્યારે પોન્ટિંગે અને ક્લાર્કે સદી ફટકારી છે.
મેચની પ્રથમ ઓવર ઝાહિર અને બીજી ઓવર ઉમેશ યાદવને આપ્યા બાદ ચોથી જ ઓવરમાં સહેવાગે અખતરા શરૂ કરતાં ઓફ સ્પીનર અશ્વિનને બોલિંગ સોંપી હતી. ઝાહિર સામે સંભાળીને રમતા ઓસી બેટસમેન ઉમેશ યાદવ સામે છૂટથી રમી રહ્યા હતા.
જો કે મેચની સાતમી ઓવરમાં ઝાહિર ત્રાટક્યો હતો. અને ખતરનાક ડેવિડ વોર્નરને આઠ રનના અંગત સ્કોરે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. આ સમયે ઓસીનો સ્કોર ર૬ રન હતો. વોર્નરના સ્થાને શોન માર્શ ક્રીઝ પર આવ્યો હતો.
આ બંને બેટસમેન ભાગીદારી નોંધાવે એ પહેલાં જ અશ્વિન ત્રાટક્યો હતો. અને આઉટ ઓફ ફોર્મ શોન માર્શને ૩ રનના અંગત સ્કોરે ક્લીન બોલ્ડ કર્યો હતો. આ સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૩૧ રન હતો. માર્શની વિકેટ પડ્યા બાદ રીકી પોન્ટિંગ મેદાનમાં ઉતર્યો હતો. અને કોવાન સાથે મળીને તેણે ઇનિંગ સંભાળી હતી. બંને બેટસમેને દબાણમાં આવ્યા વિના પોઝિટીવ રમત બતાવી ભારતીય બોલરોને કોઇ મચક આપી નહોતી. જો કે આ બંને બેટસમેન વધુ જોખમી બને એ પહેલાં સહેવાગે અશ્વિનને બોલિગ સોંપતાં અશ્વિને કોવાનનો શિકાર કરી ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. આ સમયે તે ૩૦ રનના અંગત સ્કોરે રમી રહ્યો હતો.
કોવાનના આઉટ થયા બાદ સુકાની માઇકલ ક્લાર્ક બેટિંગમાં ઉતર્યો હતો. અને ટી બ્રેક સુધીની રમતમાં ઓસીએ ત્રણ વિકેટના ભોગે ર૭૪ રન બનાવ્યા છે. હાલ પોન્ટીંગ અને ક્લાર્કે સદી ફટકારી છે.
બેટસમેનોને યારી આપતી આ પીચ માટે બંને ટીમોએ પોતાની ફાઇનલ ઇલેવનમાં ફેરફાર કર્યા હતા. જેમાં ઓસ્ટ્રેલિયાએ ઝડપી બોલર માઇકલ સ્ટાર્કને પડતો મૂકી ઓફ સ્પીનર નાથન લાયોનનો સમાવેશ કર્યો હતો. જ્યારે ભારતે પણ ઝડપી બોલર વિનય કુમારને પડતો મૂકીને સ્પીનર આર.અશ્વિનનો સમાવેશ કર્યો હતો