બેંગ્લોર. ગ્લેમરસ ટૂર્નામેંટની પ્રથમ મેચ કોલકાત્તા નાઈટ રાઈડર્સ અને બેંગ્લોર રોયલ ચેલેંજર્સ વચ્ચે ગઇકાલ સાંજે 8 કલાકે યોજાઇ હતી, જેમાં શાહરૂખ ખાનની અને ગાંગુલીના નેતૃત્વ હેઠળની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે અહીંના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીસીસીઆઇની ઇન્ડિયન પ્રીમિયર લીગની(આઇપીએલ)ની પ્રારંભિક મેચમાં દ્રવિડના નેતૃત્વ હેઠળની બેંગલોર રોયલ ચેલેન્જર્સ ટીમને 140 રનથી હરાવીને ટૂર્નામેંટનો રંગીન પ્રારંભ કર્યો હતો.
શાહરુખ ખાનની કોલકત્તા નાઈટ રાઈડર્સ અને વિજય માલિયાની બેંગ્લોર રોયલ ચેલેંજર્સ 44 દિવસની ટ્વેન્ટી-20 ટૂર્નામેંટની શરુઆત કરી હતી. આ આપીએલનું ઉદ્દઘાટન સાંજે 6.30 કલાકે થયું અને મેચ 8 કલાકે મેચ શરૂ થઇ હતી. અનેક ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની સાથે સાથે ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓ પણ આ ટૂર્નામેંટમાં ભાગ લીધો હતો.
ન્યુઝીલેન્ડના ખેલાડી બ્રેન્ડન મેક્કુલમને છેકસુધી અણનમ રહીને છગ્ગા અને ચોગ્ગાની રમઝટ બોલાવીને 73 બોલમાં 158 રન ફટકાર્યા હતાં. આ પ્રથમ મેચમાં કેપ્ટન દ્રવિડે ટોસ જીતીને ફિલ્ડંગ લેતાં કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે ત્રણ વિકેટમાં 222 રન બનાવ્યા હતાં. તેના જવાબમાં બેંગલોર રોયલ ચેલેન્જર્સની ટીમ 15.1 ઓવરમાં માત્ર 82 રનના સ્કોરે પેવેલિયન ભેગી થઇ ગઇ હતી.
આઇપીએલની પ્રથમ મેચમાં સદી નોંધાવનાર મેક્કુલમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મેક્કુલમે 73 બોલમાં તોફાની બેટિંગ કરીને 13 છગ્ગા તથા 10 ચોગ્ગા વડે અણનમ 158 રન નોંધાવીને કોલકાતા ટીમને જંગી સ્કોરે પહોંચાડી દીધી હતી.
બેંગલોરની ટીમ તરફથી પંકજકુમારે સર્વાધિક અણનમ 18 રન નોંધાવ્યા હતા. કોલકાતા ટીમ તરફથી અગરકરે 25 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ અગાઉ તોફાની બેટિંગ કરનાર મેક્કુલમે ગાંગુલી સાથે પ્રથમ વિકેટે 61 રનની ભાગીદારી નોંધાવીને કોલકાતા ટીમ માટે સંગીન સ્કોરનો પાયો નાખ્યો હતો. ત્યારબાદ તેણે પોન્ટિંગ સાથે બીજી વિકેટે 51 રનની ભાગીદારી નોંધાવી હતી.
મેક્કુલમની તોફાની બેટિંગના મુખ્યત્વે કાલિસ અને નોફકે ભોગ બન્યા હતા. કોલકાતા ટીમના માલિક શાહરૂખ ખાન અને તેની પત્નીએ પૂરી મેચ દરમિયાન હાજરી આપીને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડયું હતું. મેક્કુલમે માત્ર 32 બોલમાં અડધી સદી પૂરી કરતાં શાહરૂખ ખાન ખુશીથી ઝૂમી ઉઠયો હતો. મેક્કુલમે પોતાની તોફાની ઇનિંગ્સ દ્વારા પ્રથમ કક્ષાની ટ્વેન્ટી20નો અંગત સર્વાધિક સ્કોરનો વિક્રમ પોતાના નામે કરી લીધો હતો.
આ પહેલાં જ શાહરુખ ખાન, પ્રિટી ઝીન્ટા, રિતીક રોશન અને અક્ષય કુમાર જેવી હસ્તીઓ પણ આઈપીએલમાં શામેલ થવાના કારણે તમે જાણી જ ગયા હશો કે આઈપીએલમાં ગ્લેમર કંઈ ઓછું નહીં હોય.
વિજય માલિયાની બેંગ્લોર ટીમ રોયલ ચેલેન્જર્સના ચીફ એક્ઝીક્યુટીવ ચારુ શર્મા અનુસાર દર્શકોને આકર્ષવા માટે 45 મીનિટની ઓપનિંગ સેરેમની પછી તરત જ સ્ટેડિયમની લાઈટ બંધ કરવામાં આવી અને આ અંધારા વચ્ચે પ્રતિસ્પર્ધી ટીમોના સુકાનીઓ પર સ્ટોટ લાઈટ રહી હતી.
|