જયપુર. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન શેન વોર્ને એમની ટીમના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને દિનેશ સાલુંખેના વખાણ કરતા જણાવ્યું કે, તેઓ ભાવી સુપરસ્ટાર છે. આઈપીએલની શેન વોર્નની આગેવાની વાળી રાજસ્થાન રોયલ્સ ટીમે સોમવારે જયપુર ખાતે પંજાબ કિંગ્સને પરાજય આપ્યો હતો.
આઇપીએલ ટ્વેંટી-20 ટૂર્નામેંટમાં કિંગ્સ ઇલેવન પંજાબને જયપુરમાં હરાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર બોલર અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન શેન વોર્ને જણાવ્યું હતું કે, " સાચુ માનો, જે રીતની પ્રતિભા રવિન્દ્ર જાડેજા અને દિનેશ સાલુંખેએ જયપુર મેચમાં દેખાડી છે, તે જોઇને હું કહી શકું કે તેઓ નજીકના ભવિષ્યના સ્ટાર ખેલાડીઓ બનશે"
રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન શેન વોર્ને તેની ટીમના પ્રદર્શનથી ખુશ થતા કહ્યું હતુ કે, અમારી ટીમ મોટા સ્ટાર ક્રિકેટરો વગર જીતી છે. પંજાબ કિંગ્સને પરાજય આપ્યા બાદ વોર્ને કહ્યું હતુ કે, અમારી ટીમ યુવાઓથી ભરેલી છે અને દિલ્લીમાં પરાજીત થયા પછી નિરાશ થયા હતા. અમે સાબિત કરવા માંગીએ છીએ કે, અમે કોઈ પણ ટીમને પછાડી શકીએ છીએ. મને ખુશી છે કે અમે સારૂ રમ્યા અને મજબૂત ટીમને હાર આપી.
આ મેજીકલ સ્પિનરે જણાવ્યુ હતુ કે ગ્રેમ સ્મિથ અને મોર્કેલ જલ્દીથી ટીમ સાથે જોડાશે અને દિમિત્રી માર્કાહાન્સ પછીથી ટીમમાં જોડાશે. ગ્રેમ સ્મિથ વિશ્વ કક્ષાનો બેટ્સમેન છે અને તેને ટોપ ઓર્ડરમાં રમવાનો અનુભવ છે. અમે તેનો સારો એવો લાભ લઈશુ. જો કે તેમના વગર મેચ જીતવાથી હું ખુબ જ ખુશ છુ અને આ બાબત અમને આગળ કામ લાગશે.
આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃતિ લેનાર વોર્ને કહ્યું હતુ કે મુનાફે પહેલી ઓવર સારી નાખી હતી. રવિન્દ્ર જાડેજા જેવા યુવા ખેલાડીઓએ સારૂ રમ્યા હતા અને હું તેમના પ્રયત્નોથી ખુશ છું.
|