હૈદરાબાદ. આજે આઇપીએલની 18 અને 19મી મેચ અનુક્રમે હૈદરાબાદ અને જયપુર ખાતે રમાશે. જેમાં ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ પ્રિતિ ઝિંટાની કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટકરાશે અને જયપુર ખાતે શાહરૂખ ખાનની નાઇટ રાઇડર્સ કોલકાત્તા સામે રાજસ્થાન રોયલ્સ મેચ રમશે. વિજયની હેટ્રીક મેળવ્યા બાદ શેન વોર્નની રાજસ્થાન રોયલ ટીમ કોલકાત્તા નાઇટ રાઇડર્સ સામે રમાનારા મુકાબલામાં પોતાની વિજયકૂચને જાળવી રાખવા માટે કટિબદ્ધ છે.
જ્યારે નાઇટ રાઇડર્સ સતત બે પરાજયના કારણે હતાશામાં છે પરંતુ તે વળતો પ્રહાર કરીને ફરીથી વિજય મેળવવાનો સિલસિલો જાળવી રાખે તેવી સંભાવના છે.
વોર્ને પોતાના અનુભવના આધારે પોતાની ટીમને હોટ ફેવરિટ ટીમની યાદીમાં લાવીને મૂકી દીધી છે. પ્રવાસી કોલકાત્તાની ટીમે સ્થાનિક પરિસ્થિતિથી અનુકૂળ થવાનો ઓછો સમય મળ્યો હોવાના કારણે આજે દિવસ દરમિયાન રમાનારી મેચમાં તેના માટે સમસ્યા ઊભી થઇ શકે છે.
કોલકાત્તા ટીમને તેના બે સ્ટાર ખેલાડીઓ ન્યૂઝીલેન્ડના મેક્કુલમ અને ઓસ્ટ્રેલિયાના સુકાની રિકી પોન્ટિંગના જવાથી મોટો ફટકો પડયો છે. બંને પોતાના દેશ તરફથી શ્રેણી રમવા માટે વતન પરત ફર્યા છે. કોલકાત્તાના સુકાની સૌરવ ગાંગુલીનું ફોર્મ પણ ચિંતાજનક છે અને તે આ ટૂર્નામેંટમાં પોતાનો પ્રભાવ છોડવામાં નિષ્ફળ રહ્યો છે. વેસ્ટ ઇંડિઝનો ક્રિસ ગેઇલ પણ આંગળીમાં થયેલા ફ્રેકચરના કારણે રમી શકે તેમ નથી.
|