મુંબઇ. આઇપીએલમાં પોઇંટ્સ ટેબલમાં સૌથી આગળ સેહવાગની સુકાનીવાળી દિલ્હી ડેરડેવિલ્સની ટીમ આજે મુંબઇ ખાતે મુંબઇ ઇંડિયંસ સામે ટકરાશે. આ મેચમાં મુંબઇ ઇંડિયંસના ભાવિનો સઘળો મદાર ઇજાગ્રસ્ત સુકાની સચિન તેંડુલકરની ફિટનેસ ઉપર છે. સચિને ટૂર્નામેંટમાં મુંબઇ ઇંડિયંસની અત્યાર સુધી રમેલી પાંચેય મેચ ગુમાવી છે.
શુક્રવારે તે પોતાની ટીમના ખેલાડીઓ સાથે ટ્વેંટી-20 પ્રેક્ટિસ મેચમાં રમ્યો હતો, પરંતુ તેના જણાવ્યાનુસાર, તે હજુ સુધી 100 ટકા ફિટ નથી. અહીંના ડી. વાય. પાટિલ સ્ટેડિયમ ખાતે રમાનારી દિલ્હી ડેરડેવિલ્સ સામેની મેચમાં રમવું કે નહીં, તે અંગે અંતિમ નિર્ણય સચિન આજે બપોરે જ કરશે.
હરભજન સામે પ્રતિબંધને પગલે મુંબઇ ઇંડિયંસની બોલિંગ ચોક્કસપણે નબળી પડી છે, પરંતુ તેની પાસે આશિષ નેહરા, શોન પોલોક જેવા બોલર છે. બેટિંગમાં સચિનની ગેરહાજરીમાં પણ જયસૂર્યા અને ઉથપ્પા જેવા સ્ટાર ખેલાડીઓ છે. બીજી તરફ, વીરેન્દ્ર સેહવાગના નેતૃત્વ હેઠળની દિલ્હી ડેરડેવિલ્સની ટીમ શાનદાર ફોર્મમાં હોઇ મુંબઇ ઇંડિયંસ માટે ચઢાણ કપરાં રહેશે. હવે જોવાનું છે કે શોન પોલોકના સુકાનીવાળી મુંબઇ ઇંડિયંસ દિલ્હીની સામે કેવી રણનિતી બનાવીને રમે છે..
|