નવી દિલ્હી. નવી દિલ્હી ખાતે ગઇકાલે દિલ્હી ડેરડેવિલ્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં છેલ્લી ઓવરમાં ચેન્નઇ સુપર કિંગ્સને 15 રન બનાવવાના હતા ત્યારે છેલ્લી ઓવર દિલ્હીના શોએબ મલિકના હાથોમાં હતી પરંતુ પહેલા જ બોલમાં છગ્ગો લાગતા દિલ્હીની આશા પર પાણી ફરી વળ્યું હતું અને આ રોમાંચક મેચમાં ચેન્નઇનો છેલ્લા બોલે વિજય થયો હતો.
ચેન્નઇ સુપર કિંગ્સના ઓપનર સ્ટિફન ફ્લેમિંગ અને વિધુત તથા સુકાની મહેન્દ્રસિંહ ધોનીની મજબૂત બેટિંગ બાદ પૂંછડિયા ખેલાડીઓએ રંગ રાખતા ચેન્નઇ સુપર કિંગ્સની ટીમે ગુરુવારે અહીં રમાયેલી આઇપીએલની ટ્વેંટી-20 ક્રિકેટ ટૂર્નામેંટમાં દિલ્હી સામે છેલ્લા બોલે રોમાંચક વિજય હાંસલ કર્યો હતો.
ચેન્નાઇએ ટોસ જીતીને દિલ્હીને પ્રથમ બેટિંગમાં ઉતાર્યા બાદ ગૌતમ ગંભીર અને શિખર ધવનની અડધી સદીની મદદથી દિલ્હીએ 20 ઓવરમાં પાંચ વિકેટે 187 રન નોંધાવ્યા હતા. ચેન્નાઇએ 20મી ઓવરના છેલ્લા બોલે છ વિકેટે 188 રન કરીને મેચ જીતી લીધી હતી. આમ 4 વિકેટે એમની શાનદાર જીત થઇ હતી.
મોર્કેલે 15 બોલમાં 30 રન ફટકારીને ટીમને વિજયની નજીક લાવી દીધી હતી. વિધુતે 40, ફ્લેમિંગે 44 તથા ધોનીએ 33 રન ફટકાર્યા હતા. ધોનીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. અગાઉ ગૌતમ ગંભીરે 80 તથા શિખર ધવને 59 રન ફટકારતાં દિલ્હીની ટીમે 187 રનનો સ્કોર રજૂ કર્યો હતો. વર્તમાન ટુર્નામેન્ટમાં દિલ્હીનો આ ત્રીજો પરાજય હતો.
|