જયપુર. આઇપીએલની 30મી ટ્વેંટી-20 ટૂર્નામેંટ રાજસ્થાન રોયલ્સ અને ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ વચ્ચે જયપુર ખાતે ગઇકાલે યોજાઇ હતી તેમાં રાજસ્થાન રોયલ્સના યુસુફ પઠાણ અને ગ્રીમ સ્મિથ વચ્ચે થયેલ 109 રનની ભાગીદારીની મદદથી ડેક્કન ચાર્જરનો આઠ વિકેટે પરાજય થયો હતો અને રાજસ્થાને પોતાનું ટોચનું સ્થાન પુન: પ્રાપ્ત કર્યું છે.
ડેક્કન ચાર્જર્સને મળી રહેલ પરાજયથી ટૂર્નામેંટમાં ટકવુ તેના માટે પડકારરૂપ બની ગયુ છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને ફીલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ડેક્કન ચાર્જર નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે 140 રન બનાવી શક્યુ હતુ. જેમાં ગીલક્રીસ્ટે 49 બોલમાં 61 રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી હતી. જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમે વિજય લક્ષ્યને 16મી ઓવરમાં મેળવી લીધુ હતુ.
રાજસ્થાનની ટીમ વતી સ્મીથે 43 બોલમાં 40 રન અને યુસુફ પઠાણે 37 બોલમાં 68 રનની ઈનિંગ્સ રમી હતી. મેન ઓફ ધ મેચનો એવોર્ડ યુસુફ પઠાણને આપવામાં આવ્યો હતો. આમ રાજસ્થાન રોયલ્સે પોતાનું પ્રથમ સ્થાન કાયમ કર્યું છે.
|