ટોચની વેઇટલિફટર શૈલેજા પૂજારી અને વિક્કી બત્તા બીજી વખત ડોપિંગમાં દોષિત માલૂમ પડતાં તેમના પર આજીવન પ્રતિબંધ લદાવાની પૂરી શક્યતા છે જેના કારણે આગામી વર્ષે દેશમાં યોજાનારી એશિયન ગેમ્સ માટેની ભારતની પૂર્વતૈયારીને મોટો ફટકો પડ્યો છે.
ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશન (આઇડબ્લ્યૂએફ)ના સેક્રેટરી બી. આર. ગુલાટીએ જણાવ્યું હતું કે મહિલા વેઇટલિફટર શૈલેજા (૭૫ કિલોગ્રામ વેઇટ ગ્રૂપ) અને પુરુષ વિભાગનો વિકી (૫૬ કિલોગ્રામ) પ્રતિબંધિત દવાનું સેવન કરવાના મામલે દોષિત સાબિત થયા છે.
શૈલેજા નેશનલ એન્ટિ-ડોપિંગ એજન્સી (એનએડીએ)નો ડોપ ટેસ્ટને પાસ કરવામાં નિષ્ફળ રહી હતી જ્યારે વર્લ્ડ એન્ટિ-ડોપિંગ એજન્સી (વાડા)ના ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હતો. થોડા દિવસો પૂર્વે નાડા તથા વાડાએ સંયુક્ત રીતે ખેલાડીઓનો ડોપ ટેસ્ટ લીધો હતો જેમાં શૈલેજા અને વિકી નિષ્ફળ રહ્યા હતા અને તેમના પર આજીવન પ્રતિબંધ લાદવામાં આવે તેવી પૂરી સંભાવના છે.