શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. ટીવી
  4. »
  5. ટીવી ગપસપ
Written By વેબ દુનિયા|

'સત્યમેવ જયતે' : આમિર ખાને પાંચમાં એપિસોડમાં ઉઠાવ્યો હોનર કિલિંગનો મુદ્દો

આમિરનો પાંચમો એપિસોડ 'પ્યાર કે નામ'

P.R

'સત્યમેવ જયતે'ના દરેક એપિસોડ સાથે આમિર ખાન વિવાદનો નવો મધપૂડો છંછેડે છે. આ શોના પાંચમાં એપિસોડમાં હોનર કિલિંગની વાત કરી હતી. જે દેશમાં પ્રેમકહાણીઓ પર દુનિયામાં સૌથી વધુ ફિલ્મો બને છે તે દેશમાં જ પ્રેમીઓની કદર નથી કરવામાં આવતી.

એપિસોડની શરૂઆતમાં એક એવા દંપત્તિનો કિસ્સો રજૂ કરાયો જે બન્ને અલગ અલગ ધર્મના હતાં. જ્યારથી તેમણે લગ્ન કર્યા છે ત્યારથી પોતાના પરિવારથી બચવા માટે ભાગતા ફરે છે. તેમની દાસ્તાન સાંભળીને શોમાં હાજર દર્શકોની આંખમાંથી પણ આંસુ આવી ગયા હતાં.

તેના પછી જે કિસ્સા રજૂ થયા તે તો આનાથી પણ વધુ દર્દનાક હતાં. એક માતાએ પોતાના મૃત દીકરાની વાત રજૂ કરી હતી, જેણે પોતાની બીજા ધર્મની પત્નીને મેળવવા માટે તેના સાસરિયાઓ સાથે લડાઈ લડતા જીવ ગુમાવ્યો હતો. તે પછી આમિર ખાને રજૂ કરી મનોજ અને બબલીની કરુણ પ્રેમકથા. તેમને એક જ ગૌત્રમાં લગ્ન કરવાને કારણે મારી નાંખવામાં આવ્યા હતાં. બબલીના પિતાએ મનોજના પરિવારને એફઆઈઆર દાખલ કરવા બદલ જીવથી મારી નાંખવાની ધમકીઓ આપી છે. તેમના સમાજના મુખ્યાઓએ મનોજના પરિવારનો બહિષ્કાર કર્યો છે. મનોજની બહેન અને માતા માત્ર પ્રેમલગ્ન કરવા બદલ પોતાનો જીવન ગુમાવનાર બે પ્રેમીઓ માટે ન્યાય મેળવવા માટે લડાઈ લડી રહી છે.

શોમાં ખાપ પંચાયતના સભ્યોને પણ બોલાવવામાં આવ્યા હતાં, જેઓ માને છે કે તેમના વડીલોએ જે કાયદા અને નિયમો બનાવ્યા છે તેને કોઈ પણ હિસાબે માનવા જ પડે. આમિરે તેમની વાત સાથે અસહેમત થઈને કહ્યુ હતું કે શું તેમના કાયદા ભારતના બંધારણે ઘડેલા કાયદા કરતા મોટા છે!?

ખાપ પંચાયતે તો મીડિયા પર પણ આક્ષેપ મૂક્યો હતો જેના કારણે એવી છાપ ઊભી થઈ છે કે ખાપ પંચાયત તેમના નિયમની વિરુદ્ધ જનારા પ્રેમીઓને મરાવી નાંખે છે કે અન્યાય કરે છે.

'સત્યમેવ જયતે'માં લોકોને 'લવ કમાન્ડોસ' નામની એક સંસ્થા વિશે પણ જણાવાયુ હતું જે આ રીતે પરેશાન પ્રેમીઓની મદદ કરે છે. આ સંસ્થા માને છે કે, "પ્રેમ કરવામાં પાપ નથી અને વિરોધી અમારો બાપ નથી."

શોના અંતે આમિર બાળકો અને માતા-પિતા બન્નેને એકબીજાની લાગણીઓ અને નિર્ણયને સમજવા માટે વિનંતી કરી હતી.