રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 જૂન 2020 (16:08 IST)

અમદાવાદમાં રથયાત્રામાં 3 રથ જ હશે પણ બંદોબસ્તમાં 20,000 પોલીસ ગોઠવાશે

કોરોના વકરવાની ભીતિ વચ્ચે આગામી તા. 23ના રોજ ભીડભાડ વગરની રથયાત્રા યોજાય તે દિશામાં સરકારી તંત્ર સક્રિય થઈ રહ્યું છે. જગન્નાથજી મંદિર તરફથી ત્રણ મુખ્ય રથ સાથે રૂટ પર પાંચ કલાકની રથયાત્રા યોજાશે તેમ જાહેર કરવામાં આવ્યું છે. શહેર પોલીસે રથયાત્રામાં ત્રણ રથ અને ખલાસભાઈઓ અને નિશ્ચિત આગેવાનો સહિત વધીને 120 લોકો રથયાત્રામાં જોડાશે તેમ છતાં બંદોબસ્તમાં કોઈ કચાશ નહીં રાખવા નિર્ણય કર્યો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, કોરોના સંક્રમણ ખાળવા માટે દર્શનાર્થીઓની ભીડ એકઠી ન થાય તેના પર પોલીસ સક્રિય બનશે. આ વર્ષે પણ શહેર પોલીસ, જુદા જુદા જિલ્લામાંથી પોલીસફોર્સ ઉપરાંત અર્ધલશ્કરી દળ અને એસઆરપીના જવાનો મળી 20000થી વધુનો બંદોબસ્ત ગોઠવવાની દિશામાં કવાયત શરૂ કરવામાં આવી છે. તા. 23 જૂને રથયાત્રા છે અને તા. 20મીથી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. જિલ્લામાંથી આવનાર પોલીસ અને અર્ધલશ્કરી દળો તા. 17ના રોજ શહેર પોલીસને મળી જાય તે પ્રકારનું આયોજન ગોઠવાઈ રહ્યાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ વર્ષે રથયાત્રામાં દર્શનાર્થીઅોની અવરજવર અટકાવવા ચુસ્ત નાકાબંધી કરવા ઉપરાંત લોકો ઘરબેઠાં દર્શન કરે તેવી સમજ આપવાની દિશામાં પોલીસ આગળ વધી રહી છે. કોરોના લોકડાઉન નાકાબંધીના કારણે બે મહિના સુધી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ની રજા પર પ્રતિબંધ હતો. અનલોક-1 શરૂ થતાં પોલીસની કામગીરી રૂટીન તરફ વળતાં બે મહિનાનો થાક ઉતારવા માટે તબક્કાવાર રજાઓ આપવામાં આવી રહી છે. પરંતુ, રથયાત્રા નજીક આવતાં જ પોલીસ કર્મચારી, અધિકારીઓની રજાઓ ફરી રદ કરાશે. પોલીસે કોરોનામાં બે મહિના પછી રથયાત્રામાં પખવાડિયા સુધી રજા વગર ડ્યૂટી કરવાનો વખત આવનાર છે. દર વર્ષે રથયાત્રા દરમિયાન ગુજરાતમાં CISF, RAF ઉપરાંત એસઆરપીની ટીમો ઉતારવામાં આવે છે. આ વર્ષે કોરોનાના કારણે ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ છે.રથયાત્રામાં લોકો એકઠાં નહીં થાય છતાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે અમદાવાદ સહિત રાજ્યમાં CISF, RAFની બટાલિયનો ફાળવાશે. કેન્દ્ર સરકાર પાસેથી અર્ધલશ્કરી દળોની કૂમક મેળવવા ગાંધીનગરથી કાર્યવાહી શરૂ કરાઈ છે. અમદાવાદની પરંપરાગત રથયાત્રાનું ડિજિટલ મેપિંગ કરવામાં આવ્યું છે તેનો ઉપયોગ પણ આ વર્ષે કરવામાં આવનાર છે. આ ઉપરાંત સીસીટીવી, ડ્રોન કેમેરાથી રૂટ પર સર્વેલન્સ કરવામાં આવશે. રથયાત્રાના રૂટ પર CCTV ઉપરાંત ધાબાની ચકાસણી પણ કરવામાં આવશે. રૂટ પર આવતાં સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં રથયાત્રા વિષયક કામગીરી શરૂ કરી દેવાઈ છે અને કામગીરીનો દૈનિક અહેવાલ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતો કરવામાં આવે છે.