શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

ચમત્કારો-અંધશ્રદ્ધામાંથી પ્રજાને બહાર લાવીએ તો અનેક જીન્દગીઓ બચી જાય

P.R
જો લોકો ધર્મનો સાચો અર્થ સમજતા થાય અને એમાંથી અંધશ્રદ્ધા કાઢી નાખે તો કોઈ વાંધો જ ન રહે ! રાજસ્થાનના સવાઈ માધોપુર જીલ્લાનાં ગંગાપુર ગામમાં બનેલી એક ઘટનાએ સમગ્ર દેશનું ધ્યાન ખેચ્યું છે. ત્યાં કંચનસિંહરાજપુતનું કુંટુંબ રહેતું હતું. કુંટુંબમાં નવ સભ્યો હતા. કંચનસીંહને આપણાં પૌરાણીક પાત્રો રામ અને શંકરમાં અપાર શ્રદ્ધા હતી. આમ તો આપણા દેશમાં મોટાભાગના લોકો શ્રદ્ધાળુ છે; પણ શ્રદ્ધા ક્યારેક અંધશ્રદ્ધામાં ફેરવાઈ જાય છે. તેઓ રાત દીવસ શંકર ભગવાનને મળવાનાં સ્વપ્નાં જોતા હતા. આ સ્વપ્નું ધીમે ધીમે દીવાસ્વપ્ન બની ગયું અને દીવસના પણ જાગૃત અવસ્થામાં કંચનસિંહ શંકર ભગવાનને જોતા થઈ ગયા. એમના કુંટુંબ સમક્ષ એ આખો દીવસ શંકર-પાર્વતીની જ વાતો કરતા.

એવામાં ટી.વી. ઉપર ‘મહાદેવ’ ટી.વી. શ્રેણી શરુ થઈ અને કંચનસિંહને ભાવતું મળી ગયું, એમનું આખું કુંટુંબ દરરોજ રાત્રે આ સીરીયલ જોવા માંડ્યા. સીરીયલમાં પાર્વતી શંકરને આજીજી કરે છે. શંકર પહેલાં તો પાર્વતીને ધુત્કારી કાઢે છે; પણ પાર્વતી સાચા દીલથી શંકર ભગવાનની આરાધના કરે છે અને તપ કરે છે. અંતે શંકર ભગવાન પ્રસન્ન થયા અને પાર્વતીને અપનાવી લીધી. બન્નેનાં લગ્ન થાય છે. કંચનસિંહનું કુટુંબ પણ અંધશ્રદ્ધાળુ, એનાં વૃદ્ધા બાથી માંડીને એની પત્ની તથા બાળકો એનો પડ્યો બોલ ઝીલે છે. એના બા કહે છે કે હું મરી જાઉં તો શંકર ભગવાનની સાથે તારા પિતાને પણ મળી શકું. એટલે આ નીર્વાણમાં મનેય સાથે રાખજે. પુત્રી પણ કહે છે કે મારે પણ પાર્વતીજીનાં દર્શન કરવાં છે; એટલે આપણે સામુહીક રીતે સ્વર્ગે સીધાવવાનું છે. કંચનસિંહ કહે છે કે મેં ત્રણ વખત આપઘાતની કોશીશ કરી, પણ તેમાં નિષ્ફળ ગયો. એક વખત તો શંકરના મંદિરમાં જઈને શીવલીંગ ઉપર મારા રક્તનો અભીષેક કર્યો; પણ તોય હું જીવતો રહ્યો. એકવાર મેં ઈન્જેક્શનમાં હવા ભેળવી લીધી, છતાં હું મર્યો નહીં. હવે નક્કી આપણે સૌએ સામુહીક પુરુષાર્થ કરવો જ પડશે. આમ તો દરરોજ સ્વપ્નામાં હું શંકર-પાર્વતીને જોતો જ હોઉં છું. હવે આપણે એમના પ્રત્યક્ષ દર્શન કરવા છે. કંચનસિંહ સ્વપ્નામાં શંકર ભગવાન સાથે થયેલી વાતચીતનું વર્ણન પણ કર્યું.

આ પછી કુટુંબે હવન શરુ કર્યો. એમાં ઘી, જવ, તલ ઉપરાન્ત જાતજાતની વસ્તુઓ હોમી દીધી. કંચનસિંહક્યાંકથી તાંત્રિક વિદ્યા શીખી આવેલા. એ પણ અજમાવી જોઈ; પણ એની પણ કોઈ અસર ન થઈ. અંતે એમણે તૈયાર કરાવેલા લાડુ લાવવાનું કહ્યું એમણે ખુલાસો કર્યો કે આ લાડુમાં સાઈનાઈડ ભેળવ્યું છે, એ ખાઈને જરુર આપણે મોક્ષ મેળવીશું. લાડુ પીરસાયા, બધાએ એ ખાધા અને એક પછી એક પાંચેય જણાં ઢળી પડ્યાં. ત્રણ જણાં બચી ગયાં. એમણે ત્રણેયને તાત્કાલીક હૉસ્પીટલમાં ખસેડ્યા. અત્યારે એ ત્રણેય જણા હૉસ્પીટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે. દરમ્યાન કંચનસિંહનો મનસુબો પામી ગયેલો એનો ભાઈ ઘરેથી ભાગી ગયો. કંચનસિંહ એને સ્ટેશને ગાડીમાં બેસાડીને પાછા આવી ગયા. આ સમગ્ર કીસ્સો ચોંકાવનારો છે. આ કીસ્સો ટી.વી. ઉપરની સીરીયલ જોઈને બન્યો. મતલબ કે ટી.વી. ૨૧મી સદીનું પ્રબળ અસરકારક માધ્યમ છે. તો પછી પ્રશ્ન એ છે કે અંધકાર યુગને યાદ કરાવે એવો આ કીસ્સો કેમ બન્યો ? પડોશીઓના કહેવા મુજબ કંચનસિંહ છેલ્લા કેટલાક સમયથી અલુફ એટલે કે એકલા પડી ગયેલા. સમાજ સાથેનો સંબંધ એમણે તોડી નાંખેલો. આખો દીવસ કુટુંબ સાથે જ ગાળતા. આ સમગ્ર ઘટના એટલા માટે બહાર આવી કે એમણે પોતે એક વીડીયો કૅમેરો મુકીને એનું રેકૉર્ડીંગ કરેલું. ઘટના પછી આ રેકૉર્ડીંગ પોલીસના હાથમાં આવ્યું અને પોલીસના હાથમાં એક ટી.વી. ચેનલ આવી ગયું. ટી.વી. ચેનલે આ રેકૉર્ડીંગ સતત બે કલાક બતાવ્યું અને પરીણામે દેશભરમાં એની ખબર પડી ગઈ. એ દીવસે તો બીજી કોઈ ચેનલ ઉપર એની નોંધ ન લેવાઈ; પણ બીજે દીવસે બધી ચેનલોએ એ સમાચારને ચમકાવ્યા. ચેનલે બે કલાક ચર્ચા ચલાવી એમાં ચાર સાધુસંતોને હાજર રાખેલા. ઉપરાંત જબલપુરના દેશમુખ નામના એક રૅશનાલીસ્ટ મીત્રનો પણ વારંવાર અભીપ્રાય લેતા. દેશમુખે સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે : ‘આવી ઘટનાઓ ધર્મને લીધે જ બને છે. આપણા દેશમાંથી ધર્મ નાબુદ થાય અને આપણે વૈજ્ઞાનીક અભીગમ અપનાવીએ તો આવું બને જ નહીં.’


P.R
સાધુઓનું કહેવું હતું કે : ‘આવી ઘટનાઓ ધર્મને લીધે નહીં; પણ ધર્મના ખોટા અર્થઘટનને કારણે બનતી હોય છે.’ એક સાધુએ તો ત્યાં સુધી કહ્યું કે : ‘આજના કેટલાક કથાકારો પોતાની કથાઓમાં ચમત્કારને જોડી દે છે.’ એક સાધુએ તો કથામાં ત્યાં સુધી કહેલું કે : ‘શંકર-પાર્વતીના વિવાહ વખતે હું ત્યાં હાજર હતો.’ દરેક વખતે રૅશનાલીસ્ટ મીત્રનું કહેવું હતું કે : ‘ધાર્મીક કથાઓ થાય છે એટલે જ એના સાચા કે ખોટા અર્થઘટનનો પ્રશ્ન ઉદ્દભવે ભવે છે. ટી.વી. ઉપર પણ આવી ધાર્મીક સીરીયલો બંધ કરવી જોઈએ અને કથાકારોને પણ ફરજ પાડવી જોઈએ કે ધાર્મીક કથાઓમાં વૈજ્ઞાનીક અભીગમ અપનાવો.’ મોરારીબાપુ છેલ્લે છેલ્લે આમ કરતા થયા છે એની પણ નોંધ લેવી ઘટે. પાછળથી પોલીસે જણાવ્યું હતું કે પરીવારના વડા કંચનસિંહને અંધશ્રદ્ધામાં ખુબ જ વિશ્વાસ ધરાવતા હતા. ગંગાપુરમાં નાગીયા કોલોની ખાતે એમનું મકાન છે. કંચનસિંહ અવારનવાર પોતાના ઘરમાં હવન કરાવતા હતા. એમને શીવજીમાં અતુટ શ્રદ્ધા હતી. મહાદેવ સીરીયલ જોઈને એમની શ્રદ્ધા મજબુત બની. એમણે બધાએ શીવજી પ્રગટ થાય એ માટે લોહીથી સ્નાન પણ કર્યું હતું અને ભગવાનને આહુતી આપી હતી. એમણે લોહીથી પાંચસો વાર અભીષેક કર્યો અને એકત્રીસસો તીલક કર્યાં; છતાં શીવજી પ્રગટ ન થયા એટલે ઝેર ગટગટાવ્યું. હવનમાં એમનાં પત્ની નીલમ, માતા ભગવતીદેવી, પુત્ર પ્રદ્યુમ્ન, દીપસીંહ અને દીપસિંહના પુત્ર લવસીંહનો ભોગ લેવાઈ ગયો. દીપસિંહ દીલ્હીથી હવનમાં ભાગ લેવા ખાસ આવેલા. તેઓ દીલ્હી એમ.એન.સી.માં નોકરી કરે છે. રશ્મી પોતે દિલ્હીમાં બી.એ.માં ભણે છે; પણ આવી અંધશ્રદ્ધામાં માનતી ન હોવાથી હવનના થોડા દિવસ પહેલાં જ દિલ્હી જતી રહી હતી એની સાથે એનો ભાઈ પ્રદીપ પણ દિલ્હી જતો રહ્યો.

છેલ્લાં ઘણાં વરસોથી આપણે ત્યાં ધાર્મીક કથાકારો પણ વધી ગયા છે. આ કથાકારો જાહેરમાં સરકારને પડકાર ફેંકે છે. અત્યારે મહારાષ્ટ્રમાં ભીષણ દુષ્કાળ પ્રવર્તે છે અને પાણીની કારમી તંગી વર્તાય છે. આમ છતાં આશારામ બાપુએ નાગપુરમાં હજારો લીટર પાણીથી હોળી ખેલી. જ્યારે મહારાષ્ટ્ર સરકારે આની સામે લાલ આંખ કરી ત્યારે આશારામ બાપુએ ગર્જના કરી કે હું ગમે ત્યારે અને ગમે ત્યાં ચમત્કાર કરીને ભારે વરસાદ વરસાવી શકું છું. આપણે એમને પુછી શકીએ કે જો આમ જ હોય તો તમે મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની કારમી તંગી છે ત્યાં વરસાદ કેમ વરસાવતા નથી ? ન્યુટન ઉપરાંત આઈનસ્ટાઈન જેવા વૈજ્ઞાનીકોએ કરેલા પુરુષાર્થને પરીણામે પશ્ચિમની પ્રજામાં વૈજ્ઞાનીક અભીગમ આવી ગયો છે. એની શરુઆત ગેલીલીયો, કોપરનીક્સ, સ્પીનોઝા જેવા વૈજ્ઞાનીકોએ કરેલી એમણે અનેક મહાન સત્યો શોધી કાઢ્યાં અને દર્શાવ્યું કે પૃથ્વી ચોરસ નહીં; પણ ગોળ છે. બીજુ સત્ય એ બહાર આવ્યું કે સુર્ય પૃથ્વીની આસપાસ નહીં; પણ પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે. આ નવાં સત્યો શોધવા બદલ આ વૈજ્ઞાનીકોને જેલમાં પુરવામાં આવ્યા. કોઈની આંખો ફોડી નાંખવામાં આવી, તો કોઈને જીવતાં બાળી નાંખવામાં આવ્યા; પણ યુરોપની પ્રજાની ખુબી જુઓ કે પોપ પોલે અનેક વખત એ વૈજ્ઞાનીકો ઉપર થયેલાં જુલમો બદલ પ્રજાની માફી માંગી છે.

ગ્રહો અને ઉપગ્રહોની તથા આકાશગંગાની શોધખોળ પણ ચાલુ જ છે. નેપચ્યુન અને પ્લુટો પછી બીજા અનેક ગ્રહો શોધાઈ ચુક્યા છે. આમ જ્યોતીષશાસ્ત્રનો પાયો જ ખળભળી ઉઠ્યો છે. છતાં આપણે બધાં કામ મુહુર્ત જોઈને જ કરીએ છીએ. મોટાભાગનાં લગ્નો પણ કુંડળી અને ગ્રહો મુજબ થાય છે. કોઈને સુઝતું નથી કે જો કુંડળી મુજબ લગ્નો થતાં હોય અને સાચી રીતે થતાં હોય તો દેશમાં એક પણ છુટાછેડાનો કીસ્સો બનવો જ ન જોઈએ; પણ આપણે ત્યાં આવા કીસ્સા બને છે. આપણે સમજવું જોઈએ કે સુર્ય, ચંદ્ર અને બીજા ગ્રહો અને ઉપગ્રહો ધુળ અને ખડકો સીવાય કાંઈ નથી. એમની ગતિ અને પરીભ્રમણ ગુરુત્વાકર્ષણના આધારે ચાલે છે. આપણા ભવિષ્ય ઉપર એની કોઈ અસર નથી. લગ્નના રીવાજ દેશે દેશે જુદા જુદા હોય છે. પશ્ચિમના દેશોમાં છુટાછેડાનું ચલણ સામાન્ય થઈ ગયું છે. ત્યારે આપણે ત્યાં એવું નથી. આમાં ગ્રહોનો પ્રશ્ન ક્યાં આવ્યો ? આપણે ગ્રહોને દૈવીક તત્ત્વ સાથે જોડી દઈએ છીએ. હજારો વર્ષ પહેલાં આ સાચું હતું; પણ આજના જમાનામાં નાગને દેવ માનીને એની પુજા કરીએ એ એક જાતનો વહેમ જ છે. બ્રહ્માંડમાં દીશા નથી કે સમય પણ નથી. આ બધું પૃથ્વી, ચંદ્ર અને સુર્યની ગતિ મુજબ નક્કી થાય છે. ભારતમાં દીવસ હોય છે ત્યારે અમેરીકામાં રાત હોય છે. સમય અને દીશા તો માણસે પોતાની અનુકુળતા માટે શોધી કાઢ્યાં છે.

જો લોકો ધર્મનો સાચો અર્થ સમજતા થાય અને એમાંથી અંધશ્રદ્ધા કાઢી નાખે તો કોઈ વાંધો જ ન રહે. પૌરાણીક કથાઓમાંથી પણ એનો મર્મ સમજીને ચમત્કારો કાઢી નાખવા જોઈએ. ચમત્કારો એ પ્રતીક છે. શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર હોય કે શ્રીરામનું બાણ હોય; આ બધાં એમની શક્તિનાં પ્રતીક હતાં. એને એ રીતે જ સમજવાં જોઈએ. ગુલઝારે મીરાંબાઈના જીવન ઉપરથી ‘મીરાં’ નામનું ચલચીત્ર બનાવ્યું ત્યારે સીફતથી મીરાંના જીવનના બધા ચમત્કારોને કાઢી નાખ્યા હતા. મોટાભાગની ગુજરાતી ફીલ્મો ચમત્કારોથી ભરેલી હોય છે. એને લીધે સૌરાષ્ટ્રનો સમાજ અંધશ્રદ્ધામાં વીશ્વાસ રાખતો થઈ ગયો છે. સૌરાષ્ટ્રની અઢળક લોકકથાઓમાં ચમત્કારોના અનેક પ્રસંગો પડેલા છે. એને રૅશનાલીઝમની ચાળણીમાંથી ચાળીને પથ્ય બનાવવી જોઈએ. અત્યારે આપણો મહાપ્રશ્ન વિજ્ઞાન અને ટેકનૉલૉજીની પ્રગતિનો છે. દેશના ૭૦ ટકા લોકો ગામડાંમાં વસે છે. ગામડાંની પ્રજામાં જાગૃતી લાવીએ તો અનેક જીંદગી બચી જાય.