1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. અમદાવાદ રથયાત્રા
  4. agannath Rath Yatra Netrotsav Vidhi

અમદાવાદ 149 મી રથયાત્રા - જગન્નાથ મંદિરમાં આજે નેત્રોત્સવ વિધિ, જાણો શુ હોય છે નેત્રોત્સવ વિધિ

Jagannath Rath Yatra
Jagannath Rath Yatra
અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીની નેત્રોત્સવ વિધિ સંપૂર્ણ ભક્તિભાવ અને વૈદિક પરંપરા અનુસાર યોજાશે. રથયાત્રાના એક દિવસ અગાઉ યોજાતી આ વિધિનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ભગવાન મામાના ઘરેથી (મોસાળ) પરત પોતાના નિજ મંદિરમાં પધાર્યા બાદ આ પાવન વિધિ હાથ ધરવામાં આવે છે, જેના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.

 શું હોય છે નેત્રોત્સવ વિધિ અને તેની માન્યતા?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન જ્યારે 15  દિવસ પોતાના મોસાળ (સરસપુર સ્થિત રણછોડજી મંદિર)માં રોકાય છે, ત્યારે ત્યાં તેમને ખૂબ લાડ લડાવવામાં આવે છે. મોસાળમાં કેરી, જાંબુ, માવા અને વિવિધ પ્રકારના મિષ્ટાનોનો ભારે પ્રસાદ આરોગવાના કારણે ભગવાનની આંખો આવી ગઈ હોવાનું પ્રતીક માનવામાં આવે છે. આથી, મંદિરમાં પ્રવેશ બાદ તેમની આંખો પર ભક્તિભાવપૂર્વક પાટા બાંધવામાં આવે છે, જેને નેત્રોત્સવ વિધિ કહેવાય છે.
 

 સોનાવેશના દર્શન અને મંગળા આરતીની તૈયારી

શાસ્ત્રોક્ત વિધિથી ગર્ભગૃહમાં ભગવાનની આંખે બાંધેલા આ પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે. ત્યાર બાદ ભગવાનની ભવ્ય મંગળા આરતી કરવામાં આવશે. લાંબા સમય પછી ભગવાન નિજ મંદિરે પરત ફર્યા હોવાથી શ્રદ્ધાળુઓ તેમના અલૌકિક 'સોનાવેશ'માં દર્શન કરવા માટે આતુર છે. આ સોનાવેશના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવશે.
 

ધ્વજારોહણ અને સાધુ-સંતો માટે ભંડારાનું આયોજન

નેત્રોત્સવ વિધિ પૂર્ણ થયા બાદ મંદિરમાં પરંપરાગત રીતે ધ્વજારોહણનો ભવ્ય કાર્યક્રમ યોજાશે, જે રથયાત્રા પૂર્વેનો અત્યંત મહત્વપૂર્ણ ધાર્મિક પ્રસંગ માનવામાં આવે છે. ધ્વજારોહણ પૂર્ણ થયા બાદ સાધુ-સંતો માટે એક વિશાળ ભંડારાનું (મહાપ્રસાદ) આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે દેશભરમાંથી આવેલા હજારો સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ એકસાથે ભોજન-પ્રસાદ ગ્રહણ કરશે.
 

149 મી રથયાત્રા માટે 31  હજાર પોલીસકર્મીઓ તૈનાત

આ વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149 મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, જેને લઈને સમગ્ર શહેરમાં વહીવટી અને સુરક્ષા લક્ષી તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સમગ્ર રૂટ પર 31 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને વરિષ્ઠ અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર રાખવા માટે આધુનિક ટેક્નોલોજી અને સીસીટીવી કેમેરાની મદદ લેવાશે.

ગૃહ રાજ્યમંત્રી દ્વારા રથયાત્રા રૂટનું નિરીક્ષણ

સુરક્ષા વ્યવસ્થાની જાતમાહિતી મેળવવા માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે દરિયાપુર સુધીના સમગ્ર રથયાત્રા રૂટનું જાતે નિરીક્ષણ કરશે. રૂટની સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કર્યા બાદ તેઓ જગન્નાથ મંદિરમાં આયોજિત ધ્વજારોહણ કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આ નિરીક્ષણ દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પણ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે રૂટ પર ઉપસ્થિત રહેશે.

 
આગળનો લેખ
સંતોષ દુબે કોણ છે? તે એ માણસ છે જેણે ચંપત રાયની મુશ્કેલીઓ વધારી, SIT ને 75 પાનાના પુરાવા રજૂ કર્યા