શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By વેબ દુનિયા|

ગુરૂવારે નીકળશે ભગવાન જગન્નાથજીની 135મી રથયાત્રા

P.R

અષાઢ સુદ બીજ, તા.21 જૂન, ગુરૂવારે અમદાવાદમાં આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિર-જમાલપુર દરવાજાથી ભવ્ય ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઇ બળદેવજી સાથે નગર પરિક્રમાએ નીકળશે. જેમાં ૧૮ શણગારેલા ગજરાજ, ૯૮ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, ૩૦ અખાડાઓ, ૧૮ ભજનમંડળીઓ, ૩ બેન્ડવાજાવાળાઓ પણ જોડાશે. જ્યારે ૧૨૦૦થી વધુ ખલાસી ભાઇઓ ભગવાનનાં રથ ખેંચશે. સતત 134 વર્ષથી નિયમિત રીતે નીકળતી આ રથયાત્રા જૂના અમદાવાદના પરંપરાગત માર્ગો ઉપર ફરશે, પરંતુ આ એક જ દિવસ એવો હોય છે જ્યારે આખું અમદાવાદ જૂના અમદાવાદમાં ઉમટી પડે છે અને સર્જાય છે એક અનોખો ભક્તિભર્યો માહોલ.

આ અંગે જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું કે પરંપરાગત 135મી રથયાત્રાનો પ્રારંભ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સતત 11મી વખત ‘પહિંદ વિધિ’ કરી, રથ ખેંચીને કરાવશે. પહિંદ વિધિ એટલે મુખ્યમંત્રી સોનાની સાવરણીથી ભગવાનના રથ જે માર્ગે જવાનો હોય એ માર્ગને વાળીને ચોખ્ખો કરે છે. આ વિધિ વહેલી પરોઢે કરવામાં આવે છે અને એ પછી મુખ્યમંત્રી મોદી રથને પ્રતીક સ્વરૂપે ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવશે.

અષાઢ સુદ બીજના દિવસે જગન્નાથજી મંદિર કાતે સવારે ૪ વાગ્યે મંગળા આરતી થશે અને ૪.૩૦ વાગ્યે ખીચડીનો ભોગ ધરાવવામાં આવશે. સવારે ૬ વાગ્યે રથ ઉપર ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૭ વાગ્યે જગન્નાથજી મંદિરથી રથયાત્રાનો શુભારંભ થશે. રથયાત્રાનાં દિવસે સવારે મંદિરમાં ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવાશે. જેમાં પરંપરા મુજબ ખીચડી, કોળા, ગવારફળીનું શાક અને દહીં હોય છે.

જ્યારે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીએ રથયાત્રાની પરંપરા મુજબ બધા જ શ્રદ્ધાળુઓ રથયાત્રામાં હર્ષોલ્લાસથી ભાગ લઇ સદ્ભાવના, ભાઇચારા અને શાંતપિૂર્ણ વાતાવરણમાં આ લોકોત્સવ ઉજવે તેવી અપીલ કરી જણાવ્યું કે રથયાત્રા સાચા અર્થમાં સાચા અર્થમાં એકતા અને ભાઇચારાનો સંદેશો આપે છે. લાખોની સંખ્યામાં ભાગ લઇ આ ઉત્સવને ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લે છે.ભગવાન જ્યારે ભકતોને દર્શન આપવા જાતે નગરયાત્રાએ નીકળે છે ત્યારે ભકતો શ્રદ્ધા ભિકત તથા શાંતિથી ભગવાનનાં દર્શન કરે.

રથયાત્રાનું મુખ્ય આકર્ષણમાં સવારની વિધિ બાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે સ્વાગત અને તેમાં મુસ્લિમ રાજકીય નેતાઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત, ત્યારબાદ સરસપુરમાં ભગવાનના મોસાળ ખાતેનો વિરામ અને ત્યાંનું ભોજનનો સમાવેશ થાય છે. રથયાત્રામાં ઠેરઠેર કોમી એખલાસના દૃશ્યો સર્જાતા હોવા છતાં જ્યારે રથયાત્રા પ્રેમ દરવાજાથી દરિયાપુરમાં આવે ત્યારે સમગ્ર અમદાવાદની પોલીસના ધબકારા પણ વધી જતાં હોય છે. રથયાત્રા દરમિયાન અનિષ્ટ તત્વો દ્વારા કોઈ કાંકરીચાળો ન થાય એ માટે દરિયાપુરથી શાહપુર દરવાજા થઈને આર.સી. હાઇસ્કૂલ તરફ રથયાત્રા આગળ ન નીકળે ત્યાં સુધી રથયાત્રાને લોખંડી બંદોબસ્ત ફાળવવામાં આવે છે. એક રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અમદાવાદની પોલીસ માટે પણ લીટમસ ટેસ્ટ સમાન બની રહે છે.

૨૦૦૦થી વધુ સંતો જોડાશે, ૨૦ હજાર કિલો મગનું વિતરણ થશે

અમદાવાદમાં નીકળતી પરંપરાગત રથયાત્રામાં ભાગ લેવા દેશભરમાંથી ૨૦૦૦ કરતાં પણ વધુ સાધુ-સંતો હરિદ્વાર, ઉજજૈન, વારાણસી, અયોધ્યા, નાશિક, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી પણ આવશે. સમગ્ર રથયાત્રા દરમિયાન ૨૦૦૦૦ કિલો મગ, ૪૦૦ કિલો જાંબુ, ૧૦૦ કિલો કેરી, ૧૦૦ કિલો કાકડી, દાડમ અને બે લાખ ઉપરણાનો પ્રસાદ ભકતોને આપવામાં આવશે.

૧35મી પરંપરાગત રથયાત્રાનો કાર્યક્રમ...

સવારે ૭ વાગ્યે નિજ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ
સવારે ૯ વાગ્યે મ્યુનિસપિલ કોર્પોરેશન
સવારે ૯.૪૫ વાગ્યે રાયપુર ચકલા
સવારે ૧૦.૩૦ વાગ્યે ખાડિયા ચાર રસ્તા
સવારે ૧૧.૧૫ વાગ્યે કાલુપુર સર્કલ
બપોરે ૧૨ વાગ્યે સરસપુર
બપોરે ૧.૩૦ વાગ્યે સરસપુરથી નિજ મંદિર તરફ પ્રસ્થાન
બપોરે ૨ વાગ્યે કાલુપુર સર્કલ
બપોરે ૨.૩૦ વાગ્યે પ્રેમદરવાજા
બપોરે ૩.૧૫ વાગ્યે દિલ્હી ચકલા
બપોરે ૩.૪૫ વાગ્યે શાહપુર દરવાજા
સાંજે ૪.૩૦ વાગ્યે આર.સી.હાઇસ્કૂલ
સાંજે ૫ વાગ્યે ઘી કાંટા
સાંજે ૫.૪૫ વાગ્યે પાનકોર નાકા
સાંજે ૬.૩૦ વાગ્યે માણેકચોક
સાંજે ૮.૩૦ વાગ્યે નિજ મંદિરે પરત