ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

આરામ કરું તો મારી ઉંમરનો અહેસાસ થાય છે: બચ્ચન

બચ્ચનને ફાફડા દાઢે વળગ્યાઃ કહ્યું, સારું થયું રીટેક થયા એટલે ફાફડા ખાવા મળ્યા

P.R
ગુજરાતના પ્રવાસે આવેલા સિનેજગતના મહાનાયક અમિતાભ બચ્ચને ગઈ કાલે અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ (IIM)ના સ્ટુડન્ટ્સ સમક્ષ આપેલા પ્રવચનમાં ‘ખુશ્બૂ ગુજરાત કી’ ઍડ ફિલ્મના શૂટિંગને લગતાં પોતાનાં સંસ્મરણો વાગોળતાં કહ્યું હતું કે ‘ચલો અચ્છા હૈ રીટેક હુઆ, મેરે કો બહોત ફાફડા ખાને કો મિલા.’

IIMમાં અમિતાભે સ્ટુડન્ટ્સ સાથે જે વાતો શૅર કરી એ વિશે ઑગિલ્વી ઍન્ડ મૅથર (O&M) પ્રાઇવેટ લિમિટેડના CEO પીયૂષ પાંડેએ કહ્યું હતું કે ‘અમિતાભે પોતાને ફાફડા બહુ ભાવે છે એવું સ્ટુડન્ટ્સને કહ્યું હતું અને એ વાત કરતી વખતે અમિતાભ બોલ્યા હતા કે ચલો અચ્છા હૈ રીટેક હુઆ, મેરે કો ફાફડા ખાને કો મિલા.’

અમદાવાદમાં ‘ખુશ્બૂ ગુજરાત કી’ ટાઇટલવાળી ઍડ ફિલ્મના ફાફડા ખાવાના સીનના શૂટિંગ વખતે છથી સાત રીટેક થયા હતા. બિગ બીએ એ સંબંધમાં સ્ટુડન્ટ્સને કહ્યું હતું કે ‘મારે આ સીનના શૂટિંગમાં ફાફડા ચાખવાના હતા. સીન શૂટ કર્યો ત્યારે ફાફડા મને ખૂબ ભાવ્યા હતા. આ સીન શૂટ કરતા રીટેક થયા એટલે મને ફરી વાર ફાફડા ખાવા મળ્યા એ મને ગમ્યું. સામાન્ય રીતે રીટેક થાય તો મને નથી ગમતું, પણ અહીં મને ગમ્યું હતું.’

બિગ બી IIMના હૉલમાં ખીલી ઊઠ્યા હતા અને સ્ટુડન્ટ્સ સહિત સૌ કોઈની ડિમાન્ડ થતાં તેમના પિતા હરિવંશરાય બચ્ચનની કવિતા ‘અગ્નિપથ... અગ્નિપથ...’નું પઠન પોતાના આગવા અંદાજમાં-આગવી સ્ટાઇલમાં કર્યું ત્યારે સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને હૉલ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યો હતો. IIMના હૉલમાં બિગ બીએ પોતાની કચ્છની જાહેરાતને પણ તેમની આગવી અદાથી માણી હતી અને સ્ટુડન્ટ્સ સાથે પોતાના એ અનુભવો પણ શૅર કર્યા હતા.

એક પ્રશ્નના ઉત્તરમાં પોતાની ફિટનેસ, કામનું, સ્ફૂર્તિનું રહસ્ય જણાવતાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘યુવાનો મારા આદર્શ છે. તેમની પાસેથી નવું શીખું છું. આરામ કરું તો મારી ઉંમરનો અહેસાસ થાય છે.’

ગુજરાત ટૂરિઝમના ઍડ કૅમ્પેન ‘ખુશ્બૂ ગુજરાત કી’ માટે ગુજરાતમાં અત્યારે શૂટિંગ કરી રહેલા ટૂરિઝમના બ્રૅન્ડ-ઍમ્બેસેડર અમિતાભ બચ્ચને ગઈ કાલે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામ પાસે આવેલા રણના બજાણા ટૂંડી ગામના બૉર્ડર સિક્યૉરિટી ર્ફોસના ટાવર પાસે વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે વડના પાંચ છોડનું વાવેતર કર્યું હતું. આ પાંચ છોડને અભયારણ્યના અધિકારીઓએ બચ્ચન પરિવારની યાદગીરીમાં તેમના ફૅમિલી-મેમ્બરનાં નામ આપવાનું નક્કી કર્યું છે અને એ રીતે અમિતાભ, જયા, અભિષ્ોક, ઐશ્વર્યા અને આરાધ્યાના નામના વડના ઝાડ માવજત કરીને ઉગાડવામાં આવશે. અભયારણ્યના ડેપ્યુટી ફૉરેસ્ટ ઑફિસર જે. એસ. ચૌધરીએ કહ્યું હતું કે ‘આ પાંચ ઝાડને ઉછેરવાની જવાબદારી જંગલખાતાએ પોતે લીધી છે. ઝાડ અમિતાભ બચ્ચનના ફૅમિલી-મેમ્બરનાં નામો સાથે જોડાયેલાં રહેશે અને ઝાડ પર તેમના ફેમિલી-મેમ્બરનાં નામ પણ લખવામાં આવશે.’

કચ્છના નાના રણ તરીકે ઓળખાતા પાટડી પાસેના રણમાં ગઈ કાલે બપોરે શૂટિંગ પૂરું થવાનું હતું, પણ રણમાં વારંવાર આંધી આવતી હોવાથી શૂટિંગમાં બહુ બ્રેક લેવા પડ્યા હતા જેને કારણે શૂટિંગ ગઈ કાલે મોડી સાંજ સુધી ચાલુ રહ્યું હતું.