ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By ભીકા શર્મા|
Last Modified: શનિવાર, 27 એપ્રિલ 2013 (14:32 IST)

આશિકીના ૨૩ વર્ષે…આશિકી-૨!

P.R

આશિકી ફિલ્મને ૨૩ વર્ષ થયા. હવે આશિકી -૨ આવી છે. આશિકી -૨ ટ્રેન્ડ સેટર - પરંપરાસ્થાપક સાબિત થાય છે એ તો સમય કહેશે, પરંતુ ૧૯૯૦માં આવેલી આશિકી અને તેની સાથે જોડાયેલી યાદો તાજી કરવાનો આનાથી વધુ સારો અવસર કયો હોઈ શકે?

૧૯૯૦માં હું એ વખતે ૧૨મા ધોરણમાં ભણતો હતો. ૧૨ સાયન્સ. એ વખતે આ ફિલ્મનાં ગીતોએ હલચલ મચાવી દીધી હતી. ગુલશનકુમાર સુપર કેસેટના અને પછી ટી સિરિઝના માલિક બન્યા અને તેમનું સંગીત પ્રત્યેનું જ્ઞાન સારું એવું હતું. તેમની નિર્માણ કરેલી ફિલ્મોમાં સંગીત અફલાતુન હોય પણ ફિલ્મ વિડિયો જેવી હોય એ “લાલ દુપટ્ટા મલમલ કા”માં જોવાઈ ચુક્યું હતું. પરંતુ “આશિકી” ફિલ્મમાં ગુલશનકુમાર અને મહેશ ભટ્ટ બંને ભેગા થયા. મહેશ ભટ્ટ એ વખતે આર્ટ ફિલ્મો બનાવવા માટે જાણીતા હતા. અલબત્ત, અગાઉ તેમણે “લહુ કે દો રંગ” જેવી કોર્મશિયલ ફિલ્મ બનાવી હતી, જેનાં ગીતો પણ ઘણાં જાણીતા બન્યા હતા, પરંતુ તે પછી તેમણે “સારાંશ”, “અર્થ”, “જનમ” જેવી અર્થપૂર્ણ આર્ટ ફિલ્મો તરફ વળી ગયા હતા. એવા સમયે “આશિકી” ફિલ્મ આવી.

“આશિકી” અગાઉ સૂરજ બડજાત્યાની “મૈને પ્યાર કિયા” આવી ચુકી હતી જેણે ૮૦ના દાયકાની મારધાડ અને ટિપિકલ સાસુના ત્રાસવાળી સામાજિક ફિલ્મોમાંથી આવકારદાયક છૂટકારો આપ્યો હતો. આ ફિલ્મે સલમાન ખાન જેવો સ્ટાર આપ્યો હતો જે આજ સુધી પણ ચાલી રહ્યો છે. તો સાથે જ ભપ્પી લહેરીના ધડામધૂમ ડિસ્કો મ્યૂઝિકમાથી ફરી ૬૦ના દાયકા જેવા મધૂર સંગીત તરફ લઈ જવાનું ચલણ સ્થાપિત કર્યું હતું. અલબત્ત, આનંદ-મિલિન્દે ૧૯૮૯માં આવેલી “કયામત સે કયામત તક” દ્વારા સુમધૂર સંગીત તરફ પ્રયાણ આદરી દીધું હતું જેને સૂરજ બડજાત્યાએ તેમની ફિલ્મમાં પણ અનુસર્યું હતું. સૂરજ બડજાત્યાએ તેમની ફિલ્મમાં રામ લક્ષ્મણ નામની નવી સંગીતકાર જોડીનો કર્ણપ્રિય પરિચય કરાવ્યો. (બાય ધ વે, આ રામલક્ષ્મણ એક જ વ્યક્તિ વિજય પાટીલ હતા તે પાછળથી ખબર પડી. અને અત્યારે તેઓ ક્યાં છે? સૂરજ બડજાત્યા તેમની ફિલ્મમાં કેમ તેમને નથી લેતા? કોઈ કહેશે?) આ જ રીતે મહેશ ભટ્ટ અને ગુલશનકુમારની “આશિકી”માં પણ એક નવી સંગીતકાર જોડીનો ઉદય થઈ રહ્યો હતો…નદીમ શ્રવણ…

આ આનંદ-મિલિન્દ, રામલક્ષ્મણ અને નદીમ શ્રવણ વચ્ચેની સામ્યતા કોઈ કહી શકે? એક સામ્યતા, તો તેમના પ્રવેશ અંગેની જ છે. આ ત્રણેય સંગીતકારની ઉપર જણાવી તે પહેલી ફિલ્મ નહોતી! આનંદ-મિલિન્દ એટલે વિતેલા જમાનાના એવા જ સુમધુર સંગીતકાર ચિત્રગુપ્તના દીકરા. તેમની પહેલી ફિલ્મ હતી પંકજ પરાશર (જેમણે બાદમાં “જલવા” અને “ચાલબાઝ” જેવી ફિલ્મો બનાવી)ની “અબ આયેગા મઝા”. ફારુક શેખ અને અનિતા રાજની કોમેડી (અંડરરેટેડ- ફિલ્મ ઘણી સારી હતી, પણ ચાલી નહીં.)નું ગીત “રાજા તેરે રસ્તે સે હટ જાઉંગી” જાણીતું બન્યું હતું. પણ આ ફિલ્મથી ન તો પંકજ પરાશર જાણીતા બન્યા ન તો આનંદમિલન્દ. એ જ રીતે રામલક્ષ્મણે પણ “હમ સે બઢકર કૌન”, “એજન્ટ વિનોદ”, “તરાના” માં સંગીત આપ્યું હતું. (જેનું ગીત “દેવા હો દેવા” ગણેશચતુર્થી પર અચૂક સાંભળવા મળે છે) પરંતુ રામલક્ષ્મણ એટલા લોકપ્રિય કે જાણીતા નહોતા, જેટલા તેઓ “મૈને પ્યાર કિયા”થી થયા. આ જ રીતે નદીમશ્રવણે પણ અગાઉ “બાપ નંબરી બેટા દસ નંબરી”થી સંગીત આપવાનું શરૂ કરેલું. આ ફિલ્મ જેટલી સારી કોમેડી હતી તેટલી સંગીતની રીતે સારી નહોતી. અલબત્ત, આશ્ચર્ય એ વાતનું થાય કે નદીમશ્રવણે “આશિકી” અને બાદની ફિલ્મોમાં જેટલું મધૂર સંગીત પીરસ્યું એટલું “બાપ નંબરી…”માં કેમ નહીં આપ્યું હોય?

પરંતુ એ કમાલ કદાચ મહેશ ભટ્ટ અને ગુલશનકુમારનો હોઈ શકે. આ બંને સંગીતપારખુ લોકોએ “આશિકી”માં નહીં નહીં તો દસ ગીતો હતાં! અને પાછાં બધાં લોકપ્રિય! અલબત્ત, એ વખતે જેને મુમતાઝની કમબેક ફિલ્મ ગણાવાયેલી તે “આંધિયા”માં ”દુનિયા મેં તેરે સિવા” ગીતની નકલ સમું ગીત “જાને જિગર જાનેમન” “આશિકી”માં હતું તે અલગ વાત છે. આમ તો “આંધિયા”ના સંગીતકાર ભપ્પી લહેરી નકલ માટે નામચીન પણ ભપ્પી લહેરીની અસર તેમનાં ગીતો પર દેખાતી જેમ કે, આ લાઇન ગવાય “ક્યા હૈ મેરી ઝિંદગી”માં ઝિંદગી જે રીતે રીતે ખેંચાય તેવી ઢબ “જાને જિગર જાનેમન”માં પણ દેખાય છે. “કયામત સે કયામત તક” ફિલ્મથી આપણને ઉદિત નારાયણ જેવા ઉમદા (અને કોઈની નકલ નહીં કરતા) ગાયક આપ્યા, જ્યારે “આશિકી”એ કુમાર શાનુ. અલબત્ત, કુમાર શાનુ કિશોરકુમારની નબળી નકલ હતા, પણ કિશોરકુમારના દીકરા કરતાં તેમના નકલચીઓ વધુ ચાલ્યા અને નદીમશ્રવણની ઓથના કારણે એમાં સૌથી વધુ ફાવ્યા કુમાર શાનુ. કુમાર શાનુ ઘણી વાર આલાપ ખેંચે વધુ અને તેમાં તેમના નાકમાંથી નીકળતા સૂરો માથું દુખાડી દે. પણ જેમ ઈમરાન હાશ્મી નબળો કલાકાર હોવા છતાં તેની ફિલ્મનાં ગીતો સારા હોય છે એમ કુમાર શાનુને પણ સારાં ગીતો મળ્યાં.

ખેર. “આશિકી”ના કોટની અંદર ઢંકાયેલા હીરો-હિરોઇનના પોસ્ટરે એ વખતે ભારે ચર્ચા જગાડેલી. એમાંય હીરો -હિરોઇનના ચુંબને પણ વિવાદ કર્યો હતો. આવો જ વિવાદ આ ફિલ્મના ગીત અંગે થયો હતો. “દિલ કા આલમ મૈં ક્યા બતાઉં તુઝે” ગીત હકીકતે નીતિન મૂકેશ પાસે ગવડાવાયું હતું. પણ બાદમાં કાવાદાવાના કારણે કુમાર શાનુ પાસે ગવડાવી લેવાયું. એ પછી “દિલ” ફિલ્મમાં આવો જ વિવાદ થયો હતો. ગુલશનકુમારનાં માનીતા ગાયિકા અનુરાધા પૌડવાલ હતાં. એટલે તેમના આલબમોમાં ગાયિકા અનુરાધા જ હોય, પણ “દિલ”માં “મુઝે નીંદ ન આયે” ગીત અલકા યાજ્ઞિકે ગાયું પણ પછી તેને અનુરાધાના અવાજમાં ડબ કરી લેવાયું એમ કહીને કે માધુરી દીક્ષિત પાછળ અલકા યાજ્ઞિકનો અવાજ બંધ બેસતો નથી, અલબત્ત, હકીકત એ હતી કે માધુરીના સૌપ્રથમ હિટ પિક્ચર “તેઝાબ”માં અલકા યાજ્ઞિકે “એક દો તીન” સહિતનાં ગીતો ગાયાં જ હતાં!

ડબ તો રાહુલ રોયના સંવાદો પણ “આશિકી”માં કરવા પડ્યા હતા. એ વખતે રાહુલ રોયનો અવાજ પસંદ નહોતો પડતો (તે કેમ પસંદ પડ્યો હશે, રામ જાણે!). એની હેરસ્ટાઇલ પણ વિચિત્ર લાગી હતી. (જોકે અલગ વાત છે કે સલમાન ખાને ૨૦૦૩માં આવેલી “તેરે નામ”માં આવી જ હેરસ્ટાઇલ રાખી હતી અને તે ખાસ્સી લોકપ્રિય પણ થઈ હતી. રાહુલ રોયના સંવાદો ડબ કરાયેલા આદિત્ય પંચોલીના અવાજમા. રાહુલ રોય જેટલો અજાણ્યો હતો એટલી અજાણી અનુ અગ્રવાલ નહોતી. તે “ઇસી બહાને” નામની દૂરદર્શન પર આવેલી સિરિયલમાં ચમકી ચૂકી હતી. આ સિરિયલમાં ત્યારે એક બીજાં અભિનેત્રી પણ ચમકેલા…અનુપમ ખેરનાં પત્ની કિરણ ખેર!

એમ તો અનુ અગ્રવાલનો અવાજ એટલો સારો નહોતો જ. કમનસીબે, આ ફિલ્મ જેટલી ચાલી એટલા આ ફિલ્મના બંને નાયક-નાયિકા નહીં. રાહુલ રોય પછી તો મહેશ ભટ્ટની ફિલ્મનો કાયમી હીરો બની ગયો…પણ અમુક ફિલ્મો પૂરતો જ. તો અનુ અગ્રવાલ તે પછી ક્યારેય મહેશ ભટ્ટની ફિલ્મોમાં નથી દેખાઈ. રાહુલ રોય તો થોડાંક વર્ષો પહેલાં “બિગ બોસ”માં પણ દેખાયો હતો જ્યારે અનુ અગ્રવાલ છેલ્લે દેવ આનંદની “રિટર્ન ઑફ જ્વેલથીફ”માં દેખાઈ હતી. અનુ અગ્રવાલ વચ્ચેનાં વર્ષોમાં સાવ ખોવાઈ ગઈ હતી પરંતુ તાજેતરમા તે પાછી દેખાઈ છે…તેની આત્મકથા સાથે. તેનું કહેવું એમ છે કે તેને એક અકસ્માત થયો હતો અને તે પછી તે તેની યાદશક્તિ ગુમાવી બેઠી હતી.

લોકોની યાદશક્તિમાં “આશિકી ૨” કેટલી રહે છે તે જોવાનું. તેની હિરોઇન શ્રદ્ધા કપૂર અગાઉ “લવ કા ધ એન્ડ” સહિતની બેચાર ફિલ્મોમાં ચમકી ચૂકી છે, પણ તે લોકોને યાદ નહીં હોય! હવે “આશિકી ૨” શ્રદ્ધા કપૂરને ફળે છે કે કેમ તે જાણવું રસપ્રદ રહેશે. બાય ધ વે, શ્રદ્ધા કપૂર એટલે ખૂંખાર વિલન (જેણે પડદા પાછળ પણ વિલનગીરી કરી હોવાનું કહેવાય છે) શક્તિ કપૂર અને અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેની બહેન શિવાંગી કોલ્હાપુરેની દીકરી. પદ્મિની અને શિવાંગીની બહેન તેજસ્વિની થોડાં વર્ષો પહેલાં જ ફિલ્મો આવી અને હવે તે ફેંકાઈ ચુકી છે એ અલગ વાત છે!