શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

દારાસિંહના જીવનની ચાર બાજુ : કુશ્તી-ફિલ્મો-રામાયણ-રાજકારણ

P.R
જેઓ 1990ની આસપાસ સમયમાં જન્મ્યા છે, તેમના માટે તેઓ હનુમાનજી હતાં, જે ગમે તેટલા રાક્ષસોને ઉપાડીને ફેંકી શકતા હતાં અને ભગવાન રામના ભક્ત હતાં. તે સિવાયના ઘણા લોકો માટે તેઓ રૂશ્તમ-એ-હિંદ હતાં. આટલા મહાન વ્યક્તિ હોવા છતાં તેમનું જીવન એકદમ સરળ, વિવાદોથી દૂર રહ્યું છે. તેમને જાણનારા લોકોને તેઓ હંમેશા પ્રેમાળ અને વિનમ્ર લાગ્યા છે.

19મી નવેમ્બર 1928ના રોજ પંજાબના અમ્રિતસર નજીકના ગામમાં જન્મેલા દારા સિંહ રંધાવાએ ઘણી પેઢીઓના લોકોને મનોરંજન પૂરુ પાડ્યું છે- પછી ફિલ્મો હોય કે કુસ્તી હોય. પંજાબ દા પુત્તર, દારા સિંહે ભારતીય શૈલીની કુસ્તીને આંતરરાષ્ટ્રિય સ્તરે રજૂ કરીને ઘણા ખિતાબો જીત્યા છે. દારા સિંહે જ પોતાના સમયના હિરોમાં સ્ક્રિન પર શર્ટ ઉતારવાનો ટ્રેન્ડ શરૂ કર્યો હોવાનું મનાય છે. ચાલો તેમની સફળતા અને પ્રયાસો પર એક નજર ફેરવીએ.

કુસ્તી: દારા સિંહને નાનપણમાં તેમના પરિવારે જ કુસ્તી શીખવા માટે પ્રોત્સાહન આપ્યું હતું કારણ કે તેમનું શરીર ખડતલ હતું. તેમણે પહેલવાની શીખવાની શરૂઆત કરી અને અખાડો તો જાણે તેમનું બીજુ ઘર બની ગયું હતું. અખાડામાં જ તેમણે કુસ્તીબાજી શીખી. ટૂંક સમયમાં જ તેઓ ભારતના લોકપ્રિય કુસ્તીબાજ બની ગયા અને ધીરે ધીરે કુસ્તીની ટુર્નામેન્ટમાં ભાગ લેવા લાગ્યા હતાં. તેમને દેશના અલગ અલગ રાજ્યોમાંથી તેમની કુસ્તીબાજીનું પ્રદર્શન કરવા માટે આમંત્રણ આપવામાં આવતું હતું. તેમણે કુસ્તીબાજીના ઈતિહાસમાં નોંધાયેલા ઘણા દેશોના અમુક મહાનત્તમ કુસ્તીબાજોને પછાડ્યા છે.

1947માં તેમણે કુઆલાલમ્પુરના તારલોક સિંહને હરાવીને ચેમ્પિયન ઓફ મલેશિયાનો ખિતાબ મેળવ્યો હતો. તેમણે બધા જ કોમનવેલ્થ દેશોમાં મુસાફરી કરી છે અને આજે પણ તે સમયના ચેમ્પિયન કિંગ કોંગને હરાવવા માટે લોકપ્રિય છે. 1954માં તેઓ ઈન્ડિયન ચેમ્પિયન બન્યા હતાં. 1983માં આ મહાન કુસ્તીબાજે પ્રોફેશનલ કુસ્તીમાંથી નિવૃતિ લઈ લીધી હતી. 1996માં તેમને વ્રેસ્ટલિંગ ઓબઝર્વર ન્યૂઝલેટર હોલ ઓફ ફેમમાં સમાવવામાં આવ્યા હતાં.

ફિલ્મો: 1962ના વર્ષમાં દારા સિંહે ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો અને તાકત અને પૌરુષત્વનું પ્રદર્શન કરતા ઘણા પાત્રો ભજવ્યા હતાં. રસપ્રદ વાત એ છે કે તે સમયે માત્ર મુમતાઝ જ એક એવી અભિનેત્રી હતી જેણે તેમની સાથે ઓનસ્ક્રિન કામ કરવાની હા પાડી હતી. આ કારણે જ દારા સિંહ 16 જેટલી ફિલ્મોમાં મુમતાઝ સાથે દેખાયા હતાં. તે સમયની અભિનેત્રીઓ દારા સિંહની વિશાળ કાયા જોઈને જ તેમની સાથે કામ કરવાની ના પાડતી હતી.

રામાયણ: રામાનંદ સાગરની ટીવી સીરિયલ 'રામાયણ'માં દારા સિંહે ભજવેલો હનુમાનનો રોલ ક્યારેય નહીં ભૂલી શકાય. તેમણે હનુમાનનો રોલ એટલી ખૂબીથી નિભાવેલો કે લોકો સાચે જ એવું લાગતું હતું કે તેઓ ખરેખરમાં હનુમાનજી છે. હનુમાનના રોલમાં તેમનો અભિનય એટલો વાસ્તવિક હતો કે આજે પણ લોકો હનુમાનજીનું નામ લેતા જ દારા સિંહનો ચહેરો તેમની સામે આવી જાય છે.

રાજકારણ: તેઓ ઓગસ્ટ 2003થી ઓગસ્ટ 2009 સુધી ભારતીય જનતા પાર્ટીએ સૂચવેલા રાજ્યા સભાના સદસ્યા રહ્યા હતાં.