બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : બુધવાર, 2 માર્ચ 2016 (14:07 IST)

આકરી ગરમીમાં નવજાત બાળકની કેવી રીતે સંભાળ રાખવી જોઇએ

ઉનાળો શરૂ થઇ ગયો છે અને સૌ કોઇ ગરમી અને ઉકળાટ અનુભવી રહ્યા છીએ. આપણે છેલ્લા કેટલાક દિવસથી ગરમીથી હેરાન થઇ ગયા છીએ તો આવા વખતે નવજાત શિશુને તો આ ગરમી કેટલી આકરી પડતી હશે, નહીં?

આ મોસમ નવજાત બાળકની સાથે એમની માતા માટે પણ કપરો કાળ બની રહે છે. આ લેખમાં જણાવેલ કેટલીક સરળ ટિપ્સને ફોલો કરીને તમે તમારા બાળકને આ ઉનાળા દરમિયાન સ્વસ્થ રાખી શકશો. 

આ ઋતુમાં જન્મેલાં બાળકોને નીચે જણાવેલ બીમારીઓનો ચેપ ખૂબ ઝડપથી લાગતો હોય છે અથવા તો તેઓ આમાંની કોઇ બીમારીનો શિકાર થતાં હોય છે.

ડિહાઇડ્રેશન, તાવ, ગરમી વધી જવી, ઊલટી, ડાયેરિયા (ઝાડા થઇ જવા), મચ્છર કરડવાથી થતાં રોગો (ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા), સનબર્ન (તડકો લાગવો), અળાઇ, ચામડીના રોગો વગેરે.

ઉનાળાને કારણે આપણે ઉનાળા દરમિયાન નવજાતને પડતી મુશ્કેલીની વાત કરીએ એ ખરું, પણ એમ જોવા જઈએ તો દરેક મોસમમાં અને દરેક વાતાવરણની અસર નવજાત શિશુ પર પડતી જ હોય છે.

સ્વચ્છતા અને આરોગ્ય

આ મોસમમાં ગરમીથી પરસેવાનું પ્રમાણ વધે છે, જેને કારણે ચામડીના રોગો અને શરીર પર રેસીસ પડે છે. તમારા શિશુને નવડાવતી વખતે એની ગરદન, ગળું, બગલ અને પગના સાંધા વગેરે ભાગોને ખાસ ધ્યાન રાખીને ધોવાની આદત રાખો. દિવસમાં એકથી વધુ વાર શિશુને નવડાવો અથવા તો સ્પંજ કરશો તો એ વધારે ચોખ્ખું રહેશે અને ઠંડક અનુભવશે.

તમે લીમડો કે એના તેલના ટીપાં ઉમેરીને પાણીને જંતુનાશક બનાવી શકો છો. આ સિવાય તમે તમારા બાળકના કપડાં ધોવાનું પાણી ગરમ કરીને એમાં માઇલ્ડ જંતુનાશક (ડેટોલ કે અન્ય કોઇ સમકક્ષ) નાખીને ધોઇ શકો છો. જો તમારું બાળક વારંવાર એના ચહેરાને અડતું હોય તો એનાં હાથ નિયમિત રીતે ધોવાની આદત રાખો.

કપડાં કેવાં પહેરાવશો?

તમારા બાળકને કોટનના હળવા અને ઢીલા કપડાં પહેરાવો. આવા કપડાને કારણે એને ગરમી ઓછી લાગશે. બને ત્યાં સુધી સવારે દસ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી નવજાત શિશુને લઇને બહાર ન નીકળો અને જો નીકળવું જ પડે એમ હોય તો બાળકને હળવી હેટ કે કેપ પહેરાવીને નીકળો.

જો તમારા વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ હોય તો બાળકના હાથ ઢંકાય એવાં નરમ અને મુલાયમ કોટનના વસ્ત્રો પહેરાવો. બારીઓ પર મચ્છરદાની લગાવો અને સાંજે તો ખાસ બારી અને બાલ્કનીને બંધ રાખો.

બાળકને શું ખવડાવવું કે પીવડાવવું?

જયાં સુધી નવજાત શિશુના ખોરાકનો સવાલ છે, તો જો તમે એને સ્તનપાન કરાવતા હો તો પછી બીજું કશું આપવાની જરૂર
નથી, પાણી પણ નહીં. ગરમીમાં તમારું બાળક થોડી થોડી વારે અને થોડાક સમય માટે સ્તનપાન કરતું રહેશે અને એનું કારણ એને લાગતી ગરમી છે. માતાના દૂધમાં એને જરૂરી બધું જ મળી રહે છે.

જો તમે સ્તનપાન ન કરાવતાં હો તો તમારે બાળકને દૂધ કે પાણી આપતા અગાઉ દર વખતે એની બોટલ કે બાઉલ કે ચમચીને ગરમ પાણીથી ધોવાની આદત રાખવી જરૂરી છે. જે પાણી પીવડાવો એ પણ ઉકાળીને ગાળેલું અથવા તો ફિલ્ટરનું હોવું જોઇએ. જોકે નવજાત બાળકને પાણી શરૂ કરવા અગાઉ તમારા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

તમારા બાળકની સાથે તમારો એક અતૂટ સંબંધ છે અને માટે તમે જે કંઇ ખાઓ એની સીધી અસર તમારા દૂધ પર અને એ દૂધની અસર તમારા બાળકના સ્વાસ્થ્ય પર પડશે એ હંમેશ યાદ રાખવું. નિષ્ણાતોએ કરેલા અભ્યાસમાં એવું જણાયું છે કે ઘણીવાર માતાના ખોરાકમાં થયેલાં પરિવર્તનને કારણે બાળકનું પેટ ખરાબ થતું હોય છે.

ઘર અને આસપાસનું વાતાવરણ

બને ત્યાં સુધી બારીઓ ખુલ્લી રાખો. ઘરમાં હવાની અવરજવર થતી રહે એ જરૂરી છે. હાં, બહારથી લૂ એટલે કે ગરમ હવા આવતી હોય તો એ વખતે બારી બંધ રાખી શકો. ઘરમાં કે આસપાસ જમા થયેલું પાણી કાઢી નાખો. એમાં મચ્છર પેદા થતા હોય છે. ઘરને જીવજંતુઓથી મુક્ત રાખો. આ માટે સારી ગુણવત્તાના જંતુનાશકનો ઉપયોગ કરો અને બને ત્યાં સુધી જંતુનાશકનો ઉપયોગ જે ઓરડામાં બાળક હોય એમાં ન કરવો. એટલે કે એક ઓરડો સાફ કર્યા બાદ થોડીવારે જ્યારે જંતુનાશકની વાસ જતી રહે ત્યારે બાળકને એ ઓરડામાં લાવીને અન્ય ઓરડો સાફ કરવો.

બને ત્યાં સુધી ઘરમાં રહો

તમારા ઘર જેવી સ્વચ્છ અને ઠંડી જગ્યા બીજે કશે ન હોઇ શકે. ઉનાળના દિવસોમાં અને ખાસ કરીને જ્યારે તમારા ઘરમાં નાનકડું મહેમાન આવ્યું હોય ત્યારે તો ઘરમાં જેમ બને એમ વધારે સમય ગાળો અને ગરમીજન્ય રોગોથી દૂર રહો.

બાળકને બહાર લઇ જતી વખતે શી કાળજી લેવી?

ઘણીવાર બાળકને બહાર લઇ જ જવું પડે એવું હોય તો નીચે જણાવેલ કાળજી રાખવી રાખો.

- બાળકને ગિરદીવાળી જગ્યાએથી દૂર રાખો. આવી જગ્યાએ કિટાણુઓ ઝડપથી પ્રસરતા હોય છે અને રોગનો ચેપ જલદી લાગી શકે છે.

-  સીધા સૂર્યપ્રકાશ અને ગરમીથી તમારા બાળકને દૂર રાખો.

-  મચ્છરદાનીનો ઉપયોગ કરીને તમારા બાળકને મચ્છર કે અન્ય જંતુઓથી રક્ષણ આપો.

- બાળકને હંમેશ ચોખ્ખું રાખો. નિયમિત રીતે કાળજીપૂર્વક એના હાથ ધોવા, નખ કાપવા અને દિવસમાં બે-ત્રણવાર નવડાવો અથવા સ્પંજ કરો.

- તમારાથી બનતા બધા જ પ્રયત્ન કરવા છતાં ઘણીવાર બાળકો માંદા પડતા હોય છે, તો એ વખતે ગભરાઇ જવાને બદલે તુરંત એને ડૉક્ટર પાસે લઇ જવું. 

તો આ હતી કેટલીક ટિપ્સ જે તમને અને તમારા બાળકને આ ધોમધખતા ઉનાળામાં ગરમીથી અને બીમારીઓથી બચાવશે.