શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. દિવાળી
Written By વેબ દુનિયા|

દીપોની હારમાળા એટલે દિપાવલી, પર્વોનો રાજા એટલે દિપાવલી

કેમ ઉજવાય છે દિવાળી? શું છે દિવાળીનું આધ્યાત્મિક મહત્વ?

P.R


દિપ+અવલી સંધિ પરથી દિપાવલી શબ્દ બન્યો છે. દીપ એટલે દિવો અને આવલી એટલે હારમાળા. દીપોની હારમાળા એટલે દિપાવલી. ભારતમાં દિવાળી ખુબ જ જોરશોર અને ધૂમધામ સાથે ઉજવવામાં આવે છે. દિવાળીને પર્વોનો રાજા પણ કહેવામાં આવે છે. વાઘબારસથી લઈને ભાઈબીજ સુધી તહેવારોની આ પ્રક્રિયા ચાલુ રહે છે.

કેમ ઉજવાય છે દિવાળી?

કહેવાય છે કે દિવાળીનાં દિવસે જ ભગવાન શ્રીરામ પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે ચૌદ વર્ષનો વનવાસ ભોગવી અયોધ્યા પાછા આવ્યા હતા. તેનો આનંદ અયોધ્યાવાસીઓમાં સમાતો નહોતો. આગમનની તૈયારીનાં ભાગરૂપે અમાસની અંધારી રાત્રે ઘીના દિવા પ્રગટાવી પ્રજાએ આવકાર આપ્યો હતો. દીવા સુશોભિત થતા જ જાણે અમાસની રાત પૂનમની જેમ રોશનીથી ઝગમગી ઉઠી હતી.

શું છે દિવાળીનું આધ્યાત્મિક મહત્વ?

આ માટે અલગ અલગ કથાઓ અને દંતકથાઓ છે.

કહેવાય છે કે રામ ભગવાન રાવણનો વધ કરી અયોધ્યા આવ્યા હતા જેની ખુશીમાં રામભક્તોએ દિવાળી ઉજવી હતી.

કૃષ્ણભક્તિમાં લીન ભક્તો માને છે કે કાળીચૌદશ દિવસે શ્રીકૃષ્ણ ભગવાને નરકાસુરનો વધ કર્યો હતો. આ દાનવનાં ત્રાસમાંથી મુક્તિ મળતાં બીજા દિવસે લોકોએ ઘીના દીવા પ્રગટાવીને દિવાળી મનાવી હતી.

તો એક કથા અનુસાર સમુદ્રમંથનમાંથી લક્ષ્મી અને ધન્વંતરિ પ્રગટ થયાં હતાં. તેના સંદર્ભે પણ લક્ષ્મીપૂજન કરીને સમૃદ્ધ જીવનની કામના કરવામાં આવે છે.

જૈન ધર્મની વાત કરીએ તો તેમના માટે આ દિવસ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીનું નિવાર્ણ દિવાળીના દિવસે જ થયું હતું.

અમૃતસરના સુવર્ણમંદિરનો શિલાન્યાસ પણ દિવાળીના દિવસે જ કરવામાં આવ્યો હતો. તદુપરાંત શીખ ધર્મના છઠ્ઠા ગુરુ હરગોવિંદ સિંહને દિવાળીના દિવસે જ જેલમાંથી મુક્તિ મળી હતી. આ રીતે શીખ ધર્મના દિવાળીના દિવસે જ બે મહત્ત્વપૂર્ણ ઘટના બની હોવાથી શીખ લોકો માટે પણ આ પર્વનું ધાર્મિક માહાત્મ્ય છે.

નેપાળીઓ માટે આ દિવસ એટલા માટે વિશેષ છે કે દિવાળીના દિવસથી નેપાળી સંવતમાં નવું વર્ષ શરૂ થાય છે.

પંજાબમાં જન્મેલા સ્વામી રામતીર્થનો જન્મ અને મહાપ્રયાણ દિવાળીના દિવસે જ થયું હતું. તેઓએ ગંગાતટ પર સ્નાન કરતાં કરતાં ઓમકારના ઉચ્ચારણ સાથે સમાધિ લઈ લીધી હતી.

જાણો આગળ દિવાળી અને પરંપરા


P.R


દિવાળી અને પરંપરા

એક કથા અનુસાર કાળીચૌદશના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને વ્રજવાસીઓને કુદરતી આફતથી બચાવવા માટે પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો, તેથી વ્રજવાસીઓ દિવાળીના દિવસે માટી અને ગાયના છાણનો ગોવર્ધન પર્વત બનાવી તેની પૂજા કરે છે, સાથે સાથે આજના દિવસે તેઓ ગાય, બળદને સારી રીતે શણગારે છે અને તેની પૂજા કરે છે.

દિવાળીના પર્વ સાથે ચોપડા પૂજન કરવાની પણ બહુ જૂની પરંપરા છે. વેપારીઓ આજના દિવસે ચોપડા પૂજન કરે છે અને નવા ચોપડા ખરીદે છે.

દિવાળીના દિવસે વહેલી સવારે અને સાંજે ઘરને દીવાઓથી શણગારવામાં આવે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી કામના સાથે લક્ષ્મીજીનું ષોડશોપચારે પૂજન કરવામાં આવે છે. તદુપરાંત ઘરના આંગણામાં રંગોળી પૂરવાની પણ બહુ જૂની પ્રથા છે.

લક્ષ્મીપૂજન વિધિ

ઓમ ગં ગણપતયે નમ:

ઓમ હ્રીમ મહાલક્ષ્મેય નમ:

ઓમ સરસ્વતીય નમ:

દિવાળીના દિવસે શુભ મુહુર્ત જોઈને ગણેશ, લક્ષ્મી અને સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. ગણેશની સ્થાપના વગર કોઈ પૂજા પૂર્ણ નથી થતી, તેથી સૌ પ્રથમ ગણેશની મુર્તિ અથવા ચિત્રનું સ્થાપન કરીને તેમનું આવાહન કરવામાં આવે છે. ધન અને વૈભવ માટે લક્ષ્મીજીનાં આશિષ આવશ્યક છે, તેથી માં લક્ષ્મીની સ્થાપના કરવામાં આવે છે. રિદ્ધિ-સિદ્ધિ જ્ઞાન વગર ટકતી નથી, તેથી મા સરસ્વતીની સ્થાપના કરીને ત્રણેય દેવી-દેવતાનું ષોડશોપચારે પૂજન કરવામાં આવે છે. આ સાથે ઘરની તિજોરીમાં પડેલાં સોના, ચાંદીના સિક્કા, મુર્તિ, દાગીના, નોટો વગેરેની પૂજા કરવાનું પણ વિધાન છે. વેપારીઓએ દુકાન પર આ રીતે ગણેશ, લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને પછી ઘરે આ જ રીતે લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ.

દિવાળીના દિવસે દીપકની પૂજાનું પણ માહાત્મ્ય છે. આ માટે બે થાળીમાં દીવા રાખો. તેર-તેર દીપક બંને થાળીમાં સજાવો. બધા જ દીવાને પ્રજ્જ્વલિત કરીને અબીલ, ગુલાલ, કંકુ, ધૂપથી પૂજા કરો. દીપકનું ષોડશોપચારે વિધિવત્ પૂજન કર્યા બાદ આ જ દીપકથી ઘરનો ખૂણેખૂણો સજાવો.

આ રીતે દિવાળીના પર્વને મા લક્ષ્મીની આશિષ સાથે શ્રદ્ધાપૂર્વક મનાવો તો ચોક્કસ અમાસની રાતને રોશન કરતો દીપોત્સવ આપના જીવનને પણ તેજોમય કરી દેશે.