શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: મંગળવાર, 21 ઑક્ટોબર 2014 (12:33 IST)

અનોખો સંયોગઃ નૂતન વર્ષનાં દિવસે જ સર્વાર્થસિદ્ધિયોગનો સમન્વય

તા.૨૪મી ઓક્ટોબરનાં રોજ વિક્રમ સંવત-૨૦૭૧નો પ્રારંભ થશે એટલે કે નૂતન વર્ષનાં દિવસે જ સર્વાર્થસિદ્ધિયોગનો સમન્વય થયો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે પાંચ અંગ એટલે કે પંચાંગ કહેવાય છે, તેમાંના ત્રણ તિથિ, વાર અને યોગનો અનોખો સંયોગ થઇ રહ્યો છે. જે અંતર્ગત પ્રતિપદા તિથિ, શુક્રવાર અને પ્રીતિ યોગનો સમાવેશ થાય છે.

આ અંગે જૈન મુનિએ જણાવ્યું કે સર્વાર્થસિદ્ધિ યોગની સાથે સ્વાતિ નક્ષત્ર અને શુક્રવાર સાથે જુદા-જુદા સંયોગો રચાઇ રહ્યાં છે. માટે જ આ વર્ષનું નૂતન વર્ષ વિશિષ્ય સંગોય સાથેનું રહેતાં આ દિવસે કરવામાં આવેલા સંકલ્પો સફળ થાય છે અને કાર્યસિદ્ધિ માટેનાં પ્રયત્નોમાં પણ મહદ્‌અંશે સફળતા મળે છે.

તેમણે જણાવ્યું કે તા.૨૪મીએ એકમ, શુક્રવાર, પ્રીતિયોગ - નો સંયોગ તિથિ, વાર, અને યોગનો સંયોગ થવાથી સર્વાર્થસિદ્ધિ યોગ બન્યો અને સર્વકાર્યની સિદ્ધિ આપનારો છે. નૂતન વર્ષનાં સંકલ્પો સફળ થાય છે. સાથે જ નવા કાર્યોનો પ્રારંભ પણ સફળ થવાની શક્યતાઓમાં વધારો થાય છે. જ્યારે એકમ, છટ્ઠ અને અગિયારસને નંદા તિથિ કહે છે. શુક્લપક્ષનો પ્રથમ દિવસ પ્રતિપદા કહેવાય છે. ચંદ્ર સૂર્યથી પૂર્વ દિશામાં પ્રયાણ કરે ત્યારે પ્રતિપદા નામની તિથિ થાય અને સૂર્ય તથા ચંદ્ર વચ્ચે બાર અંશનું અંતર પડે ત્યારે પ્રતિપદાની સમાપ્તિ થાય. સંવત ૨૦૭૧ના આરંભે ચંદ્ર અને સૂર્ય બન્ને સ્વાતિ નક્ષત્રમાં હશે. ભગવાન મહાવીરના નિર્વાણ સમયે પણ ચંદ્ર અને સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં જ હતા અને ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ વખતે પણ ચંદ્ર અને સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં હતા!

નૂતન વર્ષે ગૌતમસ્વામીની આરાધના કરવાથી જીવનમાં અખૂટ સમૃદ્ધિ મળે છે. આ દિવસે ગૌતમસ્વામીની પૂજા, જાપ વગેરે કરવાથી કૌટુંબિક પ્રશ્નો પણ હલ થાય છે. જ્યાં જ્યાં જૈનોનો વસવાટ હોય ત્યાં ત્યાં કારતક સુદ એકમના દિવસે ગણધર ગૌતમસ્વામીના રાસનું વાંચન અને શ્રવણ અવશ્ય કરવામાં આવે છે. વિશ્વમાં એવો ભાગ્યે જ કોઈ જૈન હશે જેણે ગૌતમસ્વામીના રાસનું શ્રવણ ન કર્યું હોય! આ દિવસે જૈનોમાં અત્યંત મહિમાશાલી મનાતા નવ સ્મરણોનો મંગલપાઠ પણ અવશ્ય કરવામાં આવે છે.

મુનિએ જણાવ્યું કે, કારતક મહિનાની પ્રતિપ્રદાને બલિપ્રતિપ્રદા પણ કહે છે. હિન્દુ ગ્રંથો મુજબ દાનવીર બલિરાજાનો જન્મ આ દિવસે થયો હતો. જૂના યુગના હિન્દુ લોકો બેસતા વરસના દિવસે સોળ દીવા પ્રગટાવીને બલિરાજાનું પૂજન કરતા હતા. પ્રાચીન જ્યોતિષ મુજબ એકમના દિવસે શુક્રવારનો સંયોગ થાય તો સિદ્ધિયોગ બને છે. આ વર્ષના આરંભે પ્રતિપદા અને શુક્રવારના સંયોગે થતો સિદ્ધિયોગ અનોખો છે, કારણ કે નૂતન વર્ષના આરંભે તુલારાશિ છે અને તુલારાશિનો સ્વામી પણ શુક્ર છે. આ રીતે આ સિદ્ધિયોગ વિશિષ્ટ પ્રકારનો બની રહે છે. સૌથી અદ્‌ભૂત બાબત તો એ છે કે શુક્ર પોતે પણ નૂતનવર્ષના આરંભે સ્વાતિ નક્ષત્રમાં અને પોતાની સ્વરાશિ તુલામાં છે અને શનિ પોતાની ઉચ્ચ રાશિ તુલામાં છે.