શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. નવરાત્રી 07
Written By વેબ દુનિયા|

ગરબાંની આજ અને કાલ

P.R
આસો માસની નવરાત્રીમાં રાત્રે ભક્‍તિગીતો નો કાર્યક્રમ, ચોક વચ્‍ચે કાણાવાળો માટીનો ઘટ, જેને ગરબો કહેવાય છે, તે રાખીને તાળીઓના તાલે ગાવાનો રીવાજ છે. આ ગરબામાં અંદર માટીના કોડીયામાં દિપક પ્રજ્‍વલ્લિત કરેલો હોય છે. જે સમયે વિજળીની બત્તીઓ નહોતી, ત્‍યારે આ દિપકના અજવાળે તાળીઓના તાલે ભક્‍ત કવિઓના ગરબા ગવાતા હતાં. હવે તો વિજળીની જાતજાતની બત્તીઓ વચ્‍ચે ગરબાની દીપક જ્‍યોતિનું મહત્‍વ ઓછું થતું જણાય છે પરંતુ આ જ્‍યોતિ માતાની જ્‍યોતિ છે, જે હમેશા પ્રજ્‍વલ્લિત રહે છે.

આજે ગરબામાં ગુજરાતીઓ સિવાય બીજા પ્રાંતોના નાગરીકો પણ ઉત્‍સાહપૂર્વક ભાગ લે છે. હવે તાળીઓના તાલ ડીસ્‍કો ડાંડીયામાં બદલાઇ ગયા છે. ઓરકેસ્‍ટ્રાનું સંગીત આવી ગયું છે. ગુજરાતમાં રાત્રે 10 વાગે ગરબા શરૂ થાય છે, અને સવારે 3-4 વાગ્‍યા સુધી નવયુવક -નવયુવતીઓ ગરબે ઘૂમે છે. આખું ગુજરાત આસો નવરાત્રીની નવે રાત્રીએ આખી રાત ગુંજતું રહે છે. શહેરોની સડકો અને પાર્ટી પ્‍લોટો ઉપર આખી રાત મેળાઓ જામેલા હોય છે. રંગબેરંગી વેશભૂષામાં યુવક-યુવતીઓ આકર્ષણનું કેન્‍દ્ર બનેલા હોય છે. રાસ-ગરબા-છંદ-દુહાની રમઝટે ચાલે છે. સાચે જ આસો નવરાત્રી ગુજરાતનો ગોરવવંતો મહોત્‍સવ છે, જે ફક્‍ત ગુજરાતમાં જ માણી શકાય છે. ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્‍છ નવરાત્રી મહોત્‍સવ દરમ્‍યાન રાત્રે રળિયામણા બની જાય છે. આ નવ દિવસ દરમ્‍યાન ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્‍છ માં આવનાર મહેમાન યાત્રાળુઓ ને ગૌરવવંતા ગુજરાતના દર્શન થઈ શકે છે.

ગુજરાતના શહેરો અને ગામડાઓમાં ડીસ્‍કો ગરબા-ડીસ્‍કો ડાંડીયાની રમઝટ જામી ગઈ છે, જ્‍યારે સૌરાષ્‍ટ્રના શહેરો ધીરે ધીરે ડીસ્‍કો તરફ વળી રહ્યા છે, પરન્‍તુ ગામડાઓ માં હજી પણ તાળીઓના તાલે ગરબા અને ડાંડીયા-રાસ ચોકમાં ગરબો રાખીને ગવાય છે, પરન્‍તુ કચ્‍છ ના શહેરો અને ગામડાઓ માં નવરાત્રી દરમ્‍યાન ભક્‍તિપૂણ ર્વાતાવરણમાં તાળીઓના તાલે ગરબા અને રાસ ડાંડીયા સાથે ઢોલકની તાલ ઉપર ગાતા જોવાનો અનેરો આનંદ છે.

ગુજરાતમાં ગરબા દરમ્‍યાન એક વિશિષ્ટ પોશાક ની ઝાંખી થાય છે. યુવતીઓ-ચણીયા-ચોળી-ચુંદડી માં સજ્જ હોય છે, જ્‍યારે યુવકો ચુડીદાર પાયજામો કે સરવાલ-ઝભ્‍ભો કે કેડીયું તથા બંડી પહેરીને મ્‍હાલે છે. ગામડાની ગોરી હાથમાં રણકતી બંગડીઓ અને પગમાં ખનકતા ઘુંઘરૂં થી શોભે છે અને ગામડાનો યુવાન માથે પાઘડી રાખીને મલકાય છે.

સૌરાષ્ટ્ર-કચ્‍છ આજે પણ ભક્‍ત કવિવલ્લભ ભટ્ટ, પ્રેમાનંદ, દયારામ ના ગીતો થી ગુંજે છે. જેમાં ગરબા છે, રાસ છે, દોહા છે, છંદ છે.

ગુજરાતનું આતિથ્‍ય અનેરૂં છે - 'અતિથી દેવો ભવઃ' ની ભાવનાને ગુજરાત તાદૃશ્‍ય કરે છે. નવરાત્રી દરમ્‍યાન ગુજરાત સોળે કળાએ ખીલી ઉઠે છે. ગુજરાત ઉત્‍સવ ઘેલું છે - તેમાં પણ નવરાત્રી એ ગુજરાતનો ગૌરવવંતો મહોત્‍સવ છે. નવદુર્ગાંના આગમન થી વિદાય સુધી દરેક ગરબીઓ ગુંજતી રહે છે. આ નવરાત્રીના મહોત્‍સવ પછી દસમીની રાત્રીએ શુભમુહુર્તમાં માતાજી ની વિદાય સમયે ભાવિક ભક્‍તો ના આસું રોકાતા નથી. ભારે હૃદયે માતાજીની વિદાય ધામધૂમથી કરતા ભક્‍તો માતાજીને પ્રાર્થના કરે છે, કે મા આવતા વર્ષે પાછા જલ્‍દી પધારશો.

દરેક ગરબીએ રોજ ગરબાની સમાપ્તી પછી માતાજીની આરતી થાય છે.