શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. નવરાત્રી 07
Written By વેબ દુનિયા|

અંબા ભવાની માં

મા નો ગરબો રે, રમે રાજ ને દરબાર

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા,
હું તો તારી સેવા કરીશ, મૈયા લાલ,
નવ નવ નોરતાંની, પૂજાઓ કરીશમા,
ઉજાગરો કરીશમાં,
વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયાલાલ…..સાચી રે…..

જ્યોતિમાં એક તારી છે જ્યોતિ,
માતાના સતનું ચમકે છે મોતી,
માડી રે મારી શક્તિ ભવાની મા,
જગદંબા ભવાની મા
હું તો તારી આરતી ઉતારું, મૈયાલાલ…..સાચી રે…..

શક્તિ રે, તું તો જગની જનેતા મા,
ભોળી ભવાની મા, અંબા ભવાની માત,
હું તો તારા પગલાં પૂજીશ મૈયાલાલ…..સાચી રે…..

જગમાં તેં જ એક માયા રચાવી,
દર્શન દેવા તું સામે રે આવી;
માડી રે આવો રમવા ભવાની મા,
ગરબે ઘૂમવા ચામુંડા મા,
હું તો તારાં ઓવારણાં લઇશ મૈયાલાલ…..સાચી રે….


મા નો ગરબો રે, રમે રાજ ને દરબાર.

મા નો ગરબો રે , રમે રાજ ને દરબાર,
રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર.

એલી કુંભારી ની નાર તું તો સુતી હોય તો જાગ,
મા ને ગરબે રે રૂડા કોડિયાં મેલાવ.

મા નો ગરબો રે , રમે રાજ ને દરબાર,
રમતો ભમતો રે આવ્યો સોનીડા ને દ્વાર.

એલી સોનીડા ની નાર તું તો સુતી હોય તો જાગ,
મા ને ગરબે રે રૂડા જાળીયા મેલાવ.

મા નો ગરબો રે , રમે રાજ ને દરબાર,
રમતો ભમતો રે આવ્યો ઘાંચીડા ને દ્વાર.

એલી ઘાંચીડા ની નાર તું તો સુતી હોય તો જાગ,
મા ને ગરબે રે રૂડા દિવેલીયા પુરાવ.

મા નો ગરબો રે, રમે રાજ ને દરબાર.

ચપટી ભરી ચોખા

ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
શ્રી ફળની જોડ લઈએ રે….
હાલો હાલો પાવાગઢ જઈએ રે… (2)

સામેની પોળથી માળીડો આવે,
માળીડો આવે, માના ગજરા લઈ આવે,
ગજરાની જોડ અમે લઈએ રે…. હાલો….

સામેની પોળથી સોનીડો આવે,
સોનીડો આવે માના ઝૂમણાં લઈ આવે,
ઝૂમણાંની જોડ અમે લઈએ રે… હાલો….

સામેની પોળથી વાણીડો આવે,
વાણીડો આવે માની ચૂંદડી લઈ આવે,
ચૂંદડીની જોડ અમે લઈએ રે….. હાલો…

સામેની પોળથી સુથારી આવે,
સુથારી આવે માનો બાજોઠ લઈ આવે,
બાજોઠની જોડ અમે લઈએ રે… હાલો….

સામેની પોળથી ઘાંચીડો આવે,
ઘાંચીડો આવે માના દીવડાં લઈ આવે,
દીવડાની જોડ અમે લઈએ રે…. હાલો….

જોગમાયા

તું કાળી ને કલ્યાણી રે મા !
જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું ચારે યુગમાં ગવાણી રે મા… જ્યાં.

તને પહેલાં તે યુગમાં જાણી રે મા… જ્યાં.
તું શંકરની પટરાણી રે મા… જ્યાં.
તું ભસ્માસુર હરનારી રે મા… જ્યાં.

તને બીજા તે યુગમાં જાણી રે મા….જ્યાં
તું હરિશ્ચંદ્ર ઘરે પટરાણી રે મા… જ્યાં.

તને ત્રીજા તે યુગમાં જાણી રે મા… જ્યાં.
તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા… જ્યાં.
તું રાવણને રોળનારી રે મા… જ્યાં.

તને ચોથા તે યુગમાં જાણી રે મા… જ્યાં.
તું પાંડવ ઘેર પટરાણી રે મા… જ્યાં.
તું કૌરવકુળ હણનારી રે મા… જ્યાં.