મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. નવરાત્રી 07
Written By વેબ દુનિયા|

ગુજરાતનો ગૌરવવંતો મહોત્‍સવ નવરાત્રી

W.D
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્‍થિતા
નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમો નમઃ

નવરાત્રી ઉત્‍સવ એટલે નવ રાતોનો મહોત્‍સવ, નવરાત્રી એટલે ગુજરાત ની અસ્‍મિતા, ઓળખાણ. આ ઉત્‍સવ દરમ્‍યાન ગુજરાતીઓ શેરીઓમાં - પોળોમાં - મેદાનોમાં ગરબે ઘુમવા ઉમટી પડે છે. 'જ્‍યાં જ્‍યાં વસે એક ગુજરાતી સદા કાળગુજરાત' કવિ અરદેશરની આ કાવ્‍ય પંક્‍તિ ને અનુરૂપ ફક્‍ત ગુજરાતમાંજ નહીં, પરન્‍તુ જ્‍યાં જ્‍યાં ગુજરાતીઓ વસેલા છે, ત્‍યાં ત્‍યાં તેમણે આ ઉત્‍સવની મહેક પહોંચાડી દીધી છે. આ ઉત્‍સવ માટે ગુજરાતીઓજ નહિં, પરંતુ તેમની સાથે વસતાં અન્‍ય પ્રદેશવાસીયો પણ રાહ જુએ છે. ગુજરાતીઓ માટે તો નવરાત્રી એક મહોત્‍સવ જ છે, જે દર વર્ષે ગુજરાતીઓ ને ગાંડા કરી મુકે છે. એક સરખા નવ દિવસ સુધી રાત્રે ગરબે ઘુમવું અને આખી રાત માણવી એ એક અણમોલ લ્‍હાવો છે, જે ગુજરાતીઓ દર વર્ષે માણે છે.

નવરાત્રી એટલે નવદિવસ આદ્યશક્‍તિ માતા નવદુર્ગાની ઉપાસના અને ભક્‍તિ. હિન્‍દુ ધર્મમાં પાંચ દેવો મુખ્‍ય રીતે પુજાય છે - ગણપતિ, મહાદેવ શંકર, ભગવાન વિષ્‍ણુ, સૂર્ય દેવ અને આદ્યશક્‍તિ માં. દરેક જીવાત્‍મા ના જીવનમાં માતાનું સ્‍થાન હમેશા ઉંચુ હોય છે. પિતા કરતાં માતાનું મહત્‍વ વધારે હોય છે. માતા એ જનની છે - બાળકનું લાલન પાલન કરનાર છે, માતા વગર સૃષ્ટિ સંભવી શકે જ નહિં - તેથી જ માતાનું અનેરૂં સ્‍થાન હોવાથી હમેશા માતાને પહેલા પ્રણામ કરવામાં આવે છે. ઈશ્‍વરમાં પહેલાં માતા ના સ્‍વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે.

ત્‍વમેવ માતા ચ પિતા ત્‍વમેવ
ત્‍વમેવ બંધુચ સખા ત્‍વમેવ
ત્‍વમેવ વિદ્યા દ્રવિણમ્‌ ત્‍વમેવ
ત્‍વમેવ સર્વમ્‌ મમ્‌ દેવ દેવ

તેથી જ નવરાત્રી દરમ્‍યાન માતાની ભક્‍તિ કરવામાં આવે છે. ગુજરાતમાં નવરાત્રી ઉત્‍સવ આસો સુદ 1 થી આસો સુદ 9 સુધી ઉજવાય છે અને આસો સુદ 10 વિજયાદશમી ને દિવસે માતાજીને વિદાય અપાય છે.
પરંતુ દેવી સંપ્રદાય પ્રમાણે વર્ષમાં ચાર નવરાત્રી હોય છે -

ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9
અષાઢ સુદ 1 થી અષાઢ સુદ 9

દુર્ગોત્‍સવ -
આસો સુદ 1 થી આસો સુદ 9
મહાસુદ 1 થી મહાસુદ 9

આ ચારે નવરાત્રીઓમાં દેવી સંપ્રદાય વાળા એક સરખી રીતે ભક્‍તિ ઉપાસના કરે છે, પરંતુ આ ચારેયમાં બે નવરાત્રીઓનું મહત્‍વ વધુ છે.

ચૈત્ર સૂદ 1 થી ચૈત્ર સુદ 9
આસો સુદ 1 થી આસો સુદ 9

યોગાનુયોગ આ બન્ને નવરાત્રી દરમિયાન મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ નો ઉલ્લેખ થાય છે. ચૈત્ર નવરાત્રી ની સમાપ્તી ચૈત્ર સુદ 9 એટલે ભગવાન શ્રી રામ નો પ્રાર્દુભાવનો દિવસ. અને દેવી ભાગવત અનુસાર આસો સુદ 1 થી આસો સુદ 9 ના દિવસોમાં ભગવાન શ્રીરામે આદ્યશક્‍તિ માતાની ઉપાસના કરીને વિજયાદશમી ને દિવસે રાવણ સાથે યુદ્ધ કરવા લંકા જવા સમુદ્ર તટ થી પ્રયાણ કર્યું હતું.


W.D
ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9 ચૈત્ર નવરાત્રી માતાના અનુષ્ઠાન - ઉપાસના માટે ઉત્તમ ગણવામાં આવે છે -આસો સુદ 1 થી આસો સુદ 9 શરદ નવરાત્રી, માતાની ભક્‍તિપૂર્ણ ગીતોથી ઉપાસના કરવા માટે ઉત્તમ ગણાય છે. ગુજરાત નો ગરબો એટલે આસો સુદ 1 થી આસો સુદ 9 શરદ નવરાત્રી દરમ્‍યાન ગવાતા માતાજીના ભક્‍તિપૂર્ણ ગીતો. આ ગરબાનો ઉદ્‌ભવ કેવી રીતે થયો, તેની ઐતિહાસિક તારીખ એક સંશોધનનો વિષય છે. પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્‍ણ ની રાસલીલા એ આનું ઉદ્‌ગમ સ્‍થાન કહી શકાય. પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્‍ણ-રાધાજી અને ગોપીયો રાસ રમતાં હતા. ગરબો પણ, તેનો જ એક પ્રકાર છે. ગરબામાં પણ રાસ છે, નૃત્‍ય છે, લય છે, સંગીત છે. ગરબે ઘુમવું એ પણ એક કળા છે અને ગરબે ઘુમનાર દરેક કલાકાર છે.

આજ થી લગભગ ત્રણસો વર્ષ પહેલાં ગુજરાતમાં ગરબો લખનાર અને ગાનાર પ્રસિદ્ધ ભક્‍ત કવિઓ હતા - વલ્લભભટ્ટ ધોળાવાળા-પ્રેમાનંદ-દયારામ. આજે પણ તેમના ગરબાઓ તેટલાજ ઉત્‍સાહ થી ગવાય છે. આધુનિક યુગમાં ઘણા નવાં ગરબાઓ રચાય અને ગવાય છે, તેમાં જીતુ ભગત, નંદુ ભગત વિગેરે ભક્‍ત કવિઓ પ્રસિદ્ધ છે. આજે ગરબા ગાવાનું સ્‍વરૂપ ઘણું બદલાઇ ગયું છે. પહેલા તાળીઓનાં તાલે ગરબા ગવાતા આજે ઓરકેસ્‍ટ્રા ઉપર યુવક-યુવતીઓ ગરબે ઘુમે છે. મોટા મોટા પ્‍લોટોમાં પ્રકાશ અને સંગીતનું સંયોજન થાય છે. છેલ્લા 25 વર્ષો થી ડિસ્‍કો ડાંડિયા નું પ્રમાણ વધી ગયું છે, પ્રણાલિકાગત ગરબાઓ હવે બહુ ઓછા જોવા મળે છે. મોટા શહેરોમાં આનુ પ્રમાણ વધું છે, ગુજરાતના ગામડાઓ આજે પણ ભક્‍ત-કવિઓના ગરબા, તાળીઓના તાલે ગુંજે છે.

આવા નવરાત્રી મહોત્‍સવમાં આદ્યશક્‍તિ નવદુર્ગાની આરાધના, અનુષ્ઠાન અને ભક્‍તિ કરવામાં આવે છે. આ નવદુર્ગાનું વર્ણન દેવી કવચમાં નીચે મુજબ કરવામાં આવ્‍યું છે.

પ્રથમં શૈલપુત્રી ચ દ્વિતીયં બ્રહ્મચારિણી
તૃતીયં ચન્‍દ્રઘણ્‍ટોતિ ર્કષ્‍માણ્‍ડેતિ ચર્તુથમ્‌
પંચમં સ્‍કન્‍દમાતેતિ ષષ્ઠં કાત્‍યાયનીતિ ચ
સપ્તમં કાલરાત્રીતિ મહાગૌરીતિ ચાષ્ટમમ્‌
નવમં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિતા.

તે મુજબ નવદુર્ગા શૈલપુત્રી, બ્રહ્મચારિણી ચન્‍દ્રઘણ્‍ટોતિ, ર્કષ્‍માણ્‍ડેતિ, સન્‍દમતિતિ, કાત્‍યાયનીતિ, કાલરાત્રી, મહાગોરી અને સિદ્ધિદાત્રી ઉપાસ્‍ય દેવીઓ છે. નવરાત્રી એટલે નવરાત સુધી માતાની પૂજા-ઉપાસના કરવાની હોય છે અને દસમેં દિવસે માતાજીને વિદાય આપવામાં આવે છે. નવરાત્રીની સુદ-1 ને દિવસે માતાજીની સ્‍થાપના કરવામાં આવે છે. સ્‍થાપના વખતે નવદુર્ગાની સ્‍થાપના સાથે શ્રી ગણેશ, ગોત્રીજ નવગ્રહ, મહાદેવીજી તથા ત્રણે મહાદેવીઓ મહાકાલી-મહાલક્ષ્મી-મહાસરસ્‍વતીની પણ સ્‍થાપના કરવામાં આવે છે.

ૐ શક્‍તિ ૐ શક્‍તિ ૐ શક્‍તિ ૐ
બ્રહ્મશક્‍તિ વિષ્‍ણુશક્‍તિ શિવશક્‍તિ ૐ
આદિશક્‍તિ મહાશક્‍તિ પરાશક્‍તિ ૐ
ઇચ્‍છાશક્‍તિ ક્રિયાશક્‍તિ જ્ઞાનશક્‍તિ ૐ

માતા નવદુર્ગામાં દરેક શક્‍તિઓ નીહિત છે, તે આદ્યશક્‍તિ છે, તે ભાવનાથી, માતાની સ્‍થાપના કરાય છે.

સર્વ મંગલ માંગલ્‍યે, શિવે સર્વાથ સાધિકે
શરણ્‍યૈ ત્ર્યબંકે ગૌરી નારાયણી નમોસ્‍તુતે

માતાની પ્રાર્થનાનો મંત્ર છે. નીચેના મંત્રથી માઁ નવદુર્ગાનું ધ્‍યાન કરાય છે.

ૐ સિંહસ્‍થાશશિશેખરા મરકત પ્રખ્‍યૈશ્‍ચ શ્‍ચતુર્ભિભુજૈઃ
શંખચક્ર ધનુઃ શરાં શ્‍ચધ્‍ધતીનેત્રૈસ્ત્રિભિઃ શોભિતા
આમુક્‍તાંગદ - હારકંકણ ત્‍કાંચીરણન્નૂપૂરા
દુર્ગાદુર્ગતિહારિણી ભવતુ નો રત્‍નોલ્લ સત્‍કુંડલા