શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. નવરાત્રી 07
Written By પારૂલ ચૌધરી|

પાવાગઢની મહાકાળી માંની નવરાત્રી

W.DW.D

પાવાગઢના પર્વતની ટોચ પર મા મહાકાળી બિરાજમાન છે. આ સ્થળ પર્વતની ટોચ પર દરિયાઈ સપાટીથી 2730 ફૂટ ઉંચે આવેલું છે. આની આસપાસનું વાતાવરણ ખુબ જ સુંદર અને મનમોહક છે.

પૌરાણિક દંતકથા અનુસાર પ્રજાપતિ દક્ષે તેમનાં ઘરે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને તેમાં બધા જ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું હતું પરંતું પોતાની પુત્રી પાર્વતી અને તેના પતિ દેવાધિદેવ શંકરને આમંત્રણ નહોતુ આપ્યું છતાં પણ પોતાના પતિની અવગણના કરીને દેવી સતી ત્યાં ગયાં જ્યાં તેઓ પોતાના પતિનું વારંવાર અપમાન થતું જોઈને તેઓ તે સહન ન કરી શક્યાં અને પોતે અગ્નિકુંડમાં કુદી પડ્યાં. આ વાતની જાણ જ્યારે ભગવાન શંકરને થઈ ત્યારે તેઓ ત્યાં પહોચીને સતીના બળેલા દેહને જોઈને અતિ કોપાયમાન થયાં અને તેમના દેહને લઈને આખા બ્રહ્માંડમાં પરિભ્રમણ કરવા લાગ્યાં. ભગવાન શિવના આ રૂપને જોઈને બધાં જ દેવતાંઓ ખુબ જ ભયભીત થયાં તેથી ભગવાન વિષ્ણુંએ તેમના સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહને ટુકડાઓમાં વિભાજીત કરી દીધો. દેવી સતીના દેહના ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યાં ત્યાં ત્યાં મોટી મોટી શક્તિપીઠો સ્થાપિત થઈ ગઈ. આખા ભારતમાં આવી બાવન શક્તિપીઠો છે. એવું કહેવામાં આવે છે કે દેવીના દેહની જમણા પગની આંગળી આ જ્ગ્યા પર પડી હતી. તેથી અહીં આ શક્તિપીઠની સ્થાપના થઈ હતી.

આ ઉપરાંત એક બીજી દંતકથા પણ પાવાગઢ સાથે જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે આ પર્વત પર વર્ષો પૂર્વે વિશ્વામિત્રે મહાકાળીની આરાધના કરી હતી અને તેમની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે.
W.DW.D

આ સિવાય પણ ઘણી બધી દંતકથાઓ પાવાગઢ સાથે જોડાયેલી છે. જેમકે એવું પણ માનવામાં આવે છે કે એક વખત મહાકાળી મા એ મનુષ્યનું રૂપ ધારણ કરીને નવરાત્રિ મહોત્સવ દરમિયાન રાજમહેલમાં ગવાઈ રહેલા ગરબામાં ભાગ લેવા માટે આવ્યાં તો તેમના સૌદર્યને જોઈને રાજા પતાઈ અંજાઇ ગયા6 અને તેઓએ દેવીનો પાલવ પકડીને તેને પોતાની સાથે રાજમહેલમાં જવા માટે કહ્યું તો દેવીએ તેના પર કોપાયમાન થઈ ગયાં અને તેને શ્રાપ આપી દિધો કે તારા રાજનો નાશ થશે. દેવીના શ્રાપના કારણે રાજાના રાજપાઠનો થોડાક સમયમાં નાશ થયો.

પાવાગઢ ફક્ત હિંદુઓનું જ ધાર્મિક સ્થળ નથી પરંતુ મુસ્લીમ અને જૈનોનું પણ ધાર્મિક સ્થાન છે. પાવાગઢમાં કરાયેલ પ્રાચીન કારિગરી હજું પણ જોવા મળે છે. અને આ બધું જ બાંધકામ ઇસ્લામી શાસનકાળ દરમિયાન થયેલું છે. તેમાં જુમા મસ્જીદનો પણ સમાવેશ થાય છે. આ મસ્જીદ તેની નકશીકામના કારણે આખા જગતમાં પ્રસિધ્ધ છે.
W.DW.D

શ્રી લકુલીશ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં છે. આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ આવેલો છે જે (ગંગા, જમુના અને સરસ્વતી) શુધ્ધ પાણીના સંગ્રહણ માટે બંધાયેલો છે. માતાજીના મંદિરની સામે રાજા પતાઈનો મહેલ આવેલો છે. જે એક જમાનામાં રાજવીઓનો મહેલ ગણાતો હતો.પાવાગઢમાં પગથિયાવાળી વાવ સ્વરૂપે ઓળખાતી એકમાત્ર ઈમારત અત્યારે છે. આ વાવ લગભગ ચાર માળની છે. અને તેની લંબાઈ 190 ફૂટ છે અને પહોળાઈ 10 ફૂટ છે.

પાવગઢમાં નવરાત્રિ દરમિયાન ભારે ભીડ જોવા મળે છે. પાવાગઢનું ધાર્મિક મહ્ત્વ પણ ખુબ જ છે. ઘણાં લોકો અહીં ચાલતાં પગપાળા પણ આવે છે. અહીં ખુબ જ શ્રધ્ધાથી આવનાર દરેકની ઇચ્છા મા અવશ્ય પૂર્ણ કરે છે. પહેલાં તો અહી પગથિયા ચડીને જ જવું પડતું હતું પરંતું હવે તો રોપ વે ની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. તેથી હવે માતાજીનાં દર્શન કરવા ખુબ જ સરળ થઈ ગયાં છે.

ગુજરાતના આ રળિયામણા અને ધાર્મિક સ્થળની મુલાકાત લેવા માટે ગુજરાત સરકારે ઘણી બસની પણ વ્યવ્સ્થા કરી છે. આ સ્થળ વડોદરાથી માત્ર 49 કિ.મી. નાં અંતરે આવેલું છે. પાવાગઢ સાથે રાજ્યાના બધા જ ધોરીમાર્ગો સંકલયેલા છે તેથી ત્યાં પહોચવું ખુબ જ સરળ છે.

પહેલાં ત્યાં ટ્રેન માર્ગે પણ પહોચાતું હતું પરંતુ તાજેતરમાં સરાકારે આ ટ્રેન બંધ કરી દીધી છે. હવે ત્યાં પહોચવા માટે ફક્ત એક ધોરીમાર્ગ જ છે.