ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 11 માર્ચ 2014 (18:30 IST)

એક જ દિવસમાં ૩,૩૦,૦૦૦ મતદારો વધ્યા

P.R


ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે મતદારયાદીમાં નામ નોંધણી માટે તમામ મતદાન મથકોમાં અધિકારીઓ અને કર્મચારીઓને ફોર્મ સાથે બેસાડી ઝુંબેશ આદરવામાં આવેલ જેને ગુજરાતમાં પ્રચંડ પ્રતિસાદ મળ્‍યો છે. એક જ દિવસમાં ૩,૩૦,૦૦૦ જેટલા લોકોએ મતદાર બનવા માટે ફોર્મ ભર્યા છે. જેમાં લગ્ન થઈ જવાથી અન્‍ય જિલ્લામાં ગયેલ હોય અથવા નવોદિત મતદાર હોય પણ નામ નોંધણી બાકી હોય તેવા મતદારોનો મોટા પ્રમાણમાં સમાવેશ થાય છે. તમામ ફોર્મ ચકાસણીને અંતે નિર્ણય પાત્ર બનશે.

ગુજરાતમાં છેલ્લી આંકડાકીય માહિતી મુજબ ૩ કરોડ, ૯૮ લાખ જેટલા મતદારો હતા. ગઈકાલની ઝુંબેશથી સવા ત્રણ લાખ જેટલા નવા ફોર્મ આવ્‍યા છે. જેણે પુરાવા સાથે જોડેલ હોય અને ચૂંટણી પંચના નીતિનિયમ મુજબ મતદાર બનવા લાયક હોય તે તમામની મતદાર તરીકે નોંધણી થઈ જશે. ગુજરાતના કુલ મતદારોનો આંકડો ૪ કરોડને વળોટી જવાની ધારણા છે. ચૂંટણી પંચે તા. ૧ જાન્‍યુઆરી ૨૦૧૪ના રોજ જેને ૧૮ વર્ષ પુરા થઈ ગયા હોય તેવા તમામ લોકોને મતદાર બનવાની અરજી કરવા પાત્ર ગણ્‍યા છે. ગઈકાલે રાજયના તમામ મતદાન મથકોમાં મતદાર નોંધણી પ્રક્રિયા માટે વ્‍યવસ્‍થા કરવામાં આવેલ. લોકોને પોતાના ઘરથી એકદમ નજીકમાં જ જઈ મતદાર બનવાની પ્રક્રિયા કરવાની તક મળેલ. હવે પછી ચૂંટણીનું જાહેરનામુ બહાર પડે ત્‍યાં સુધી (૨ એપ્રિલ) સુધી નજીકની મામલતદાર કચેરી કે સહાયતા કેન્‍દ્રમાં જઈ લોકો મતદાર તરીકે નામ નોંધણી કરાવી શકશે કે નામમા ભૂલ હોય તો સુધારો કરાવી શકશે.

ગુજરાતમાં કુલ ૬ કરોડથી વધુ વસ્‍તી છે. જેમાંથી ૪ કરોડ જેટલા મતદારો છે. ગુજરાતના યુવાનોમાં મતદાર બની મતદાન કરવાનું આકર્ષણ વધી રહ્યુ છે તે લોકશાહી માટે શુભ સંકેત છે.