મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ : , બુધવાર, 30 એપ્રિલ 2014 (15:21 IST)

ગુજરાતમાં બપોરે 2 સુધી 35 ટકા મતદાન

દેશમાં 16મી લોકસભાની રચના માટે આજે ગુજરાતની 26  સહિત દેશની 89 બેઠકો  માટે સાતમા તબક્કાના મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સવારના પહોરમાં રાજ્યના ઘણા મતદાન મથકો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી પરંતુ 10 વાગતાં જ સુરજદાદાએ પોતાનો પ્રકોપ દેખાડવાનું શરૂ કરતાં મત આપવાં આવતાં લોકોની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે.પ્રથમ ત્રણ કલાકમાં સરેરાશ 15 ટકાથી વધુ મતદાન થઈ ગયાનું જાણવા મળે છે.
 
ભાજપ તરફથી નરેન્‍દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હોવાથી સમગ્ર દેશનું ધ્‍યાન ગુજરાત તરફ ખેંચાયુ છે. ગુજરાતમાં ભાજપ 26 અને કોંગ્રેસ 25 બેઠકો પર લડે છે. પોરબંદરની એક બેઠકમાં એનસીપી અને ભાજપ વચ્‍ચે જંગ છે. કેટલીક જગ્‍યાએ આમ આદમી પાર્ટીએ મજબૂત ઉમેદવારો ઉભા રાખ્‍યા છે. આ લખાય છે ત્‍યાં સુધીમાં છૂટાછવાયા બનાવોને બાદ કરતાં રાજ્‍યભરમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યુ છે. 
 
ગુજરાતમાં લોકસભા સામાન્‍ય ચૂંટણી 2014મા 26 બેઠકો માટે 413 ઉમેદવારો અને સાત વિધાનસભાના મતદાન વિભાગની પેટા ચૂંટણીમાં 104 ઉમેદવારો મેદાનમાં છે. ગેરરીતિ કે બોગસ વોટીંગ ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી વિવિધ માર્ગદર્શક સૂચનાઓનો ચૂંટણીઓમા ચૂસ્‍ત અમલ કરવામા આવી રહ્યો છે. ગાંધીનગર મત વિભાગના વીવીપીએટીનો ઉપયોગ થઈ રહ્યો છે એટલે કે મતદારે જેને મત આપ્‍યો હતો તેને મત મળી ગયાની પહોંચ મળે છે. 
 
રાજ્યમાં બપોરે 2 વાગ્યા સુધી થયેલા મતદાનન પર નજર કરીએ તો અમદાવાદ પૂર્વમાં 42 ટકા, અમદાવાદ પશ્ચિમમાં 30 ટકા, જૂનાગઢમાં 35 ટકા, ખેડામાં 38 ટકા, સુરેન્દ્રનગરમાં 34 ટકા, કચ્છમાં 37 ટકા, સુરતમાં 40 ટકા, વડોદરામાં 52 ટકા, ભરૂચમાં 33 ટકા, ભાવનગરમાં 36, રાજકોટ 37 ટકા, પોરબંદર 29 ટકા, સાબરકાંઠા 48 ટકા, તાપી 40 ટકા, છોટા ઉદેપુર 47, કચ્છ 35 ટકા, પાટણ 32 ટકા, બોરડોલીમાં 40  ટકા મતદાન થયું હોવાના અહેવાલ છે.
 
છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો 42-43 ડિગ્રી સુધી પહોંચ્યો છે અને આજ રોજ ગરમી વધીને ૪૪ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાને જોતા તેની મતદાન પર સીધી અસર પડવાની સંભાવના જોવાઇ રહી છે. જોકે તેમ છતાં ગુજરાતમાં 70 ટકાની આસપાસ મતદાન થશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.