શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 14 એપ્રિલ 2014 (12:21 IST)

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ૧૫૭ જેટલા અપક્ષ ઉમેદવારો બનશે વિલન

ગુજરાતમાં ૧૯૬૭ પછી એક પણ અપક્ષ ઉમેદવાર જીત્યો નથી

ગુજરાતમાં પહેલી ત્રણ લોકસભાની ચૂંટણી બાદ અપક્ષોની બોલબાલ બંધ થઇ ગઇ હતી. આઝાદી બાદ સમાજમાં પોતાની આગવી શાખ ઉભી કરનારા અગ્રણીઓ પાર્ટી સિમ્બોલને બદલે પોતાની અંગત શાખને દાવ પર લગાવીને ચૂંટણીમાં ઝૂકાવતા હતા પરંતુ ૧૯૭૧ બાદ રાજ્યમાં અપક્ષોનું કામ માત્ર શાસક કે વિપક્ષના ઉમેદાવારનો ખેલ બગાડવાનું જ રહ્યું છે. રાજ્યમાં ૩૦મી એપ્રિલે યોજોનારી ૨૬ બેઠકોની ચૂંટણીમાં આ વખતે ૧૫૭ જેટલા અપક્ષોના રાફડો ફાટ્યો છે. જ્ઞાતિવાદના ઝેરમાંથી જીતની મલાઇ ખાવા માટે જે જ્ઞાતિના વર્ચસ્વવાળા આગેવાનને મેદાનમાં લાવીને મુખ્ય રાજકીય પક્ષો જીત મેળવવવા મથતા હોય છે. ગત લોકસભાની ચૂંટણીમાં કુલ ૩૫૯ જેટલા ઉમેદવારોમાંથી ૧૭૬ જેટલા ઉમેદવારો અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યા હતા.
 
ગત લોકસભા-૨૦૦૯ અને આવનારી ૨૦૧૪ની ચૂંટણીમાં અપક્ષોનો માયાવી ખેલ જોઇએ તો, ભાજપાના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે વડોદરામાં એક પણ અપક્ષ ઉમેદવાર ઉભા રહ્યા નથી જ્યારે આ જ બેઠક પર ૨૦૦૯ ની ચૂંટણીમાં સાત અપક્ષો જંગે ચડ્યા હતા એવી જ રીતે રાજકોટમા ગઇ વખતે ૧૬ ની સામે આજે સાત, કચ્છ બેઠક પર ગઇ વખતે નવ હતા જ્યાં આ વખતે એક પણ અપક્ષ મેદાનમાં નથી, ગાંધીનગર બેઠક પર ગત ચૂંટણીમાં ૧૧ હતા જ્યારે ૨૦૧૪માં ૧૦, અમદાવાદ પૂર્વમાં સાત હતા જે ઘટીને પાંચ, અમદાવાદ પશ્ર્ચિમમાં સાત હતા જે ચાર થયા છે. સુરત બેઠક પર છ હતા જે હવે બે થયા છે. નવસારીમાં સાત હતા જે વધીને ૧૦, પોરબંદર બેઠક પર ત્રણ હતા જે વધીને ૯ થયા છે. આણંદમાં અપક્ષોમાં ઘટાડો થયો છે, ૨૦૦૯માં ૯ હતા તે ૨૦૧૪માં ઘટીને સાત, બારડોલીમાં પાંચને બદલે બે, બનાસકાંઠામાં ગયા વખતે અને આ વખતે સરખા એટલે કે નવ અપક્ષોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. પાટણ બેઠક પર નવ હતા જે ઘટીને સાત અને સુરેન્દ્રનગર બેઠક પર ૧૩માંથી ઘટીને ૧૧, રાજકોટ બેઠકમાં ૧૬ હતા જે ઘટીને સાત, જામનગરમાં ગત ચૂંટણીમાં ૧૪ હતા જે આ વખતે
 
વધીને ૧૮ થયા છે. ખેડા બેઠક પર ૨૦૦૯માં પાંચ હતા જે ૨૦૧૪માં નવ થયા છે. વલસાડમાં ૨૦૦૯ અને ૨૦૧૪ એમ બંને ચૂંટણીમાં એક એક અપક્ષ મેદાનામાં હતા. એવી જ રીતે મહેસાણા બેઠક પર ગત ચૂંટણીમાં છ હતા તે આ વખતે ચાર અને સાબરકાંઠા બેઠક પર છ ની જગ્યા આ વખતે પાંચ અપક્ષો મેદાનમાં ઉતર્યા છે જ્યારે જૂનાગઢ બેઠક પર ગત ચૂંટણીમાં સાત હતા જે આ વખતે ત્રણ, અમરેલીમાં આઠની જગ્યા સાત, પંચમહાલ બેઠક પર ત્રણ હતા જે છ અને છોટા ઉદેપુર બેઠક પર એક હતા જે આ વખતે વધીને ચાર અપક્ષો થયા છે. ભરૂચ બેઠકમાં ૨૦૦૯ની ચૂંટણીમાં પાંચ હતા જે હવે ૨૦૧૪માં વધીને સાત અને ભાવનગરમાં સાત હતા જે વધીને આ વખતે ૧૨ અપક્ષો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
 
૧૯૫૧ અને ૧૯૫૬ અને ૧૯૬૭ની ચૂંટણીઓમાં ચાર અપક્ષો જીત્યા હતા , મહા ગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુ લાલ યાજ્ઞિક અમદાવાદ બેઠક પરથી અપક્ષ તરીકે જીત્યા હતા જ્યારે આ જ અરસામાં મહેસાણા અને પાટણ ખેડા બેઠકો તથા અમદાવાદની અનામત કેટેગરીની બેઠક પર અપક્ષો જીતતા રહ્યા હતા જ્યારે ત્યારબાદ એક પણ ચૂંટણીમાં અપક્ષો જીત્યા નથી. જીતવા કે હારવા નહીં પણ શાસક કે વિપક્ષના ઉમેદાવારને માત્ર હરાવવા કે જીતાડવાનું એક બળૂકુ રાજકીય સાધન ગણાતા અપક્ષોએ છેલ્લી બે ચૂંટણીમાં સાત થી આઠ બેઠકોના હારજીતની સમીકરણોને અસર કરી હતી. રાજ્યમાં જામનગરની બેઠક ઉપર ૨૫ ઉમેદવારો અને નવસારીની બેઠક પર સૌથી વધુ ૧૯ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે જ્યારે ગાંધીનગર બેઠક પર ૧૮ ઉમેદવારો, સુરેન્દ્રનગરની બેઠક પર ૧૭ ઉમેદવારો, ભાવનગર, આણંદ અને ખેડાની બેઠકો પર ૧૫-૧૫ ઉમેદવારો મેદાનમાં છે.
------------------------