ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 4 ફેબ્રુઆરી 2014 (18:01 IST)

ચૂંટણી પછી બાબા રામદેવ કો ભી ઢુંઢતે રહ જાએંગે?

નરેન્દ્ર મોદી બાબાને અત્યારે બરાબર ખીલવા દેશે પછી કદ પ્રમાણે વેતરી નાખશે

P.R
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બહુ સારી રીતે જાણે છે કે કોનો, ક્યારે, કેમ ઉપયોગ કરીને ફેંકી દેવા. ર૦૦રની ચૂંટણીથી લઈને અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ જેવી સંસ્થાના સંતો, નેતાઓનો હંમેશા ભરપુર ઉપયોગ કરીને તેઓને ખુણામાં ધકેલી દીધા છે. હવે બાબા રામદેવને હાથ પર લીધા છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયે બાબા રામદેવ ક્યાં ખોવાઈ જશે તેની ખુદ બાબા રામદેવને જાણ નહીં થાય.

માણસને પારખવામાં નરેન્દ્ર મોદી પાવરધા છે. તેઓ દરેક વ્યક્તિને જોઈને ઓળખી જાય છે કે તે વ્યક્તિમાં રહેલી શક્તિનો ક્યાં ઉપયોગ કરવો. આ શક્તિ પીછાણ્યા બાદ નરેન્દ્ર મોદી તે વ્યક્તિને હાથમાં લે છે. તેઓને પુરા ખીલવા દે છે, જ્યાં જરૃર હોય ત્યાં તેનો ઉપયોગ થઈ જાય પછી તેને કદ પ્રમાણે વેતરી નાખે છે.

ભારતની સંત પરંપરાના કેટલાય આગેવાનો અને નેતાઓ મોદીની આ શક્તિના કારણે હાલ ખોવાઈ ગયા છે. ર૦૦રની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીથી શરૃ કરીને અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ કોઈને કોઈ સંતનો ઉપયોગ કર્યો છે. ર૦૦રની ચૂંટણીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ જેવી સંસ્થાઓના કાર્યકરોનો તો ભરપૂર ઉપયોગ કર્યો જ. પરંતુ વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય નેતા અશોક સિંઘલ, પ્રવિણ તોગડિયા સહિતનાને બરાબરના હાથ પર લીધા.

તેઓને તેમની લાયકાત કરતાં વધારે ભાવ આપ્યો. આ નેતાઓ એમ જ સમજવા માંડયા હતા કે બસ નરેન્દ્ર મોદી જ એક છે જેઓએ તેઓની કદર કરી. હવે તેમની સાથે કાયમનો નાતો બંધાઈ ગયો. પરંતુ ર૦૦રની ચૂંટણી પૂર્ણ થઈ કે આ બન્ને નેતાઓને ધીમે-ધીમે કદ પ્રમાણે વેતરવાનું શરૃ કર્યું. ર૦૦૪ની લોકસભાની ચૂંટણીમાં અને તેના પછીના વર્ષોમાં તો એવી સ્થિતિ કરી નાખી કે કોઈ તેમનું ભાવ પુછતું બંધ થઈ ગયું.

બાદમાં ર૦૦૭ની ચૂંટણીમાં ફરી આચાર્ય ધર્મેન્દ્રજી મહારાજને નરેન્દ્ર મોદીએ હાથ પર લીધા. તેમના દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુવાદી કાર્યકરો અને નેતાઓને ર૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમાં બરાબર દોડાવ્યા. આચાર્ય ધર્મેન્દ્રજી મહારાજની ગુજરાત મુલાકાતો અચાનક ખુબ વધી ગઈ. તેમને પણ એમ લાગવા માંડયું હતું કે હવે નરેન્દ્ર મોદી તેમની સાથે છે એટલે તેઓ આજીવન રાષ્ટ્રીય સંત તરીકે પુજાતા રહેશે.

પરંતુ જેવી ચૂંટણી પૂર્ણ થઈ અને નરેન્દ્ર મોદી જીતી ગયા એટલે આચાર્ય ધર્મેન્દ્રજી મહારાજનું સ્થાન કે મહત્વ વધવાના બદલે હતું તે પણ ઓછું થઈ ગયું અને તેમને પણ ખુણામાં ધકેલી દેવાયા.
હવે નરેન્દ્ર મોદીને સમજાઈ ગયું છે કે જો ભારતના વડાપ્રધાન બનવું હોય તો હાલ બાબા રામદેવનો સહકાર જરૃરી છે. યોગના નામે સમગ્ર દેશમાં બાબા રામદેવના નામનો સિક્કો ટનાટન રીતે ચાલે છે. બાબા રામદેના લાખો યોગ અનુયાયીઓ છે. જો તેઓને સાથે લઈ લેવાય તો આ યોગ સાધકોનો પોતાની તરફેણમાં મતદાન માટે ખુબ મોટો ઉપયોગ થઈ શકે. આથી છેલ્લા બે વર્ષથી નરેન્દ્ર મોદીએ બાબા રામદેવને જરૃર કરતાં અનેકગણું મહત્વ આપવા માંડયું છે.

નરેન્દ્ર મોદીના ધાર્યા નિશાન પ્રમાણે અંતે આજે બાબા રામદેવે ખુલ્લેઆમ જાહેરાત કરી દીધી કે તે અને તેમના કરોડો અનુયાયીઓ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા ચૂંટણી સુધી તનતોડ મહેનત કરશે. પરંતુ ચૂંટણી પછી શું? તેની બાબા રામદેવને જાણ નથી. આજે અમદાવાદ મેમનગર ગુરૃકુળ ખાતે સંમેલનમાં ભાગ લેવા આવેલા બાબા રામદેવના ચુસ્ત અનુયાયીઓમાં ચર્ચાતું હતું કે રામદેવજી મહારાજ યોગનું કાર્ય મુકીને રાજકારણના રવાડે ખોટા ચડી ગયા છે. તેઓ નરેન્દ્ર મોદીને ઓળખતાં નથી. જેવી લોકસભાની ચૂંટણી પૂર્ણ થશે એટલે બાબા ક્યાં ખોવાઈ જશે તેની ખુદ બાબાને પણ જાણ નહીં થાય.