ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , શુક્રવાર, 7 માર્ચ 2014 (11:54 IST)

જો મોદી મારી બેઠક પરથી લડશે તો લાખો મતથી જીતશેઃ સાંસદ હરીન પાઠક

P.R
પૂર્વ લોકસભાની બેઠક પરથી નરેન્દ્ર મોદી ચૂંટણી લડી શકે છે. બીજી તરફ આ બેઠકના પ્રબળ દાવેદાર હરીન પાઠકે પણ ચૂંટણી નિરિક્ષકોને રજૂઆતો કરી છે. તો અમદાવાદ પૂર્વ બેઠકના ચૂંટણી નિરિક્ષક વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ બેઠક ઉપર ભાજપના આગેવાનોની માંગ છે કે મોદી ચૂંટણી લડે.

અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠક ઉપર ભાજપ પોતાના ઉમેદવાર નક્કી કરવા માટે ચૂંટણી નિરિક્ષકોની બેઠક મળી હતી. પૂર્વની બેઠકના આગેવાનો અને દાવેદારોએ ચૂંટણી નિરિક્ષક સમક્ષ પોતાની રજૂઆતો કરી હતી. મહત્વનું છે કે અમદાવાદ પૂર્વની બેઠક પરથી ભાજપના હરીન પાઠક સતત સાત વખત જીતતા આવ્યા છે, અને આ બેઠક પર હરીન પાઠક જ પ્રબળ દાવેદાર છે. ત્યારે ચૂંટણી નિરિક્ષક વિજય રૂપાણીએ આ બેઠક પરથી મોદી ચૂંટણી લડે તેવી આગેવાનોની માંગ હોવાનું જણાવ્યું છે.

વિજય રૂપાણીના જણાવ્યા અનુસાર આ બેઠક ઉપર સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓની એક જ માંગ છે કે મોદી ચૂંટણી લડે. જો નરેદ્ર મોદી અમદાવાદ પૂર્વમાંથી ચૂંટણી લડશે તો હરીન પાઠકને આ બેઠક ખાલી કરવી પડશે. અને હરીન પાઠકના ટેકેદારોની માંગ છે કે આ બેઠક પરથી હરીન પાઠકને જ ટીકીટ મળવી જોઈએ. ત્યારે આ અંગે હરીન પાઠકે જણાવ્યું હતું કે મોદી માટે મારી સીટની રજૂઆત મેં ત્રણ મહિના પહેલા કરી હતી, અને જો મોદી મારી બેઠક પરથી લડશે તો લાખો મતથી જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી.

પહેલા તો આ બેઠક અંગે હરીન પાઠકે કંઈ પણ કહેવાની ના પાડી હતી. હરીન પાઠકની સાથે તેમના ટેકેદારો પણ ભાજપના શહેર કાર્યાલય ખાતે ઉમટી પડયા હતા. અમદાવાદ પૂર્વની બેઠક પરથી મોદી અને હરીન પાઠક સિવાય પણ બીજા કેટલાક ઉમેદાવારોએ પોતાની ઉમેદવારી માટે ઈચ્છા વ્યક્ત કરી છે. જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનાર રોહિત ઠાકોર ઉપરાંત ભાજપના મિડિયા સેલના કન્વીનર હર્ષદ પટેલ અને આસીત વોરા પણ દાવેદાર છે. ત્યારે આ બેઠક કોના ફાળે જાય છે, તે તો ભાજપ હાઈકમાન્ડ જ નક્કી કરશે.