ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|

દેશભરમાં આમ આદમી પાર્ટીની થઇ રહી છે વાહ-વાહઃ સર્વેક્ષણ

P.R
અમદાવાદ સહિત ભારતના મહાનગરોમાં લોકો આતુરતાથી ઈચ્છે છે કે આમ આદમી પાર્ટી 'આપ' હવે રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વની ભૂમિકા ભજવે અને લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં 'આપ' મોટું કાઠું કાઢે. જોકે બહુમતી મત એવો પ્રવર્તે છે કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે કેજરીવાલ કરતાં વધુ સારી કામગીરી બજાવશે અને બહુમતી ૫૮ ટકા લોકો મોદીને વડા પ્રધાન તરીકે જોવા ઈચ્છે છે. જ્યારે રાહુલ ગાંધી દૂરના ત્રીજા સ્થાને વડા પ્રધાન તરીકે લોકોની પસંદગી ધરાવે છે. એવું એક સર્વેક્ષણ અહેવાલમાં જણાવાયું છે.

અમદાવાદ, દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરું, હૈદરાબાદ અને પુણે જેવાં મહાનગરોમાં હાથ ધરાયેલ સર્વેક્ષણના આ તારણો છે. માર્કેટ રિસર્ચ એજન્સી આઈપીએસઓએસ દ્વારા આ ઓપિનિયન પોલ હાથ ધરવામાં આવી હતી. આ સર્વેક્ષણમાં એવું બહાર આવ્યું છે કે તેમાં ભાગ લેનારા ત્રીજા ભાગના લોકોએ એવું જણાવ્યું હતું કે 'આપ' ૨૬-૫૦ બેઠકો જીતશે. જ્યારે બીજા ૨૬ ટકા લોકોનું એવું માનવું છે કે 'આપ' ૫૧થી ૧૦૦ બેઠક જીતી શકે છે. જ્યારે પાંચ ટકા લોકોએ સર્વેક્ષણમાં એવું જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં 'આપ'ને બહુમતી મળે તો નવાઈ પામશો નહીં, પરંતુ બધા મળીને એવું માને છે કે ૨૦૦૯માં કોંગ્રેસ અને ભાજપને જેટલી બેઠકો મળી હતી તેને બાદ કરતા અન્ય કોઈ પણ પક્ષ કરતા 'આપ'ને લોકસભાની ચૂંટણીમાં વધુ બેઠકો મળશે.

૪૪ ટકા લોકોએ એવું જણાવ્યું હતું કે જો તેમના મત ક્ષેત્રમાં આપના ઉમેદવાર હશે તો તેઓ 'આપ'ને જ મત આપશે. જ્યારે બીજા ૨૭ ટકા લોકો એેવું જણાવ્યું હતું કે તેમની વોટિંગ પેટર્ન ઉમેદવાર પર આધારિત હશે. પરંતુ એકંદર પ્રવાહ જોતા એવું લાગે છે કે 'આપ'ની ચૂંટણી તકો ઘણી ઊજળી છે. વડા પ્રધાનપદ માટેની પસંદગી અંગે સર્વેક્ષણમાં પૂછતાં ૫૮ ટકા લોકોએ વડા પ્રધાનપદ માટે પસંદગીનો કળશ મોદી પર ઢોળ્યો છે. જ્યારે 'આપ' દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે કેજરીવાલ વડા પ્રધાનપદની રેસમાં નથી તેમ છતાં ૨૫ ટકા લોકોએ કેજરીવાલને વડા પ્રધાન તરીકે પસંદ કર્યા છે અને માત્ર ૧૪ ટકા લોકો એવું માને છે કે રાહુલ ગાંધી વડા પ્રધાન તરીકે શ્રેષ્ઠ હશે. ચેન્નઈ અને મુંબઈમાં લોકો મોદી કરતા કેજરીવાલને વડા પ્રધાન તરીકે વધુ પસંદ કરે છે અને મોદીની હોમ પીચ અમદાવાદમાં ૩૧ ટકા લોકો એવું માને છે કે કેજરીવાલ વડા પ્રધાન તરીકે શ્રેષ્ઠ પસંદગી રહેશે.

'આપ'ના દેખાવને કારણે સૌથી વધુ અસર ચૂંટણીમાં ક્યા પક્ષને પડશે તે બાબતે સર્વેક્ષણમાં ભાગ લેનારાઓ વચ્ચે મતભેદો પ્રવર્તે છે. ત્રીજા ભાગ કરતા ઓછા લોકોએ એવું જણાવ્યું છે કે સૌથી વધુ અસર ભાજપને થશે. જ્યારે ૨૫ ટકા લોકોએ એવો મત વ્યક્ત કર્યો છે કે કોંગ્રેસને અસર પહોંચશે. જ્યારે આટલી સંખ્યામાં લોકોએ એવો મત વ્યક્ત કર્યો છે કે 'આપ'ના કારણે રાષ્ટ્રીય પક્ષોને સરખી અસર થશે. જ્યારે જ્યાં બે પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ છે એવા ચેન્નઈમાં ૪૪ ટકા લોકોનું માનવું છે કે સૌથી વધુ અસર પ્રાદેશિક પક્ષો ઉપર પડશે.

'આપ'ની ચૂંટણીકીય તકો સારી છે લોકો આવું કેમ માને છે? સર્વેક્ષણમાં જે બે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેના જવાબો પરથી પણ આ પ્રશ્નનો જવાબ મળી જશે. ૫૦ ટકા લોકો એવું માને છે કે 'આપ' અન્ય પક્ષોથી બહુ અલગ નથી. જ્યારે ૨૪ ટકા એવું માને છે કે 'આપ' અન્ય પક્ષોને તેમનું રાજકારણ સુધારવાની ફરજ પાડી રહ્યું છે. જ્યારે ૨૬ ટકા જેવા લોકો એવું માને છે કે 'આપ' હવે અન્યથી અલગ છે, પરંતુ તેમને આ છાપ ટકાવી રાખતાં મુશ્કેલી પડશે.

જ્યારે સર્વેક્ષણમાં પૂછવામાં આવ્યું કે તેમને 'આપ' આટલી બધી અપીલ કેમ કરે છે ત્યારે ૪૦ ટકા લોકોએ એવું જણાવ્યું કે 'આપ' આમ આદમીના પ્રશ્નો અને સમસ્યાઓ પ્રત્યે ધ્યાન આપવા સંનિષ્ઠ પ્રયાસો કરી રહી છે. જ્યારે બીજા ૩૫ લોકોએ એવું જણાવ્યું કે 'આપ'માં એવા પ્રમાણિક લોકો છે જેઓ ભ્રષ્ટાચારને નાબૂદ કરી નાંખશે અને ૨૪ ટકા લોકોએ એવું જણાવ્યું કે 'આપ' કોઈ પણ નિર્ણય લેવાની પ્રક્રિયામાં લોકોને સામેલ કરે છે એ મહત્ત્વની વાત છે.

સર્વેક્ષણ ૪૪ ટકા લોકોએ જણાવ્યું કે 'આપ' ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાં મદદ કરશે અને બીજા ૨૯ ટકા લોકોનું એવું માનવું છે કે 'આપ' સંપૂર્ણપણે ભ્રષ્ટાચારને જળમૂળથી નાબૂદ કરી શકશે.

દિલ્હીમાં 'આપ' સરકારે તેના ટૂંકા સમયમાં જે નિર્ણયો લીધા તેનાથી 'આપ'ની છબી વધુ સારી બની છે અને ૭૦ ટકા લોકોએ એવું જણાવ્યું કે દિલ્હીમાં તેઓ 'આપ'ની કામગીરીથી પ્રભાવિત થયા છે. દિલ્હીમાં આ આંકડો ૮૩ ટકાનો હતો. જેઓ 'આપ'ની કામગીરીથી પ્રભાવિત થયા છે, પરંતુ અન્યત્ર પણ આ આંકડો ૬૦ ટકા કરતા ઓછો જોવા મળ્યો નથી. દિલ્હીમાં વિના મૂલ્યે પાણીનો પુરવઠો અને રાહતના દરે વીજળી આપવા જેવાં પગલાંઓ આર્થિક રીતે બેજવાબદાર છે કે તેવા પ્રશ્નોના ઉત્તરમાં બહુમતી લોકોએ એવું જણાવ્યું હતું કે આ પગલા આર્થિક રીતે બેજવાબદાર નથી. જોકે મુંબઈમાં ૬૦ ટકા લોકોનું એવું માનવું છે કે આ પ્રકારના યોગ્ય પગલા બેજવાબદાર છે. આ સંદર્ભમાં ૬૧ ટકા લોકો 'આપ'ને આર્થિક વિકાસ માટે સારા પક્ષ તરીકે જુએ છે જ્યારે ૨૭ ટકા લોકો 'આપ'ને આર્થિક વિકાસ માટે નકારાત્મક ગણે છે.