ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 8 માર્ચ 2014 (16:21 IST)

કેજરીવાલ નરેન્‍દ્ર મોદી સામે ચૂંટણી લડી બતાવેઃ અમિત શાહ

P.R
ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીના વિકાસના દાવા ઉપર પ્રશ્‍નો ઉઠાવી રહેલા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ઉપર મોદીના નજીક સાથી અમિત શાહે જવાબી પ્રહાર કર્યા છે. અમિત શાહે કેજરીવાલને ગુજરાતમાં મોદીની સામે લોકસભાની ચૂંટણી લડવા માટે પડકાર ફેંકી દીધો છે. અમિત શાહે કહ્યું છે કે જો ગુજરાતમાં વિકાસની સ્‍થિતિ નથી તો કેજરીવાલ ત્‍યાંથી મોદીની સામે ચૂંટણી મેદાનમાં ઉતરે. બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ કહ્યું છે કે જો મોદી ગુજરાતમાંથી પણ ચૂંટણી લડશે તો કેજરીવાલ તેમની સામે મેદાનમાં ઉતરે. મોદી ક્‍યાંથી ચૂંટણી લડશે તે અંગે પૂછવામાં આવેલા પ્રશ્‍નના જવાબમાં શાહે કહ્યું હતું કે આ અંગે ભાજપ સંસદીય બોર્ડ દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ વચ્‍ચે જોરદાર ચર્ચાઓ થઈ હતી. શાહે આક્ષેપ કર્યો હતો કે આમ આદમી પાર્ટી હકીકતમાં કોંગ્રેસવતી ઊભી કરવામાં આવેલી પાર્ટી છે. કારણ કે હવે આ પાર્ટી ભાજપ સાથે ટક્કર લેવાની સ્‍થિતિમાં નથી. સિસોદિયાએ કહ્યું હતું કે તેમની પાર્ટી બે વર્ષથી કોંગ્રેસની સામે લડી રહી છે. હવે દેશમાં પરિવર્તનની વાત થઈ રહી છે ત્‍યારે ભાજપના લોકો પણ લાભ લેવાના પ્રયાસમાં છે. કોંગ્રેસના નેતા દિગ્‍વિજયસિંહે કહ્યું હતું કે ગુજરાત સરકારના અનેક પ્રધાનોની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ છે. આના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે ભ્રષ્ટાચારની વાત કરનાર કોંગ્રેસના નાયબ અધ્‍યક્ષ રાહુલ ગાંધી ગુરુવારના દિવસે જ આદર્શ કૌભાંડમાં આરોપી રહેલા અશોક ચૌહાણ સાથે હાથ મિલાવતા નજરે પડયા હતા. આ કાર્યક્રમમાં કેજરીવાલે કહ્યું હતું કે મોદી સામે તેઓ લડશે કે કેમ તે અંગે મોડેથી નિર્ણય કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્‍યા બાદથી જુદા જુદા રાજકીય પક્ષો વચ્‍ચે તીવ્ર સ્‍પર્ધા થઈ રહી છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી ઉપરાંત અન્‍ય રાજકીય પક્ષો પણ નવી નવી ચૂંટણી વ્‍યૂહરચના તૈયાર કરીને હરીફ પાર્ટીઓને મુશ્‍કેલીમાં લેવા પ્રયત્‍ન કરી રહ્યા છે. અમિત શાહે હવે જડબાતોડ જવાબ આપ્‍યો છે.