ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 25 એપ્રિલ 2014 (17:50 IST)

ગુજરાતમાં જો 50 ટકા કે તેથી વધુ મતદાન થાય તો ભાજપને 20 કે તેથી વધુ બેઠકો મળે

ભારતીય જનતા પાર્ટીએ ૧૬મી લોકસભાની ચૂંટણીમાં રાજ્યની તમામ ૨૬ બેઠક જીતવાનો લક્ષ્યાંક બનાવ્યો છે. રાજ્યમાં યોજાયેલી છેલ્લી બંને લોકસભાની ચૂંટણીના આંકડા પર નજર કરવામાં આવે તો ભાજપ માટે તમામ ૨૬ બેઠક પર વિજય મેળવવો લોઢાના ચણા ચાવવા સમાન જણાઇ રહ્યો છે. આ ઉપરાંત અન્ય એક રસપ્રદ વાત એ સામે આવી છે કે ગુજરાતમાં જ્યારે પણ ૫૦ ટકા કરતાં વધારે મતદાન થયું છે ત્યારે ભાજપ ૨૦ બેઠક મેળવવામાં સફળ રહ્યું છે.
 
ગુજરાતમાં ભાજપ ૧૯૯૧ અને ૧૯૯૯ એમ બે જ વાર ૨૬માંથી ૨૦ બેઠક પોતાને નામે કરવામાં સફળ રહ્યું છે. આ પૈકી ૧૯૯૧માં રામરથ યાત્રા અને ૧૯૯૯માં અટલ બિહારી વાજપેયીના ચહેરાએ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને ૨૦ બેઠક અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. ૧૯૯૧ બાદ ગુજરાતમાં ભાજપના કુલ મતની હિસ્સેદારીમાં ચાર ટકા કરતાં વધુનો ઘટાડો જોવા મળ્યો છે.
 
નરેન્દ્ર મોદી ૨૦૦૨થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ધૂરા સંભાળી રહ્યા છે. આ સમયગાળામાં યોજાયેલી લોકસભાની બે ચૂંટણીમાં ભાજપ અનુક્રમે ૧૪ અને ૧૫ જ બેઠક જીતવામાં સફળ રહ્યું છે. આમ, અગાઉની આ બંને લોકસભાની ચૂંટણીનો દેખાવ ભાજપ માટે ચિંતાજનક ચોક્કસ છે. આ વિષે ગુજરાત ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે '૨૦૧૨ વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય સાથે જ રાજ્યના લોકોને નરેન્દ્ર મોદી પર કેટલો વિશ્વાસ છે તે પુરવાર થયું છે. આ વખતે અમે ૨૦ કરતાં વધુ બેઠક પર વિજય મેળવશું તેવો વિશ્વાસ છે.'

 
૫૦ ટકાથી વધુ મતદાનઃ ભાજપને સફળતા

વર્ષ સરેરાશ મતદાન ભાજપને બેઠક
૧૯૯૧ ૫૦.૪% ૨૦
૧૯૯૬ ૪૮.૫% ૧૬
૧૯૯૮ ૪૮.૩% ૧૯
૧૯૯૯ ૫૨.૫% ૨૦
૨૦૦૪ ૪૭.૪% ૧૪
૨૦૦૯ ૪૬.૫% ૧૫