ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 1 ફેબ્રુઆરી 2014 (11:15 IST)

ચૂંટણી પછી NCP ભાજપને સમર્થન આપશે?

P.R


જેમ-જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે. દેશના રાજકારણમાં રોજ નવા સમિકરણો અને ગઠબંધનો થવા અને તૂટવાની વાતો સંભળાઈ રહી છે. ત્યારે એક સમાચાર પત્રએ શરદ પવાર અને મોદી વચ્ચે થયેલી બેઠકના સમાચાર છાપી નેતાઓને સ્પષ્ટતા કરતા કરી દીધા છે.

એક સમાચાર પત્રએ NCP અધ્યક્ષ શરદ પવાર તથા ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેદ્ર મોદી વચ્ચે ગુપ્ત બેઠક થયાનો દાવો કર્યો છે. સમાચાર પત્રએ દાવો કર્યો છે કે 17 જાન્યુઆરીએ દિલ્હીમાં નરેદ્ર મોદી તથા શરદ પવાર વચ્ચે ગુપ્ત બેઠક થઈ હતી. સમાચાર મુજબ શરદ પવારે નરેદ્ર મોદીને ચૂંટણી પછી સમર્થન આપવાનો વાયદો આપ્યો છે. પરંતુ NCP સુપ્રીમો શરદ પવારે ખુદ જ આ વાતનું ખંડન કર્યુ છે. શરદ પવારે કહ્યું કે તમામ સમાચારો પાયાવિહોણા છે, સાથે જ તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષથી તેઓ નરેદ્ર મોદીને મળ્યા જ નથી. સમાચાર પત્રએ દાવો કર્યો છે કે પવારે મોદીને કહ્યું હતું કે તેઓ લોકસભાની ચૂંટણી કોંગ્રેસ સાથે જ લડશે, પરંતુ ચૂંટણી બાદ સમર્થન ભાજપને આપશે. શરદ પવાર ભલે બેઠકની વાતને નકારતા હોય પરંતુ NCP નેતા પ્રફૂલ્લ પટેલે 2002ના ગુજરાત રમખાણો મામલે મોદીનો બચાવ કર્યો હતો. પ્રફૂલ પટેલે તો કહ્યું હતું કે 2002ના રમખાણો મામલે મોદીને ક્લીનચીટ આપી દીધી છે. તો સુપ્રીમકોર્ટની અધ્યક્ષતાવાળી SITએ પણ મોદીને ક્લીનચિટ આપી દીધી છે. તો આ વિવાદને ખતમ કરી દેવો જોઈએ. તો ડી.પી. ત્રિપાઠીએ મોદીના વખાણ કર્યા હતા. ત્રિપાઠીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી કરતાં મોદીને વધારે અનુભવ છે. અને ત્રિપાઠીના મોદી પ્રત્યેના નરમ સૂરથી ક્યાંક ને ક્યાંક આ ગુપ્ત બેઠકની ગંધ આવે છે.

આ તમામ સમાચારો જ્યારે મીડિયામાં આવવા લાગ્યા ત્યારે NCP નેતાઓ ભાજપ અને કોંગ્રેસના ગઠબંધનની વાતને નકારી રહ્યા છે. NCP નેતા પ્રફૂલ્લ પટેલે ભાજપ સાથેના ગઠબંધનની વાતને રદિયો આપતા કહ્યું કે તેઓનું ગઠબંધન કોંગ્રેસ સાથે છે અને તે યથાવત રહેશે. તો બીજી તરફ ભાજપના નેતાઓ પણ મોદી અને પવાર વચ્ચેની ગુપ્ત બેઠકને નકારી રહ્યા છે.

ચૂંટણી નજીક આવતા જ રાજકીય પાર્ટીઓ ગઠબંધનની જોડતોડ કરવામાં લાગી જાય છે. NCP તથા ભાજપના નેતાઓ મોદી અને શરદ પવારની બેઠકને નકારી રહ્યા છે. પરંતુ છપાયેલા સમાચારનું શું? સમાચાર પત્રએ છાપેલી એ ગુપ્ત બેઠકનું શું? તે એક સૌથી મોટો સવાલ છે. કારણકે સમાચારમાં લખ્યુ છે કે ચૂંટણી પછી NCP ભાજપને સમર્થન આપશે. ત્યારે NCPના નેતાઓ હાલ તો કોંગ્રેસ સાથેના ગઠબંધનની પીપૂડી જ વગાડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ સાથેના ગઠબંધનની વાતો કરવી તે કોઈ રણનીતિનો જ ભાગ છે કે નહીં તે તો NCP જ જાણે.