શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 16 એપ્રિલ 2014 (14:18 IST)

લોકસભાની 5 અને વિધાનસભાની 1 બેઠક પર બે-બે ઇવીએમ મુકવા પડશે

રાજ્યમાં ૩૦ મી એપ્રિલે યોજાનારી લોકસભાની ૨૬ બેઠકોની ચૂંટણી અને વિધાનસભાની સાત બેઠકોની પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાની પ્રક્રિયા પૂરી થયા બાદ હવે ૨૬ બેઠકો પર ૩૫૪ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે ત્યારે એવી પણ બેઠકો છે જ્યાં ૧૫થી વધારે ઉમેદવારો હોવાથી આ તમામ બેઠકો પર બે બેલેટ યુનિટ લગાવવા પડશે જ્યારે વિધાનસભાની સાતમાંથી એક બેઠક પર પણ બે બેલેટ યુનિટ રાખવામાં આવશે. ઇવીએમમાં ૧૬ જેટલા ઉમેદાવારોનો જ સમાવેશ થઇ શકે છે જેમાં હવે નોટાનું પણ એક વધારાનું બટન મૂકવામાં આવતા ૧૫થી વધારે ઉમેદવારો માટે વધારાનું બેલેટ યુનિટ મૂકવું પડતું હોય છે.

રાજ્ય ચૂંટણી પંચનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ક્યાં કેટલા ઉમેદાવારો ઊભા રહ્યા છે તેની સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે. જેમાં જામનગર બેઠક પર કુલ ૨૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઊતર્યા છે જ્યારે નવસારી બેઠક પર ૧૯ અને ગાંધીનગર બેઠક પર ૧૮ તથા સુરેન્દ્રનગર બેઠક પર ૧૭ ઉમેદવારો છે. આ ઉપરાંત ભાવનગર બેઠક ઉપર પણ ૧૬ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે . ભાવનગર બેઠક પર માત્ર ૧૫ને બદલે ૧૬ ઉમેદવારો હોવાથી માત્ર એક વધારાના ઉમેદવાર માટે વધારાનું બેલેટ યુનિટ મૂકવું પડશે. આમ આ તમામ લોકસભા બેઠકો ઉપર ૧૫થી વધારે ઉમેદવારો હોવાથી વધારાના બેલેટ યુનિટનો સહારો લેવો પડશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની સાત બેઠકોમાંથી સોમનાથ બેઠક પર પણ ૧૫થી વધારે ઉમેદવારો હોવાથી અહીં પણ એક વધારાનું બેલેટયુનિટ મૂકવું પડશે આ બેઠક પર સૌથી વધારે ૨૫ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઊતર્યા છે.