શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By વેબ દુનિયા|

ગુજરાતના કોકોનટ હનુમાન વિશે જાણો છો ?

અનોખા હનુમાન મંદિરે આશરે એક કરોડથી પણ વધારે શ્રીફળ એકત્ર થયા

P.R

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગેળા ગામે આવેલ અનોખા હનુમાન મંદિરે શનિવારના રોજ મેળા જેવો માહોલ સર્જાયો હતો. આ હનુમાન મંદિર ભક્તજનોનું આસ્થાનું કેન્દ્ર બનતા છેલ્લા પાંચ-છ દાયકાથી અહીં ભક્તજનો વધેર્યા વિના જ શ્રીફળ ચડાવે છે. વર્ષોથી ચાલતી ભક્તજનોની આ પૂજા પ્રસાદથી અહીં શ્રીફળનો પહાડ રચાયો છે અને આશરે એક કરોડથી પણ વધારે શ્રીફળ આ પાવન જગ્યાએ જમા થતા એક નવીન ધાર્મિક કીર્તીમાન બનેલ છે.

થરાદના ગેળા ગામના આ મંદિરના ઈતિહાસ પર એક નજર કરીએ તો જતી અથવા તો શ્રીફળવાળા હનુમાન તરીકે જાણીતું આ સ્થાનક આશરે ૬૦૦ થી ૭૦૦ વર્ષ પુરાણું હોવાનું મનાય છે. જિલ્લા અને દેશ દુનિયામાંથી ભક્તજનો અહીં દર શનિવારે પોતાની મનોકામના પૂરી કરવા શ્રીફળ પ્રસાદરૃપે અહીં હનુમાનજીને ભાવપૂર્વક ચઢાવે છે. નજીકના લોકો પાંચ-દશ માઈલથી ચાલતા પણ આવે છે. જેનાથી ધાર્મિક દિવસો અને શનિવારના રોજ અહીં ગ્રામ્ય મેળા જેવો માહોલ જામે છે.

આ ચમત્કારિક હનુમાનજી ખેજડાના ઝાડ નીચે બિરાજમાન છે. મંદિર સાથે જોડાયેલી દંતકથા એવી છે કે, અંદાજીત પચાસ-સાઈઠ વર્ષ પહેલા થરાદના આશોદર મઠના તપસ્વી મહંત હરદેવપુરી મહારાજ અહીં આવ્યા હતા અને તેમને અહીં ચઢાવેલા શ્રીફળ બાળકોને ખાવા આપ્યા હતા. જો કે, તે બાદ બાળકો બીમાર પડતા હનુમાનદાદા પાસે શ્રીફળ ચઢાવવાની રજા માંગી હતી, પરંતુ દાદાએ રજા ના આપતા આશોદર મઠના તપસ્વી મહંત હરદેવપુરી મહારાજે હનુમાનજીને મીઠો ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે, બાળકોને શ્રીફળ પ્રસાદ તરીકે ખાવામાં જો તમારા શ્રીફળ ઓછા થઈ જતા હોય તો તમો અહીં શ્રીફળનો ઢગલો કરી બતાવજો. અને બસ તે દિવસથી અહીં કોઈ શ્રીફળ વધેરતું નથી. દાયકાઓ વીતી ગયા હોવા છતાં અને વરસાદ, વંટોળ સહિતની અનેકો હોનારતો બનતી હોવાછતાં કરોડથી વધુની સંખ્યા ધરાવતો શ્રીફળનો આ પહાડ હનુમાનજીની કૃપાથી અડીખમ ઉભો છે. તે એક ચમત્કારરૃપ દાખલો હોઈ ગેળા ગામે આવેલ આ હનુમાન અનોખા ધાર્મિક મહાત્મ્યનો બોલતો પુરાવો છે.