શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By વેબ દુનિયા|

ગુજરાતનું સુંદર હિલ સ્ટેશન

સાપુતારા એક હિલ સ્ટેશન છે જે ગુજરાતની અંદર ડાંગ જીલ્લાની સહ્યાદ્રી પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે.તેનો વિસ્તાર 1,725 ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલો છે. ત્યાંનું હવામાન એકદમ ખુશનુમા છે વળી આખા વર્ષ દરમિયાન ત્યાંનું હવામાન ખુબ જ સુંદર રહે છે અને વળી ગરમીમાં પણ 28 ડીગ્રીથી વધુ તાપમાન ત્યાં નથી હોતુ. તેથી તો ઉનાળામાં તે રજાઓ ગાળવા માટેનું સુંદર સ્થળ છે. ત્યાં જવા માટેનો ઉત્તમ સમય માર્ચ અને નવેમ્બર વચ્ચેનો છે છતાં પણ તમે વર્ષ દરમિયાન ગમે ત્યારે ત્યાં જઇ શકો છો.
W.DW.D


સાપુતારાનો નકશો ખુબ જ સુંદર છે. સાપુતારાના રસ્તાઓ સર્પ આકારાના છે તેથી તેનું નામ સાપુતારા પડ્યું છે. સપુતારામાં હોટલો, મ્યુઝીયમ, તળાવો, બગીચાઓ વગેરેને જાણે કે ખુબ જ સુંદર રીતે ગોઠવણ કરીને બનાવ્યાં હોય તેવું લાગે છે. વળી ત્યાં બધા જ પ્રકારની ફેસેલીટી પણ મળી રહે છે. ડાંગ જીલ્લો ખાસ કરીને વાંસના જંગલો માટે વધું પ્રખ્યાત છે. તેથી ત્યાં વાંસની વસ્તુઓ ખુબ જ સુંદર મળે છે.

સાપુતારામાં સાપ ખુબ જ જોવા મળે છે. ત્યાંનાં ગામડાનાં રહેવાસીઓ આ સર્પની પ્રસંગોપાત પુજા કરે છે અને ખાસ કરીને હોળીના સમયે. ત્યાંના લોકોનું નૃત્ય પણ ખુબ જ સુંદર અને જોવાલાયક હોય છે. ડાંગ જીલ્લામાં ખાસ કરીને આદીવાસીઓની વસ્તી વધું જોવા મળે છે. તેઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

સાપુતારામાં સુર્યોદય અને સુર્યાસ્ત એટલો સુંદર દેખાય છે જાણે કે સુરજ આપણી એકદમ નજીક હોય તેવું લાગે છે. તે સમયે જાણે કે આપણે કોઇ અલૌકિક નજરાણું જોતા હોઇએ તેવો અદભુત અનુભવ થાય છે. અહીંયા તળાવો પણ ખુબ જ સુંદર છે. તળાવોની આજુબાજુ ઉંચા પર્વતો અને હરીયાળી એટલી બધી છે કે ત્યાંની બોટીંગની મજા કઇક અનોખી જ લાગે છે.

સાપુતારામાં આવ્યાં બાદ આપણને એવો અનુભવ થાય છે કે જાણે આપણે કુદરતના ખોળામાં આવી ગયાં હોય. વળી ત્યાં સુંદર બગીચાઓ પણ છે તેમાંય વળી ગુલાબના બગીચાઓ તેની શોભામાં વધારો કરે છે. તેથી આ સ્થળ રજાઓ ગાળવા માટે ઉત્તમ છે.

પારૂલ ચૌધરી