ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By વેબ દુનિયા|

ગુજરાતનુ જાણીતુ ઐતિહાસિક સ્થળ લખપત

કચ્છદર્શન માટે જનારાઓમાં પાકિસ્તાનની લાઈટિંગ જોવાનો ગજબનો મોહ

PIB

ખબર નહીં કેમ, પણ કચ્છદર્શન માટે જનારાઓમાં સેંકડો કિ.મી. દૂરથી પાકિસ્તાનની લાઈટિંગ જોવાનો ગજબનો મોહ હોય છે. હું પણ એમાંથી બાકાત કેવી રીતે રહું? લખપત તાલુકાની મુલાકાત લેતી વખતે અમને કહેવાયું કે કોટેશ્ર્વર મહાદેવના મંદિરે સાંજે જજો અને એકાદ કલાક રોકાશો તો ત્યાંથી પાકિસ્તાનના કરાચી શહેરની લાઈટિંગ જોવા મળશે. જેવું જીવન આપણે જીવીએ છીએ, એવું જ ત્યાં હશેને? એક જ માતાનાં બે સંતાન એટલે ભારત અને પાકિસ્તાન. છ દાયકાથી છૂટા પડેલા આપણા એ પાડોશી દેશની લાઈટિંગ જોતી વખતે કેટકેટલાય સવાલોએ મનને ઘેરી લીધું. આપણા દેશની લાઈટિંગ જોઈને તેઓ પણ હરખાતા જ હશેને? પાસે પાસે હોવા છતાંય કેટલી બધી દૂરી છે કે આ લાઈટિંગ જોઈને જ સંતોષ માનવાનો? બંને દેશના લોકો દુશ્મની અને ડરના બંધનમાંથી આઝાદ થશે ખરા? તમે પણ કદાચ આ જગ્યાએ પહોંચશો ત્યારે આવા અનેક સવાલોમાંથી પસાર થવું પડશે. અત્યારે આપણે પણ લખપતનો એક રાઉન્ડ લઈને આગળ વધીએ. નારાયણ સરોવર, કોટેશ્ર્વર અને માતાના મઢે પણ પહોંચવું છેને!

લગભગ ૫૦૦ વર્ષ અગાઉ સ્થપાયેલું લખપતમાં આશરે ૨૦૦ વર્ષ જૂનું ગુરુદ્વારા પણ જોવા મળે છે. શીખોમાં લખપત ગુરુદ્વારાનું મહત્ત્વ વિશેષ છે. એવું કહેવાય છે કે ગુરુનાનક જ્યારે હજ માટે મક્કા જઈ રહ્યા હતા ત્યારે તેમણે આ ગુરુદ્વારામાં કેટલાક દિવસ માટે રોકાણ કર્યું હતું. લખપતના આ ગુરુદ્વારામાં ગુરુનાનકનાં પગરખાં અને પાલખી પણ દર્શન માટે સાચવી રાખવામાં આવ્યાં છે. શીખ પ્રજા ગુરુનાનક સાહેબનાં સ્મૃતિરૂપ પગરખાં અને પાલખીની ભાવથી પૂજા કરે છે. આમ લખપત લોકો માટે શ્રદ્ધાધામ તો ખરું જ, પરંતુ એનું ઐતિહાસિક મહત્ત્વ પણ અદકેરું છે. આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આ ગુરુદ્વારાને સંરક્ષિત સ્થાપત્ય જાહેર કરવામાં આવ્યું છે. ભૂકંપ બાદ જે બારીકાઈથી આ ગુરુદ્વારાનું રિસ્ટોરેશન કરાયું છે એને બિરદાવતાં યુનેસ્કો દ્વારા પણ આ ગુરુદ્વારાને નવાજવામાં આવ્યું છે.

ચાલો લખપત ગામથી આગળ વધીને હવે લખપત તાલુકાની વાત કરીએ. આશરે ૧,૯૪૪ ચો. કિ.મી.માં ફેલાયેલા લખપત તાલુકાની કુલ વસતિ આખા કચ્છમાં સૌથી ઓછી છે. કિ.મી.દીઠ માત્ર ૨૬ વ્યક્તિની ઘનતા ધરાવતા લખપત તાલુકામાં કુલ લોકસંખ્યા ૫૦,૧૨૦ છે. આમ સાવ પાંખી વસતિ ધરાવતા લખપત તાલુકામાં સહેલાણીઓની સંખ્યા વધારે હોય છે.

વધુ જાણવા આગળ ક્લિક કરો


P.R

લખપત જઈએ એટલે નારાયણ સરોવર, કોટેશ્ર્વર મહાદેવનું મંદિર અને માતાનો મઢ બધે જ એકસાથે દર્શન થઈ જાય. આજે પણ કોટેશ્ર્વર મંદિરની પાળીએ વિતાવેલી સાંજ યાદ આવે ને આંખો હરખાઈ જાય છે. કેટલાક સૌથી સુંદર નિહાળેલા સૂર્યાસ્ત પૈકીનો એક સૂર્યાસ્ત હતો એ. આંખો સામે વિશાળ સાગર, રંગોની રમત રમી રહેલું આકાશ, આજે વિરામ લઈને આથમી રહેલો સૂર્ય અને આ બધા પર ચડી જાય એવો સુસવાટા મારતો પવન... ભૂજથી ૨૧૫ કિ.મી. દૂર આવેલા કોટેશ્ર્વર મંદિર વિશે અનેક લોકવાયકાઓ પણ જાણીતી છે. કહેવાય છે કે રાવણે ઉગ્ર તપસ્યા કરીને પ્રભુ શિવને પ્રસન્ન કર્યા. રાવણની તપસ્યાથી પ્રભાવિત થયેલા શંકર ભગવાને શક્તિઓના પ્રતીક સમું શિવલિંગ આપ્યું. ભગવાનના હાથે શિવલિંગ મળતાં સર્વશક્તિશાળી થવાના ગુમાનમાં રાવણ એટલો બેદરકાર બન્યો કે તેના હાથમાંથી આ શિવલિંગ નીચે પડી ગયું. નીચે પડેલું શિવલિંગ ધરતી પર પહોંચ્યું અને રોષે ભરાયેલા શંકર ભગવાને તેને પાઠ ભણાવવા માટે પનિશમેન્ટ તરીકે મૂળ શિવલિંગ જેવાં જ હજારો શિવલિંગની ત્યાં રચના કરી દીધી. રાવણ ધરતી પર મૂળ શિવલિંગ શોધવા તો આવ્યો, પરંતુ હજારો શિવલિંગ જોઈને મૂંઝાયો ને પાછો ફર્યો. બસ, ત્યાં જ મંદિર બનાવી દેવાયું ને ભક્તો માટે એ શ્રદ્ધાધામ બની ગયું. બીજી કથા એવી પણ છે કે ભગવાન શંકરે રાવણની ઉગ્ર તપસ્યાથી પ્રસન્ન થઈને તેને શક્તિશાળી શિવલિંગનું વરદાન આપ્યું ત્યારે સ્વર્ગનાં અન્ય દેવી-દેવતા મૂંઝાઈ ગયાં. તેમણે યુક્તિ કરીને રાવણને ધરતી પર ભૂલો પાડ્યો ને મૂળ શિવલિંગ જેવાં જ આબેહૂબ હજારો (શિવલિંગની સંખ્યા બાબતે ક્યાંય એકમત નથી જોવા મળતો. ક્યાંક હજારો તો ક્યાંક લાખો અને ક્યાંક કરોડો શિવલિંગની વાત કરવામાં આવે છે.) શિવલિંગનું સર્જન કરી દીધું. પરિણામે રાવણ મૂળ શિવલિંગ અહીં જ ભૂલી ગયો અને બીજું શિવલિંગ લઈને પોતાના સ્થાને ગયો. કાળાનુક્રમે એ શિવલિંગ ફરતે મંદિર બનાવાયું. કચ્છના રાજા-મહારાજાઓએ આ મંદિરનો ર્જીણોદ્ધાર કરાવ્યો છે. દરિયાકિનારે ઊભા કરાયેલા આ મંદિરમાં આજે પણ તેની ભવ્યતાની કેટલીક રહી ગયેલી નિશાનીઓ જોવા મળે છે.

કોટેશ્ર્વરથી લગભગ ૪ કિ.મી.નું અંતર કાપીએ એટલે આવે નારાયણ સરોવર. હિંદુ શાસ્ત્રોમાં જે પાંચ પવિત્ર તળાવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાંથી એક છે આ નારાયણ સરોવર. મંદિર જેવા વિસ્તારમાંથી આગળ વધીએ એટલે એક દરવાજો નજરે ચડે અને એ દરવાજામાં ડોકિયું કાઢીએ એટલે દેખાય અનેક પગથિયાં ધરાવતું નારાયણ સરોવર. એવું કહેવાય છે કે ભારતની પવિત્ર એવી સરસ્વતી નદી કચ્છમાંથી વહેતી હતી અને અત્યારના નારાયણ સરોવર પાસે જ એ દરિયામાં સમાઈ જતી હતી. પરિણામે આ તળાવમાં સરસ્વતી નદીના પવિત્ર જળના અંશ મળી આવતા હતા. જેથી હિંદુઓમાં આ તળાવ પ્રત્યે ધાર્મિક આસ્થા ખૂબ જ છે. શાસ્ત્રોમાં જે ‘પંચ સરોવર’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં માન સરોવર, નારાયણ સરોવર, પંંપા સરોવર અને પુષ્કર સરોવરનો સમાવેશ કરવામાં આવ્યો છે. એવું પણ કહેવાય છે કે મહાપ્રભુ વલ્લભાચાર્યે પણ નારાયણ સરોવરની મુલાકાત લીધી હતી.

માત્ર ધાર્મિક આસ્થાળુઓ જ નહીં, પરંતુ પ્રકૃતિપ્રેમીઓ માટે પણ આ સ્થળ ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ છે. અહીં પશુ-પંખીઓની અનેક પ્રજાતિઓ નજરે ચડે છે. નારાયણ સરોવરની આસપાસ ચિંકારા જોવા મળતા હોવાને કારણે વર્ષ ૧૯૮૧માં આ વિસ્તારને નારાયણ સરોવર અભયારણ્ય તરીકે માન્યતા આપવામાં આવી હતી.

કચ્છમાં માતાના મઢનો મહિમા તો જાણીતો છે જ, ક્યારેક એની વિસ્તારથી વાત કરીશું. અત્યારે ક્વિક રાઉન્ડમાં કહેવું હોય તો પૂર્ણેશ્ર્વર અને કક્કડ ભીંતની પશ્ર્ચિમે માતાનો મઢ છે. આ મંદિર કચ્છના અગાઉના જાડેજા શાસકોનાં કુળદેવીને સમર્પિત કરાયું છે. કહેવાય છે કે વર્ષ ૧૮૧૯ના ધરતીકંપમાં સમૂળગું ધરાશાયી થયેલું મંદિર એ સમયે ૧૨૦૦ વર્ષ જૂનું હતું. આ જગ્યાએ સુંદરજી સોદાગર દ્વારા ફરી સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને અત્યારે માત્ર કચ્છ નહીં, દેશ-વિદેશના લાખો ભક્તોની આસ્થાનું તે ધામ છે.

ટૂંકમાં, લખપત તાલુકો એટલે જાણે મંદિરોનો તાલુકો. જોકે અહીં જેટલો મંદિરોનો મહિમા છે એટલો જ ઐતિહાસિક ઈમારતોનો પણ. તમે લખપત તાલુકાની મુલાકાત લો અને ઈતિહાસ સાથે રૂ-બ-રૂ કરો.