શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By વેબ દુનિયા|

ગુજરાત-રાજસ્થાનના સરહદ વિવાદમાં પિસાતું સૌંદર્યથી ભરપૂર પર્યટક સ્થળ - માનગઢ

‘પંછી, નદિયાં યે પવન કે ઝોંકે
કોઈ સરહદ ના ઉસે રોકે....’

P.R
બોલીવુડની એક ખ્યાતનામ ફિલ્મમાં હીરો દ્વારા ગણગણવામાં આવતા લોકપ્રિય ગીતની આ પંક્તિઓ શત્રુ રાષ્ટ્ર પાકિસ્તાનના સંદર્ભમાં ગાવામાં આવી છે, પરંતુ ક્યારેક એક માતાનાં બે સંતાન રાજ્યો વચ્ચે પણ એવા વણસેલા સંબંધો હોય છે કે તેના કારણે આંતરરાજ્ય સરહદ પરના સ્વર્ગ સમાન સ્થળોનો વિકાસ મૂરઝાઈ જાય છે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલું પર્વતીય સ્થળ માનગઢ પણ આવાં સ્થળો પૈકીનું એક છે. જ્યાં જલિયાંવાલા બાગ હત્યાકાંડને પણ ભુલાવી દે તેવો ભીષણ માનવ હત્યાકાંડ સર્જાયો હતો તેવો આ માનગઢ બે રાજ્યો વચ્ચેના વણસેલા સંબંધોના કારણે અપમાનના ઘૂંટડા પીને પણ અડીખમ ઊભો છે.

આ પર્યટક સ્થળની આપદા પર પ્રકાશ પાડતાં પહેલાં તેના ઐતિહાસિક મહત્ત્વ અને અપ્રતિમ સૌંદર્યનો નજારો માણવા માનગઢની લટાર મારવી જ રહી. પંચમહાલ જિલ્લાના સંતરામપુર તાલુકાની ઉત્તર-પૂર્વ સરહદ અને પડોશી રાજ્ય રાજસ્થાનના બાંસવાડાની દક્ષિણ બાજુએ વિસ્તરેલ માનગઢ હિલ તરીકે પ્રચલિત બનેલું આ પર્વતીય સૌંદર્યવાન ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની આદિવાસી પ્રજા માટે એક પવિત્ર અને ધાર્મિક તીર્થસ્થાન ગણાય છે. તેની સાથે આદિવાસી સમુદાયની આસ્થા જોડાયેલી છે.

લગભગ ૯૭ વર્ષ પૂર્વે અહીં સર્જાયેલી, આઝાદીના આંદોલનના રક્તરંજિત પ્રકરણ સમાન ‘માનગઢ માનવ હત્યાકાંડ’ની કરુણગાથા પાષણ હૃદયના માનવીને પણ કંપાવી દે તેવી હતી. ગુરુ ગોવિંદ સિંહની સામાજિક અને ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિને અંગ્રેજ

સરકાર અને દેશી રજવાડાઓએ વિદ્રોહી પ્રવૃત્તિ તરીકે મૂલવી તેને નષ્ટ કરવાના પ્રયાસો શરૂ કર્યા. ગુરુ ગોવિંદ સિંહની સમાજ ઉત્થાનની પ્રવૃત્તિથી ગભરાયેલા અંગ્રેજ શાસનના ભાડે રાખેલા ટટ્ટુઓએ ૧૭મી નવેમ્બર ૧૯૧૩ના રોજ અહીંયાં અનેક નિર્દોષ આદિવાસીઓનું લોહી વહાવ્યું હતું. આ દિવસે ગરુ ગોવિંદ સિંહ આદિવાસી અનુયાયીઓની ધર્મસભા ભરી તેમને ધાર્મિકતાનો ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે અંગ્રેજોના પોલિટિકલ એજન્ટે દેશી રજવાડાંઓનો સાથ લઈ માનગઢ ડુંગરને ચારે તરફથી ઘેરો ઘાલ્યો અને અંધાધૂંધ ગોળીબાર તથા તોપમારો કરી ૧૫૦૭ જેટલા અબુધ આદિવાસીઓને ચિર નિદ્રામાં પોઢાડી દીધા.

બ્રિટિશ સલ્તનત સામે ગુરુ ગોવિંદ સિંહે આદરેલા ભગત આંદોલનને આજે પણ ગુજરાત-રાજસ્થાન સરહદ પરના ગામોએ અપનાવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાતના દાહોદ તથા પંચમહાલ જિલ્લા ઉપરાંત રાજસ્થાનના બાંસવાડા, કુશલગઢ, ડુંગરપુર તથા મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામાં વસતા હજારો અનુયાયીઓ ભગત જેવું જીવન જીવી રહ્યા છે. એક માન્યતા એવી પણ છે કે, માનગઢ હિલ્સને સંત ગુરુ ગોવિંદ સિંહે ‘દુણિયા’ ધર્મના પ્રચારનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું હતું.

સંતરામપુરથી બાવીસ કી.મી. દૂર આવેલા આ સ્થળે કુદરતે છૂટા હાથે સૌંદર્ય વેર્યું છે. ચારેય તરફ ઊંચી-નીચી પહાડીઓ વચ્ચે આદિવાસીઓ તેમનું પ્રાકૃતિક જીવન જીવે છે. સપાટ મેદાની વિસ્તારની સાથે પ્રાકૃતિક પરિવર્તનોના કારણે કરોડોની સંખ્યામાં પથ્થરો અને શિલાઓ વિખેરાયેલાં પડ્યા છે. અહીં અતિ પ્રાચીન કુડેશ્વર શિવમંદિર કાળની થપાટો વચ્ચે પણ અડીખમ ઊભું છે.

હવે મૂળ વાત પર આવીએ તો માનગઢ હિલના ઐતિહાસિક મહત્ત્વ તથા અપ્રતિમ સૌંદર્યના કારણે પર્યટક સ્થળ તરીકે વિકાસની અફાટ શક્યતાઓ છતાં તે બે રાજ્યો વચ્ચેના સરહદ વિવાદના કારણે નધણિયાત હાલતમાં મુકાયું છે. પર્વતના અડધા ભાગ પર રાજસ્થાનનો કબજો છે તો બાકીનો ભાગ ગુજરાતમાં છે. મહત્ત્વનાં સ્થળો સુધી પહોંચવા સરહદનો વિવાદ આડે આવી રહ્યો છે. લગભગ ૪૫૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા માનગઢ હિલ્સને લઈ બંને રાજ્યો વચ્ચેની સરકારોમાં ભારે ખેંચતાણ ચાલી રહી છે. અલબત્ત, રાજસ્થાન સરકારે ગુજરાતના ઘણા ભાગમાં પગપેસારો કરી વિકાસ કાર્યો હાથ ધર્યા છે. ગુરુ ગોવિંદ સિંહની ધૂણી અને મંદિર બનાવ્યાં તથા ૧૯૧૩ના થયેલા હત્યાકાંડની યાદમાં અતિભવ્ય શહીદ સ્મારકનું નિર્માણ કરાયું છે. યાત્રિકોને રહેવા માટે ધર્મશાળા પણ બનાવાઈ છે. સામા પક્ષે ગુજરાતે હજુ ઘણું કરવાનું બાકી છે. સરકારની નિષિ્ક્રયતાને કારણે રાજસ્થાન સરકારે વનવિભાગની ઘણી જમીન પર ગેરકાયદે અડિંગો જમાવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અહીંયાં એકમાત્ર ધર્મશાળા-સમાજઘરનું નિર્માણ કરાયું છે તે સિવાય કોઈ નક્કર વિકાસ જણાતો નથી. માનગઢ સુધી પહોંચવા કુંડાથી રસ્તો બની શકે તેમ હોવા છતાં કોઈ કારણસર તેનું કામ પૂર્ણ થતું નથી.

આઝાદી પહેલાથી ચર્ચિત ઐતિહાસિક તથા મહત્ત્વનું પર્યટક સ્થળ બે પડોશી રાજ્યનો વટનો મુદ્દો બની ગયું છે. ગુજરાતમાં ભાજપની અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હોવાથી સરહદનો પ્રશ્ન વધુ વિકટ જરૂર બન્યો છે, પરંતુ આ અગાઉ રાજસ્થાનમાં ભાજપનાં વસુંધરારાજે સિંધિયાની સરકાર હતી ત્યારે પણ વિવાદનો નિવેડો આવી શક્યો ન હતો. હરિયાળી વનરાજી, પર્વતો, સપાટ મેદાની પ્રદેશ, જળબંધ જેવી કુદરતી સુવિધાઓના કારણે માનગઢ ઉત્તમ પર્યટક સ્થળ બનવાની તમામ વિશેષતાઓ ધરાવતું હોવા છતાં એકમાત્ર રાજકીય હુંસાતુંસી તેનું ગળું ઘોંટી રહી છે.

પંચમહાલ જિલ્લાના સંતરામપુરના કોંગ્રેસી ધારાસભ્ય વિવાદની વાતનો આડકતરો એકરાર કરતા કહે છે કે ‘ગુજરાત સરકારે માનગઢને જાણે રાજસ્થાન સરકારને હેન્ડ ઓવર કરી દીધું હોય’ તેવી સ્થિતિ છે. મેં મારી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એક સમાજઘર બનાવ્યું છે. તેને બાદ કરતાં કોઈ કામ થયાં નથી. જો તેનો પ્રવાસન ધામ તરીકે વિકાસ થાય તો દેશ-દુનિયાના પર્યટકોને પ્રકૃતિના દર્શન થશે. સાથે સ્થાનિક આદિવાસી માટે રોજીરોટીની તકો ઊભી થશે.’

માનગઢની તળેટીમાં પૌરાણિક કુડેશ્વર મહાદેવનું મંદિર છે. જેની નજીક બારેમાસ ભરેલા રહેતા ચેકડેમની પણ સગવડ છે. આ પાણી પર્વત પર પહોંચાડવાની વ્યવસ્થા કરાય તો સોનામાં સુગંધ ભળે તેવી સુંદર સ્થિતિ સર્જાય, પરંતુ રાજકારણના આટાપાટામાં તેનો મોક્ષ થતો નથી. રાજસ્થાન સરકારે અનેકવિધ યોજનાઓ કાર્યાન્વિત કરી છે. જેની સામે ગુજરાત સરકાર દ્વારા ૨૦૦૬માં માનગઢ હિલ્સના સર્વતોમુખી વિકાસ માટે ઘણી યોજનાઓ ઘડી કાઢવામાં આવી હતી, પરંતુ કહેવાની ભાગ્યે જ જરૂર પડે કે સીમાના વિવાદ અને રાજકીય ઇચ્છાશક્તિના કોકટેલના અભાવે સઘળી યોજનાઓ કાગળ પર જ રહી જવા પામી છે.

ભમરીકુંડા (માનગઢ)ના સરપંચ સંજય પારગીએ વિવાદની વાતને જરા અલગ રીતે રજૂ કરતા કહે છે કે, માનગઢને લોકો વિવાદિત વિસ્તાર તરીકે ઓળખે છે, પરંતુ હકીકત એવી નથી. વાસ્તવમાં રાજસ્થાન સરકાર વિવાદ જન્માવે છે. રસ્તાની સમસ્યા એવી છે કે જો માનગઢ જવું હોય તો રાજસ્થાનના માર્ગે જ જવું પડે છે. ગુજરાતમાંથી સીધો માર્ગ બને તો માનગઢને બીજું પાવાગઢ બનાવી શકાય એમ છે. આ માટે સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

ગુજરાત-રાજસ્થાન વચ્ચેના વિવાદના કારણે શટલ કોકની જેમ ફંગોળાતો માનગઢના વિકાસનો મુદ્દો ચર્ચાની એરણે છે ત્યારે બંને પડોશી રાજ્યોની સરકારો સદ્ભાવના સ્વરૂપ દોસ્તીનો હાથ લંબાવી આ પર્વતીય સ્થળના ડેવલપમેન્ટ માટે સહમતી સાધશે તો ગુજરાતની ખુશ્બૂ છેક રાજસ્થાન સુધી પ્રસરશે તેમાં કોઈ બેમત નથી.