શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By પારૂલ ચૌધરી|

વીરપુર

P.R

ગુજરાતની અંદર આવેલ સૌરાષ્ટ્રમાં ગોંડલની પાસે વીરપુર કરીને એક પવિત્ર યાત્રાધામ આવેલુ છે જે ગુજરાતમાં ખુબ જ પ્રસિદ્ધ છે. અહીંયા જલારામ બાપાનું મંદિર આવેલ છે જેમના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. આ યાત્રાધામ જુનાગઢથી માત્ર 50 કિ.મી.ના અંતરે આવેલ છે.

જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવંત 1856માં 4-11-1799માં સોમવારને દિવસે થયો હતો. જલારામના પિતા એક વેપારી હતાં અને જલાને પણ થોડુક જ ભણાવવા માટે એક ગામડાની સ્કુલમાં દાખલ કર્યા હતાં. પરંતુ તેમનું મન ભણવામાં જરાયે લાગતું ન હતું તેમનું ધ્યાન સાધુ સંતોમાં વધારે પરોવાયેલુ રહેતું હતું. એવું કહેવાય છે કે તેમને ત્યાં એક સમયે એક મહાન સંત આવ્યાં હતાં અને તેમણે જલાની માતાને કહ્યું કે મારે તમારા પુત્રના દર્શન કરવા છે. જલાએ ત્યાં આવીને મહારાજને પ્રણામ કર્યા અને તેમને રામનામનો એક મંત્ર આપ્યો અને પોતે ત્યાંથી વિદાય લઈ લીધી. ત્યાર બાદ જલો ચાલતાં, બેસતાં, ઉઠતાં અને ફરતાં સીતારામના નામનો જ જપ કરતો હતો.

ત્યાર બાદ લગ્નને યોગ્ય તેમની ઉંમર થતાં આટકોટના પ્રાગજી સોમૈયાની પુત્રી વીરબાઈ સાથે તેમના લગ્ન થયાં. વીરપુરમાં તેઓ તેમની પત્ની સાથે સાધુસંતોની સેવા કરતાં અને ત્યાં થઈને નીકળતા દરેક માણસને ભોજન આપતાં. તેઓ સમાનભાવે દરેકની સેવા કરતાં તેથી લોકો તેમને જલારામ કહેવા લાગ્યા.

ભગવાન તેમની કસોટી કરવા માટે એક વખત વૃદ્ધ સાધુનું રૂપ લઈને આવ્યાં હતાં અને તેમણે તેમની પાસે તેમની પત્ની વીરબાઈની માંગણી કરી હતી. જલારામે સાધુની સેવા કરવા માટે પ્રેમથી તેમની પત્નીને સાધુને આપી દિધી હતી. પરંતુ બાદમાં ભગવાને પ્રસન્ન થઈને વીરબાઈ પાસે પ્રસાદી રૂપે ધોકો અને જોળી મુકતાં ગયાં. આજે પણ આ ધોકો અને જોળી તે મંદિરની અંદર છે. જે લોકો આજે અહીંયા દર્શન કરવા માટે આવે છે તેઓ મંદિરની અંદર રાખેલ આ ધોકા અને જોળીના દર્શન પણ અવશ્ય કરે છે. આજે અહીંયા જે લોકો આવે છે તેઓ તેમનો પ્રસાદ લઈને જ જાય છે. એવું કહેવાય છે કે તેમને ત્યાં અનાજનો ભંડાર ક્યારેય પણ ખુટતો નથી. અને ચોવીસ કલાક સુધી રસોડુ ચાલે છે.

વીરપુર જવા માટે અમદાવાદ તેમજ રાજકોટથી કેટલીય સરકારી બસો મળી રહે છે. તેમજ ખાનગી વાહન દ્વારા પણ જઈ શકાય છે. તે ઉપરાંત આખા ગુજરાતના કોઈ પણ સ્થળેથી સરળતાથી બસો મળી રહે છે.