ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By

ગુજરાતનું ઐતિહાસિક નજરાણું - અડી કડીની વાવ

ઉપરકોટની અંદર આવેલી આ બે વાવ અત્યંત અસામાન્ય પ્રકારની છે અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં જોવા
મળતી વાવ કરતા જૂદી છે. મોટા ભાગની વાવો જમીનના વિવિધ પ્રકારના નીચલા પડો અને ખડકોના સ્તરો ખોદીને બનાવવામાં આવે છે અને પથ્થરના સ્તંભો, તળિયા, સીડીઓ અને દિવાલો જમીન પરના બાંધકામની જેમ બનાવાય છે. આ બે વાવના કિસ્સામાં વાવનો હિસ્સો પથ્થરમાંથી કોતરી કાઢેલો છે અને વાવના સ્તંભો, દિવાલો જેવું માળખું મૂળ ખડકની બહાર છે. આનો અર્થ એવો થયો કે અહીં કોઈ પણ પ્રકારનું માળખાકીય બાંધકામ કરવામાં આવ્યું નથી, તેથી વાવનું સમગ્ર માળખું એક જ ખડકમાંથી કોતરી કાઢવામાં આવ્યું છે.

P.R

નવઘણ કુવો, દેખીતી રીતે ઇ.સ. 1026માં બનેલા અને કેટલાક સ્રોતો પ્રમાણે, એથીયે જૂના નવઘણ કૂવાને એક હજાર વર્ષ થવામાં બહુ થોડા વર્ષ બાકી છે. અંશતઃ મૃદુ ખડકમાંથી બનેલા અને અંશતઃ અન્ય વાવની જેમ બનેલા નવઘણ કૂવાના પગથિયા 52 મીટર (170 ફૂટ) નીચે વાવના મધ્યભાગની આસપાસ સર્પાકારે ઉતરીને છેક પાણીની સપાટી સુધી પહોંચાડે છે. આ એક અસામાન્ય બાબત છે. નવઘણ કૂવાના પાણીએ ઉપરકોટને લાંબા ઘેરાઓમાં ટકાવી રાખ્યું હતું.


P.R

અડી-કડી વાવ, 15મી સદીમાં બંધાયેલી અડી કડીની સમગ્ર વાવ સખત ખડકમાંથી કોતરી કાઢી છે. 120 પગથિયાની સાંકડી સીડી પથ્થરમાં ઊંડે વાવના મધ્યભાગ સુધી કોતરી કાઢવામાં આવી છે. વાવના નામ સંદર્ભે બે કિંવદંતીઓ પ્રચલિત છે. એક કથા પ્રમાણે, રાજાએ વાવ બાંધવાનો આદેશ કર્યો અને મજૂરો સખત પથ્થને ખોદવા નીચે ઉતરી પડ્યા, પરંતુ પાણી મળ્યું નહીં. રાજગુરુએ કહ્યું કે બે કુંવારી કન્યાઓનું બલિદાન આપવામાં આવશે, તો જ પાણી આવશે. અડી અને કડી નામની બે કમનસીબ છોકરીઓને આ માટે પસંદ કરવામાં આવી અને તેમના બલિદાન પછી પાણી મળ્યું હતું. બીજી કથા ઓછી રોમાંચક છે, પરંતુ વધારે સંભવિત છે. આ કથા પ્રમાણે, અડી અને કડી રાજકુટુંબની દાસીઓ હતી, જે રોજ વાવમાંથી પાણી ભરતી હતી. ગમે તેમ પણ આજેય લોકો તેમની યાદમાં નજીકના વૃક્ષ પર કપડાં અને બંગડીઓ ટીંગાડે છે.